મગફળીનું વાવેતર ત્રણ વર્ષની ટોચ ઉપર

મગફળીનું વાવેતર ત્રણ વર્ષની ટોચ ઉપર
કપાસનો ખેડૂત મગફળી તરફ : મગફળીનું વિક્રમી વાવેતર ઈતિહાસ રચશે 
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ.તા.30 જૂન 
મગફળીના બિયારણના અતિ ઉત્સાહભર્યા વેચાણ પછી તેની સીધી અસર વાવેતર ઉપર પણ જોવા મળી છે. ગુજરાતમાં મગફળીનું વાવેતર પાછલા ત્રણ વર્ષની સરેરાશ કરતા 6 ટકા વધી ગયું છે. ખેડૂતોને પાછલા વર્ષમાં મળેલા સારા ભાવ, સરકારી ખરીદી, સમયસરનો વરસાદ અને કપાસના પાકમાં સાંપડેલી નિરાશાને લીધે મગફળીનું વાવેતર વધારે થયું છે. 
ખેતીવાડી ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ પ્રમાણે ગુજરાતમાં 16.36 લાખ હેક્ટરમાં વાવણી સંપન્ન થઇ ચૂકી છે. પાછલા ત્રણ વર્ષની સરેરાશ 15.40 લાખ હેક્ટરની રહી હતી. ગયા વર્ષમાં જૂનના અંતે ફક્ત 9.91 લાખ હેક્ટરમાં વાવણી થઇ હતી. આ વર્ષે વાવેતર ખૂબ જ ઝડપથી થયું છે. મગફળીનું વાવેતર 15 જુલાઇ સુધી થતું હોય છે એ જોતા હજુ વિસ્તારમાં મોટો વધારો થવાની પૂરતી શક્યતા છે.  
ઉલ્લેખનીય છેકે સૌરાષ્ટ્ર વિસ્તારમાં જ 14.99 લાખ હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે. જૂનાગઢ જિલ્લામાં સૌથી વધારે 2,59,000 હેક્ટરમાં વાવણી થઇ છે. 
કપાસનું વાવેતર હજુ ધીમું છે. છતાં ગયા વર્ષની તુલનાએ વધારો નોંધાયો છે. પાછલા વર્ષમાં 14.35 લાખ હેક્ટરમાં વાવણી હતી તેની સામે અત્યાર સુધીમાં 15.71 લાખ હેક્ટર વાવેતર થયું છે. ત્રણ વર્ષની સરેરાશ 26.73 લાખ હેક્ટરની રહે છે. આ વર્ષે ખેડૂતોને કપાસના ભાવ અપૂરતા મળ્યા છે. પાકમાં ઇયળોને કારણે બગાડ પણ ઝાઝો સહન કરવો પડ્યો છે એ કારણે સમસ્યા થઇ છે. છતાં 22-24 લાખ હેક્ટર સુધી કુલ વાવેતર પહોંચે તેવી ધારણા મૂકવામાં આવી છે. 
ગુજરાતમાં અનાજ અને જાડાં ધાન્યોનું વાવેતર 2.70 લાખ હેક્ટરમાં થયું છે, જે ગયા વર્ષમાં 1.02 લાખ હેક્ટરમાં રહ્યું હતુ. કઠોળ પાકોનો વિસ્તાર 36170 સામે 89022 હેક્ટર રહ્યો છે. તેલિબિયાંનું કુલ વાવેતર 10.33 સામે 17.60 લાખ હેક્ટરમાં થયું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer