વૈશ્વિક સોનું આઠ વર્ષની ટોચ નજીક

વૈશ્વિક સોનું આઠ વર્ષની ટોચ નજીક
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ.તા.30 
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ આઠ વર્ષની ટોચ 1779 નજીક સરકી રહ્યો છે. ન્યૂયોર્કમાં 1768 ડોલર રનીંગ હતો. ચાર વર્ષમાં સૌથી મોટો ત્રિમાસિક સુધારો જૂનના અંતે પૂરાં થતાં ત્રણ માસમાં જોવા મળ્યો હતો. સોનાની તેજી સલામત રોકાણની માગ આધારિત છે. ચાંદીનો ભાવ 17.80 ડોલરના સ્તરે રનીંગ હતો. 
એપ્રિલથી જૂનના ત્રિમાસિકમાં સોનાના ભાવમાં 12 ટકાની તેજી જોવા મળી છે. સતત ત્રીજા મહિને સોનું સુધરવામાં સફળ રહ્યું છે. સોનાની તેજી કોરોના વાઇરસના વધતા કેસ પર ાધારિત છે. શેરબજારમાં ઝાઝો કસ નથી એટલે પણ સોનાને ટેકો મળી રહ્યો છે. માસાંતને લીધે ટ્રેડરો બજારથી દૂર થઇ જતા કામકાજો ઓછાં હતા. ચાર્ટની રીતે સોનું 1775-1780નું સ્તર વટાવી જાય તો 1800 ડોલરનું સ્તર વટાવાય તેવી શક્યતા છે. 
અમેરિકાના ઘણા રાજ્યો ફરીથી ખૂલ્યાં છે અને બિઝનેસ પણ કાર્યાન્વિત થયા છે. જોકે કેસ સતત વધી રહ્યા છે. ભારત અને બ્રાઝીલની પણ આવી સ્થિતિ છે. છતાં હવે સરકારો અનલોક કરવા માંડી છે. જોકે આર્થિક વિકાસને કોઇ હિસાબે વેગ મળતો નહીં હોવાથી સૌ ચિંતીત છે.   
દરમિયાન રાજકોટની બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રુ.  50 વધીને રુ. 49550 અને ચાંદી રુ. 48200ની સપાટીએ સ્થિર હતી. મુંબઇમાં સોનું રુ. 5 વધી રુ. 48559 અને ચાંદી રુ. 35 સુધરતા રુ. 48600 હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer