જમાલપુર એપીએમસી માર્કેટ 15 જુલાઇ સુધી બંધ કરાઇ

કોરોનાના વધતા કેસને લીધે પોલીસ તંત્ર દ્વારા નિર્ણય : શાકભાજીના ભાવમાં વધારો 
અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા. 30 જૂન
અમદાવાદમાં કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી એમાં ઉમેરો ન થાય તે  જમાલપુર શાકમાર્કેટને 15 જુલાઇ સુધી સદંતર બંધ કરી દેવાનો પોલીસે આદેશ કર્યો છે. હવે શહેરમાં શાકભાજીનો પુરવઠો કેવી રીતે પૂરો પાડવો તે મુદ્દે એપીએમસીના સત્તાવાળાઓમાં ગડમથલ ચાલી રહી છે. જમાલપુર શાકમાર્કેટ દ્વારા શહેરને રોજનું 7થી 8 હજાર ટન શાક પૂરું પાડવામાં આવે છે.  
એપીએમસીના સેક્રેટરી દીપક પટેલે જણાવ્યું હતું કે કોરોનાને કારણે પોલીસે જમાલપુર શાકમાર્કેટ બંધ રાખવાનો હુકમ કર્યો છે. તેથી 15 જુલાઇ સુધી આ માર્કેટ ખુલશે નહી. દરમિયાનમાં અમે વૈકલ્પિક વ્યવસ્થા અંગે વિચારી રહ્યા છીએ જે એકાદ બે દિવસમાં તે નક્કી થઇ જશે. જોકે શહેરથી દૂર જેતલપુર માર્કેટ રાબેતામુજબ કામ કરશે.  હાલમાં વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે શાકભાજીના ભાવમાં એક કિલોઅ રૂ. 5થી 30નો વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે ખેડૂતોને સીધુ વેચાણ કરવાની પરવાનગી આપવામાં આવી છે. ખેડૂતો પોતાની રીતે ખૂલ્લા બજારમાં શાકભાજી વેંચી શકે છે.  
અગાઉ જમાલપુર એપીએમસી શાકમાર્કેટના વેપારીઓમાંથી માત્ર 33 ટકા જ વેપારીઓને વેપારની પરવાનગી આપવામાં આવતા વેપારીઓ નારાજ હતા. 158વેપારીઓમાંથી એક દિવસમાં માત્ર 53 વેપારીઓને વેપારની છૂટ અપાઈ હતી. હવે તે પણ બંધ કરી દેવામાં આવી છે.  સમગ્ર માર્કેટ જ બંધ કરાતા શાકભાજીના ધંધાર્થીઓ માટે રોજીનો સવાલ ઉપસ્થિત થયો છે.  
વધુમાં બે મહિના બાદ ફરી શરૂ થયેલી જમાલપુરએપીએમસીમાં અગાઉ દર ત્રીજા દિવસે વેપાર કરવાની પરવાનગી મળતા વેપારીઓમાં નારાજગી હતી. અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં શાકભાજીનો સપ્લાય જમાલપુર એપીએમસી શાકમાર્કેટમાંથી થતો હોય છે. ત્યારે જો પુરવઠો ખોરવાય તો તેની અસર શાકભાજીના ભાવ પર પણ વર્તાશે અને ભાવ આસમાને પહોંચી શકે છે.  
કોરોના વાઈરસના કારણે શહેરની જમાલપુર એપીએમસી હોલસેલ શાકમાર્કેટને જેતલપુર ખાતે ખસેડાઈ હતી. હાલ જમાલપુર એપીએમસીમાં વેપારીઓને રાતના 9 વાગ્યા થી સવારના 6 વાગ્યાની પરવાનગી આપવામાં આવી હતી ત્યારે બહારથી આવતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. હવે ફરીથી માર્કેટ બંધ થઇ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer