ચીનમાં હાજરી ધરાવતી એમઆરઓ કંપનીઓને ધોલેરા સરમાં જમીન અપાશે

અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 30 જૂન
ભારત અને ચીન વચ્ચે સરહદે વણસતી પરિસ્થિતિને લીધે હવે સરકાર દ્વારા ભારતીય પ્રોજેક્ટમાં ચીનની કંપનીઓના ટેન્ડરો એક પછી એક રદ કરીને ચીનની બાદબાકી કરવાના પ્રયાસો શરું થઇ ચૂક્યાં છે. એવામાં ચીનમાં હાજરી ધરાવતી અન્ય દેશોની ઉડ્ડયન ક્ષેત્રની એમઆરઓ (મેઇન્ટેનન્સ, રિપેર અને ઓવરહોલ) કંપનીઓને આકર્ષવા માટે ગુજરાતમાં આવેલા ધોલેરા સર ખાતે 500 એકર જમીન ડિફેન્સ એવિયેશન હબ માટે ફાળવવાની પ્રક્રિયાએ જોર પકડ્યું છે. 
ગુજરાત સરકારના ડિફેન્સ અને એરોસ્પેસ સલાહકાર તાજેતરમાં આર.કે.ધીરે જણાવ્યું હતું કે ધોલેરા સર ખાતેના સૂચિત હવાઇમથકની પાસે આશરે 500 એકર જમીન ડિફેન્સ એવિયેશન હબ માટે જમીન ફાળવવામાં આવશે. વધુમાં કેન્દ્રના રાજ્યકક્ષાના સંરક્ષણ પ્રધાન શ્રીપદ યેસ્સો નાઇકે એક વીડિયો કોન્ફરન્સીંગ મારફતે ધોલેરા સર ખાતે એમઆરઓ માટે રાજ્ય સરકાર જમીન અલગ રાખી રહી હોવાનો નિર્દેશ આપ્યો હતો. આ જમીન પર એમઆરઓ પ્રકારની અન્ય કંપનીઓને પણ જગ્યા આપવામાં આવશે. 
મળતી માહિતી પ્રમાણે એરફોર્સની એક ટીમે બે-ત્રણ દિવસ પહેલા ધોલેરા સરની મુલાકાત લઇને માપણી કરી હતી. જેમાં મોટા ડેવલપર્સને પણ બોલાવવામાં આવ્યા હતા. એરપોર્ટ ક્યાંથી શરૂ થાય છે અને આગળ પોકેટ (વિસ્તાર) ક્યાં સુધી છે તેની માહિતી મેળવવામાં આવી હતી. આ બાબતને સમર્થન આપતા ધોલેરા સર ડેવલપમેન્ટ એસોસિયેશનના પ્રમુખ રાજદીપાસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે ડિફન્સ એવિયેશન હબ માટેની જગ્યા હાલના તૈયાર 22.5 કિલોમીટર માળખાની બહાર છે. આ ટીમે માપણી પણ કરી હતી. એરફોર્સના અધિકારીઓએ જણાવ્યું હતું કે ફક્ત ડિફેન્સ સંબંધિત કામગીરીઓ કરતી કંપનીઓ જેમ કે એરક્રાફ્ટ એમઆરઓ માટે ભારતમાં સીધા જ ગુજરાત ખાતે ધોલેરા સરમાં જગ્યા અપાશે. નાના મોટા કામ માટે કાર્ગોની જમીન પણ અલાયદી રાખવામાં આવી છે. જેમાં હેલિકોપ્ટર, એરક્રાફ્ટની મરામત કરવામાં આવશે. આ ઉપરાંત બીજી કંપનીઓને પણ આ પ્રકારના કામ માટે ધોલેરા સરમાં પોતાનો પ્લાન્ટ સ્થાપવા માટે આમંત્રણ અપાશે.  
ઉલ્લેખનીય છે કે વાઇબ્રંટ ગુજરાત 2019માં પણ ધોલેરા સર ખાતે સૂચિત એરપોર્ટની ડિઝાઇન બનાવવામાં આવી હતી. જાણવા મળ્યા પ્રમાણે ચીનમાં અન્ય દેશોની એમઆરઓ કંપનીઓ છે તેમને માટે ધોલેરા સર રેડી ટુ મુવ વિકલ્પ પૂરો પાડશે. સરકારે જે સાત દિવસમાં જમીન આપવાનું વચન આપ્યું છે તે અહીં શક્ય બનશે. ધોલેરા સર ખાતે હાલમાં માર્ગો તેમજ અન્ય સવલતો સાથે તૈયાર કરવામાં આવ્યા છે તેવા 50 એકર, 100 કરોડ અને 200 કરોડ જેટલા પોકેટ સરકાર પાસે તૈયાર છે. જો તેનાથી ઓછી જમીનની જરૂરિયાત હોય તો તે કંપનીએ ખાનગી ડેવલપરનો સંપર્ક કરવાનો રહેશે.   
વૈશ્વિક સ્તરે એરક્રાફ્ટ બનાવતી અને ચીનમાં પણ પોતાની અમુક કામગીરીઓ ધરાવતી કંપનીઓમાં એએઆર કોર્પોરેશન (અમેરિકા), એર ફ્રાંસ ઇન્ડસ્ટ્રીઝ કેએલએમ એન્જિનીયરીંગ એન્ડ મેઇન્ટેન્સ (ફ્રાંસ), એરબસ એસએએસ (યુરોપ), બોઇંગ કંપની (અમેરિકા), બોમબાર્ડીયર ઇન્ક (કેનેડા), ડેલ્ટા ટેકઓપ્સ (અમેરિકા) વગેરેનો સમાવેશ થાય છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer