ગોંડલ યાર્ડમાં 10 લાખ બોક્સ કેરી આવી..!

ગોંડલ યાર્ડમાં 10 લાખ બોક્સ કેરી આવી..!
આવક પાછલા વર્ષથી વધી -કેસરની આવક પૂર્ણ થતા હવે યાર્ડમાં પરપ્રાંતીય કેરી આવશે 
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ.તા. 30 જૂન 
તાલાલામાં કેસર કેરીની હરાજી પૂર્ણ થયાના પંદર દિવસમાં ગોંડલ યાર્ડમાં પણ સીઝન સમાપ્ત થશે. મંગળવારે ગોંડલ યાર્ડમાં પણ કેસર કેરીની છેલ્લી હરાજી થઇ હતી. જોકે હવે અન્ય જાતોની કેરી આવશે. ચાલુ વર્ષે આશરે એકાદ લાખ બોક્સ જેટલી વધુ કેરી યાર્ડમાં ઠલવાઇ છે. તાલાલાનું યાર્ડ વહેલું બંધ થઇ જતા ગોંડલમાં વધારે પ્રમાણમાં કેરી આવી હતી. જોકે હવે રોજ ફક્ત 400-500 બોક્સ આવી રહ્યા છે. એમાં કેસરનું પ્રમાણ બહુ ઓછું છે. 
ગોંડલ યાર્ડમાં ચાલુ વર્ષે 16 એપ્રિલના દિવસથી કેરીની હરાજીનો આરંભ કરવામાં આવ્યો હતો.  76 દિવસની સીઝનમાં ચાલુ વર્ષ દરમિયાન 10.63 લાખ બોક્સની આવક મંગળવાર સુધીમાં થઇ હતી.  
ગયા વર્ષમાં 29 જુલાઇ સુધી હરાજી ચાલી હતી. જોકે આખા વર્ષ દરમિયાન 9.64 લાખ બોક્સની આવક હતી. ચાલુ વર્ષે આવક વધી છે. અલબત્ત હજુ આવક થાય ત્યાં સુધી યાર્ડમાં હરાજી કરાશે પણ હવે જથ્થો સાવ ઘટી જશે. 
ગોંડલ યાર્ડના ચેરમેન ગોપાલભાઇ શીંગાળા કહે છે, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તાલાલા અને કચ્છ તમામ પંથકમાંથી કેસર અને અન્ય વેરાઇટીની કેરી ગોંડલના યાર્ડમાં વેચાવા માટે આવી છે. યાર્ડના કમિશન એજન્ટો ખેડૂતને રોકડાં પૈસા એડવાન્સમાં ચૂકવીને હરાજી માટે કેરી લાવતા હોવાથી વધારે આવક થઇ રહી છે. વળી, યાર્ડમાં મોટાં કમિશન એજન્ટો છે જે બલ્કમાં માલ ખરીદીને બહાર સપ્લાય કરી રહ્યા છે. ખેડૂતોને સારો ભાવ પણ પ્રાપ્ત થાય છે.અલબત્ત હવે ચોમાસું બેસી જતા કેસરની આવક શોષાવા લાગી છે. 
કેસર કેરીની આવક તાલાલા યાર્ડમાં 15 જૂને પૂર્ણ કરવામાં આવી હતી. માલની આવક તળિયે બેસી જતા ત્યાં હરાજી અટકી હતી. હવે ગોંડલ યાર્ડમાં પણ આવક 500-600 બોક્સ જેટલી જ રહે છે એટલે હવે કેસર કેરીની હરાજી નહીં થાય. જોકે પરપ્રાંતમાંથી આવતી કેરીની આવક જુલાઇ સુધી ચાલુ રહેશે તેમ તેમણે ઉમેર્યું હતુ. 
કેરીનો ભાવ ગોંડલ યાર્ડમાં મંગળવારે દસ કિલોના એક બોક્સ દીઠ રુ. 400થી 1000 જેટલો ગુણવત્તા પ્રમાણે રહ્યો હતો.
ગોંડલ યાર્ડને થઇ રુ. 20 લાખ કરતા વધારે આવક 
ગોંડલ યાર્ડમાં હરાજી માટે ઉતરતી કેરી માટે એક બોક્સ દીઠ રૂા. 2ની ફી લેવામાં આવે છે. ચાલુ વર્ષે 10 લાખ બોક્સ કરતા વધારે આવક યાર્ડમાં થઇ ગઇ છે. આમ યાર્ડને પણ રૂા. 20 લાખથી વધુ આવક થઇ છે. જોકે હવે નવા એપીએમસી એક્ટને કારણે આવનારા વર્ષમાં આવકને જબરો ફટકો પડવાનો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer