સુરત કાપડ માર્કેટમાં કોરોના ફેલાવાનો ભય

અમારા પ્રતિનિધિ તરફથી 
સુરત, તા. 30 જૂન
અનલોક 1.0ના શરૂઆતના દિવસોથી હીરાના કારખાનાઓમાં કામ કરતા કારીગરોમાં સંક્રમણનું પ્રમાણ વધવાનું શરૂ થયું હતું. આજે શહેરમાં કોરોનાના સર્વાધિક કેસ હીરાના કારખાનાઓમાં કામ કરતા કારીગરો અને તેનાં પરિવારમાંથી આવી રહ્યા છે. કોરોનાનું સંક્રમણ વધતા સુરત મનપાએ હીરાબજાર અને કતારગામ ઝોનમાં આવતા એકમોને બંધ કરાવ્યા બાદ  કાપડમાર્કેટમાં પણ ભયનો માહોલ વ્યાપ્યો છે.  
કાપડમાર્કેટમાં કામ કરતા વેપારીઓને દહેશત છે કે, કોરોના સંક્રમણ અટકાવવા માટેની ગાઇડલાઇનનું પાલન નહિ થાય તો કાપડમાર્કેટોમાં કેસો વધે તો માર્કેટો પુન: બંધ થવાની સ્થિતિનું નિર્માણ થશે. વેપારીઓની આ દહેશત જાણે સાચી ઠરી હોય તેમ સુરત મનપાની આરોગ્ય વિભાગની ટીમે કાર્યવાહી કરવાની શરૂ કરતા દસેક જેટલી કાપડ માર્કેટોને નોટીસ ફટકારી છે. જેમાંથી કેટલીક માર્કેટોને સાંજે ચાર કલાક પહેલાં બંધ કરી દેવા કહ્યું હતું. 
કાપડમાર્કેટને લઇને વેપારી સંગઠન ફોસ્ટાના ડાયરેક્ટર રંગનાથ શારડા કહે છે કે, ખાસ્સી મહેનત બાદ કાપડમાર્કેટો ખોલી શકાય છે. એવામાં જો જરા સરખી લાપરવાહી દાખવવામાં આવશે તો ફરી હીરાબજાર જેવી સ્થિતિ ઉભી થઇ શકે તેમ છે. સોશ્યલ ડીસ્ટન્સીંગ અને માસ્ફ ફરજીયાત તેમજ વારંવાર હાથ સેનીટાઇઝ કરવા અત્યંત જરૂરી છે.  
જે માર્કેટો અને દુકાનના વેપારીઓ ગાઇડલાઇનનું પાલન કરવામાં લાપરવાહી કરશે ત્યાં કોરોના સંક્રમણ ફેલાવાનો ભય પેદા થયો છે. પાછલા દિવસોમાં હીરાની સાથે માર્કેટોમાં કામ કરતા કર્મચારીઓ અને કામદારોમાં સંક્રમણનું પ્રમાણ વઘ્યું છે. એ જોતા કોઇપણ સંજોગોમાં લાપરવાહી ચલાવી લેવાઇ તેમ નથી. અમે આ મામલે તમામ માર્કેટોને કડક દિશા-નિર્દેશ આપ્યા છે.  
આ ઉ5રાંત કેટલાક બહારગામથી આવતા વેપારીઓ-કારીગરો-મજૂરો કોરેન્ટાઇનના નિયમો પાળતા ન હોવાથી માર્કેટમાં કોરાના સંક્રમિતોની સંખ્યામાં વધારો નોંધાય રહ્યો છે. 
આરોગ્ય વિભાગે કોહીનુર અને એકતા માર્કેટને બંધ કરાવી : 10 કાપડમાર્કેટોને નોટીસ આપી  
મંગળવાર સવારે હીરાબજાર બંધ કરાવ્યા બાદ બપોર બાદ સુરત મનપાએ કોરોનાના દિશાનિર્દેશોનું પાલન નહિ કરનાર કાપડમાર્કેટો સામે કડક કાર્યવાહી કરી હતી. છે આરોગ્ય વિભાગની ટીમે દસેક જેટલી કાપડમાર્કેટો સામે કડક કાર્યવાહી કરતા માર્કેટોને નોટીસ આપી બંધ કરવાની ચીમકી આપતા માર્કેટમાં વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આરોગ્યવિભાગની ગાડીઓ રીંગરોડ કાપડમાર્કેટમાં ફરી વળતાં વેપારીઓમાં ગભરાહટ જોવા મળ્યો હતો. અધિકારીઓએ કોહીનુર, આરકેટી, 21 સેન્ચ્યુરી, સરોજ ટેક્સટાઇલ, શિવ ટેક્સટાઇલ માર્કેટ, સંસ્કૃત્તિ ટેક્સટાઇલ માર્કેટ, એકતા ટેક્સટાઇલ માર્કેટ, ગ્લોબલ સહિતની માર્કેટોનો નોટીસ આપી હતી. જેમાંથી કોહીનુર અને એકતા માર્કેટને આરોગ્ય વિભાગે બપોર પહેલા બંધ કરાવી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer