સુરત હીરા બજારમાં ફરી લોકડાઉન

સુરત હીરા બજારમાં ફરી લોકડાઉન
બજાર હમણાં નહીં ખૂલે, હીરાનાં કારખાનાં અને બજારનો મોટાભાગનો વિસ્તાર કલસ્ટર જાહેર 
અમારા પ્રતિનિધિ તરફથી 
સુરત તા. 30 જૂન 
શહેરમાં કોરોનાએ રફતાર પકડતા હીરાઉદ્યોગ ફરી એક વખત બંધની સ્થિતિમાં આવ્યો છે. સુરત મનપાએ નવા જાહેર કરેલા કલસ્ટરની યાદીમાં હીરાબજારનો મોટાભાગનો વિસ્તાર અને હીરાના કારખાનાઓનો સમાવેશ થતા હીરાઉદ્યોગમાં ફરી એક વખત લોકડાઉન જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આમ તો આઠ દિવસ માટે મહીધરપુરા હીરાબજાર બંધ કરાયું છે છતાં જે પ્રમાણે કેસની સંખ્યા વધી રહી છે તે જોતાં સુરત મનપાની નવી સૂચના ન મળે ત્યાં સુધી આ કલસ્ટર ખોલાશે નહિ.  
હીરાના કારખાનાઓમાં કામ કરતા કારીગરો કોરોના સુપર પ્રેડર સાબિત થતાં શહેરમાં કોરોનાને લઇને ચિંતા અને ભયનું વાતાવરણ ઉભું થયું છે. કતારગામ ઝોનમાં એકાએક કેસની સંખ્યામાં વધારો થયા બાદ ગીચ વિસ્તાર એવા વરાછા એ અને બી બન્ને ઝોનમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થયો છે. આજે સુરત મનપાએ કતારગામ-વરાછા બન્ને વિસ્તારમાં ખાણી-પીણીની તમામ લારીઓ-દુકાનો બંધ કરાવતાં શહેરમાં સોપો પડી ગયો છે. હીરાઉદ્યોગની મોટાભાગની પ્રવૃત્તિઓ બંધ રહેતા શહેર ફરી એક વખત લોકડાઉન તરફ જઇ રહ્યું હોય તેવું દ્રશ્ય ઉભું થયું છે.  
હીરાના એકમોમાં કામ કરતા 700થી વધુ કોરોના સંક્રમિત થયા છે. હીરાઉદ્યોગના સંગઠન દ્વારા એક દિવસમાં એક લાખથી વધુ લોકોને ઉકાળાનું વિતરણ કરાયું છે. કોરોના સંક્રમણ નિયંત્રણ નહિ આવે ત્યાં સુધી આયુર્વેદિક ઉકાળા વિતરણ કરવામાં આવશે તેમ સુરત ડાયમંડ એસોસીએશને જણાવ્યું છે.  
મનપાએ મોટી સંખ્યામાં હીરાના કારીગરો સંક્રમિત થતા કતારગામ ઝોનમાં નંદુડોશીની વાડી તેમજ તેની આસપાસનો વિસ્તાર, જેરામ-મોરાની વાડી વિસ્તાર, કાંસાનગર તેમજ લાલદરવાજા સુધીનો વિસ્તાર કલસ્ટર જાહેર કરાયા છે. જેના કારણે હીરાઉદ્યોગની 80 ટકા પ્રવૃત્તિઓને અસર પડી છે.
ચેમ્બરના સેક્રેટરીને કોરોના, પ્રમુખ હોમ કોરેન્ટાઇન  
દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સેક્રેટરી ધીરેન થરનારી કોરોના સંક્રમિત થતા તેમની સાથે સતત સંપર્કમાં રહેલા ચેમ્બર પ્રમુખ કેતન દેસાઇએ હોમ કોરેન્ટાઇન થવું પડ્યું છે. પ્રમુખ સેલ્ફ કોરેન્ટાઇન થયા છે. નોંધવું કે, સેક્રેટરી ધિરેન થરનારીના માતૃશ્રીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ધિરેનભાઇ અને તેમના પરિવારનો રીપોર્ટ કરાવવામાં આવ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer