રિલાયન્સ ઇન્ડ. ફ્યુચર ગ્રુપનો રિટેલ બિઝનેસ હસ્તગત કરવાની વેતરણમાં

રિલાયન્સ ઇન્ડ. ફ્યુચર ગ્રુપનો રિટેલ બિઝનેસ હસ્તગત કરવાની વેતરણમાં
15 જુલાઇની વાર્ષિક સભા પહેલા સોદો થવાની શક્યતા
મુંબઈ , તા.30 જુન
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા કિશોર બિયાનીના રિટેલ બિઝનેસ ખરિદવાનો સોદો ગમે ત્યારે થાય તેવી શક્યતા છે. રિલાયન્સ આ સોદો કરીને  કરિયાણુ, ફેશન અને સર્વ સામાન્ય ચીજ વસ્તુઓ જેવી શ્રેણી ધરાવતા રિટેલ બિઝનેસમાં તેનું સ્થાન મજબૂત બનાવશે.
ફ્યુચરના આ ત્રણે બિઝનેસનું મર્જર થયા બાદ રિલાયન્સ તેને હસ્તગત કરશે.આ સોદા વિશે મંત્રણા શરુ છે ત્યારે રિલાયન્સની 15મી જુલાઇએ મળનારી એજીએમ પહેલા આ સોદો પાર પડે તેવી ઇચ્છા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની છે. આ વિશે બંને પક્ષો વચ્ચે મંત્રણા ચાલુ છે.બિયાનીની એક હોલ્ડિંગ કંપની લોનની ચુકવણીમાં નિષ્ફળ ગઇ હતી. તે પછી ગયા જાન્યુઆરી માસથી આ સોદા માટે બંને પક્ષો વચ્ચે મંત્રણા ચાલુ છે. 
બિયાની રિટેલ બિઝનેસમાં મોખરાનું સ્થાન ધરાવે છે. તેમણે તેમના રિટેલ બિઝનેસ ઉપરાંત ફ્યુચર જનરાલી નામના ઇન્સ્યુરન્સ બિઝનેસનો પણ શેર હિસ્સો વેચવાની તૈયારી દર્શાવી છે. રિટેલ જાયન્ટ એમેઝોનએ ફ્યુચર ગ્રુપના રિટેલ બિઝનેસને ખરીદવામાં રસ દાખવ્યો હતો પરંતુ રિલાયન્સે બિયાનીનું દેવું હળવું કરવા માટે વધુ સારા વિકલ્પો ઓફર કરતાં બિયાનીને આ સોદો વધુ આકર્ષક લાગ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.  
બિયાની તેના વિવિધ રિટેલ બિઝનેસનું પહેલા મર્જર કરશે અને તે પછી રિલાયન્સ તેમની સંયુક્ત કંપની તેના શેર્સ સામે હસ્તગત કરશે. ફ્યુચરના રિટેલ બિઝનેસમાં ભાગીદાર તરીકે એમેઝોન, બ્લેક સ્ટોન અને પ્રેમજી ઇન્વેસ્ટ હોવાથી સોદો થયા બાદ રિલાયન્સના શેર્સ મળશે. 
રિલાયન્સ આમ તો સંપૂર્ણ રિટેલ બિઝનેસ હસ્તગત કરશે પરંતુ બિયાની તેમની પાસે ફ્યુચર કન્ઝયુમર અને ફ્યુચર માર્કેટ નેટવર્ક રાખે તેવી શક્યતા છે, આ બાબતે હજી ચર્ચા ચાલુ છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. 
રિલાયન્સ ઇન્ડ. આ સોદો પાર પડે તો ઓન લાઇન અને ઓફ લાઇન બિઝનેસમાં અગ્રણી કંપની બની જશે. ફ્યુચર ગ્રુપમાં અત્યારે વિવિધ સ્વરુપના 1500 જેટલા રિટેલ બિઝનેસ સ્ટોર્સ છે, તેમાં બિગ બજાર, નીલગીરીઝ અને ઇઝિડેઝ જેવી બ્રાન્ડસનો સમાવેશ થાય છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer