ખરીફ મકાઇની 31.27 લાખ હેક્ટરમાં વાવણી

ખરીફ મકાઇની 31.27 લાખ હેક્ટરમાં વાવણી
ગયા વર્ષની તુલનાએ બમણું વાવેતર
કલ્પેશ શેઠ 
મુંબઇ, તા. 30 જૂન 
દેશની ઇકોનોમીને ક?ષિ કેન્દ્રિત બનાવવાના સરકારના પ્રયાસોને જાણે વરૂણદેવની સાથે  ભૂમિપુત્રો પણ સમર્થન આપી રહ્યા છે.  દેશમાં ચોમાસાના સમયસર પ્રારંભની સાથે ખરીફ સિઝનનાં વાવેતર ગતિ પકડી રહ્યા છે. આ વખતે અત્યાર સુધીમાં 31.27 લાખ હેક્ટરમાં મકાઇનાં વાવેતર થયાનાં અહેવાલ છે જે ગત વર્ષની તુલનાએ બમણો આંક દેખાડે છે.   
26 મી જૂને આવેલા આંકડા પ્રમાણે ભારતમાં 31.27 લાખ હેક્ટરમાં મકાઇનું વાવેતર થયું છે. ગત વર્ષે આ સમયગાળા સુધીમાં 15.74 લાખ હેક્ટરમાં વાવેતર થયાં હતાં. ખાસ કરીને મધ્યપ્રદેશમાં હાલમાં 9.40 લાખ હેક્ટરમાં ખેડૂતોએ મકાઇ ઉપર પસંદગી ઉતારી છે. ગત વર્ષે મધ્યપ્રદેશમાં આ સમયગાળા સુધીમાં ખેડૂતોએ માંડ 15000 હેક્ટરમાં મકાઇનું વાવેતર કર્યુ હતું. આજ રીતે મહારાષ્ટ્રમાં આ વખતે 4.23 લાખ હેક્ટરમાં મકાઇ વાવવામાં આવી છે જે ગત વર્ષે માંડ 1000 હેક્ટરમાં નોધાઇ હતી. મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ, જલગાંવ, જાલના, બુલઢાણા તથા સાંગલી પંથકમાં મકાઇનું વિશેષ વાવેતર થાય છે.    
આ ઉપરાંત તેલંગણામાં 16175 હેકટર વિસ્તારમાં મકાઇનું વાવેતર થયું છે. જે ગત વર્ષે આ સમયગાળામાં 7658 હેકટકરમાં નોંધાયુ હતું. તેલંગણામાં અમુક વિસ્તારોમાં રવિ સિઝનમાં પણ મકાઇનું વાવેતર થાય છે. આ મકાઇ ખેડૂતોએ લણીને ખળામાં મુકી દીધી છે. આવીજ રીતે બિહાર તથા કર્ણાટકમાં પણ અમુક વિસ્તારોમાં રવિ સિઝનમાં મકાઇના વાવેતર થાય છે. જ્યાં 90 ટકા જેટલા વિસ્તારો લણી લેવાયા છૈ. આ મકાઇ આગામી દિવસોમાં બજાર ભાવ ઉપર અસર કરશે.   
 આંધ્રપ્રદેશમાં 7090 હેક્ટરમા મકાઇ છૈ જે ગત વર્ષે માંડ 2895 હેક્ટરમાં હતી. આ વખતે આરંભે સારા વરસાદના કારણે વાવેતર ઝડપી છે. પરંતુ છેલ્લા અઠવાડિયામાં મહારાષ્ટ્રમાં વરસાદે પોરો ખાધો હોવાથી વાવેતર થોડા ધીમા પણ પડી શકે છે. મથકોએથી મળતા અહેવાલ પ્રમાણે એકતરફ સરકારે આગામી સિઝન માટે મકાઇનાં ટેકાનાં ભાવ ક્વિન્ટલ દિઠ 90 રૂપિયા વધારીને 1850 રૂપિયા કર્યા છે તો બીજીતરફ મંદી અને લોકડાઉનનાં કારણે ખેડૂતો પાસે આર્થિક ખેંચ હોવાથી તેઓ મકાઇની ઓછા ખર્ચ વાળી ખેતી પસંદ કરી રહ્યા છે.  જોકે મકાઇનાં વાવેતરમાં ખેડૂતોને વળતર પણ ઓછું હોય છે તેથી મૂડીરોકાણ કરી શકે તેવા ખેડૂતો આગામી દિવસોમાં કઠોળનાં વાવેતર તરફ વળે તો સિઝનનું સરેરાશ વાવેતર ગત વર્ષ જેટલું જ કે તેના કરતા થોડું વધારે રહેવાની ધારણા છે.   
વૈશ્વિક સ્તરે મકાઇનાં ટોચના ઉત્પાદક અમેરિકામાં જૂન-20ના ચોથા સપ્તાહના પ્રારંભે વાવેતરમાં ગત વર્ષની તુલનાએ એક ટકાનો વધારો જોવા મળ્યો છે. જો કે છેલ્લા પાંચ વર્ષના સરેરાશ વાવેતર જેટલું જ વાવેતર આ વખતે છે. આશરે 72 ટકા જેટલું વાવેતર શ્રેષ્ઠ સ્થિતિમાં છે તેથી ઉતારા સારા આવશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer