કોમેક્સ ઉપર 98.2 ટન સોનાની ડિલિવરી માટે મચેલી ઉથલપાથલ

કોમેક્સ ઉપર 98.2 ટન સોનાની ડિલિવરી માટે મચેલી ઉથલપાથલ
સોનાના ભાવ નિર્ધારણમાં ઈજારો ધરાવતી આર્બિટ્રેજર બેંકોને ઐતિહાસિક ડિલિવરી કરવાના ફાંફા પડ્યા  
કોરોના વાયરસને પગલે સ્વિત્ઝર્લેન્ડની ચારમાંથી ત્રણ ગોલ્ડ રિફાઈનરી 23 માર્ચે બંધ કરી દેવામાં આવી 
ઇબ્રાહિમ પટેલ  
મુંબઈ, તા. 30 જૂન 
એટલાન્ટિક મહાસાગરની આ પાર અને સામે પાર આવેલા બુલિયન બજારમાં 23 અને 24 માર્ચે 98.5 ટન સોનાની ડિલિવરી લેવાના ધડાકાભડાકા કોણે કર્યા, કરાવ્યા હતા? આ એક જ દિવસમાં કોમેકસ બેન્ચમાર્ક વાયદો પ્રતિ ઔંસ (31.1035 ગ્રામ) 1496.30 ડોલરથી ઉછળી 1637 ડોલર થયો હતો. લંડન બુલિયન માર્કેટ એસોસિયેશન (એલબીએમએ) અને ન્યુયોર્ક કોમેકસ વચ્ચે એ સમયે થયેલા હાજર અને પાકતા વાયદા વચ્ચેનો ભાવ તફાવત (પ્રેડ) 1.5 ડોલરથી વધીને 60 ડોલર થયાનો વિવાદ અને અફવાઓ ખૂબ ચગી હતી, પણ એ વિષે બહુ બધી જાણકારી બહાર આવી ન હતી.  
એલબીએમએ અને કોમેકસ વચ્ચેના આ વિવાદ પર પછેડી ઢાંકી દેવાના પ્રયાસો પણ ખુબ થયા હતા. માર્ચ અંતમાં અને ત્યાર પછી બનેલી આ ઘટનામાં, બધાજ ખેલાડીઓ સ્થતિને તત્કાળ સમજી લઈને તેની સાથે એડજસ્ટ થવામાં જ ભલું સમજવા લાગ્યા હતા. કોરોના વાયરસને પગલે સ્વિત્ઝર્લેન્ડની ચારમાંથી ત્રણ ગોલ્ડ રિફાઈનરી - વેલ્કંબી, એન્ગ્રો-હેરાસ અને પીએએમપી (પેમ્પ) 23 માર્ચે એકાએક બંધ કરી દેવામાં આવી.  
પરિણામે ન્યુયોર્ક કોમેક્સ પાકતા વાયદામાં વાસ્તવિક ડિલિવરી થવાની સંભાવના નહીવત રહી ગઈ. સ્થિતિ એવી પેદા થઇ ગઈ કે મંદીવાળા પાસે સોનાની ડિલિવરી ન હતી અને તેજીવાળા પાસે ડિલિવરી ઉપાડવાના પૈસા ન હતા. આમ સપ્લાય અને ડિમાન્ડ બન્ને એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં થવી અશક્ય બની ગઈ. પરિણામે નીચા ભાવે (વાયદો) લો અને ઊંચા ભાવે (હાજર) વેચોવાળા આર્બીટ્રેજરો બજારમાં દાખલ થઇ ગયા. 
સામાન્ય રીતે આવા આર્બીટ્રેજરો (જેપી મોર્ગન, એચએસબીસી, સ્કોટીયા, ગોલ્ડમેન સાસ જેવી મહત્તમ બેંકો) વાયદો કટમાં જવાના સમયે, આવા ભાવ તફાવત (પ્રેડ) શૂન્ય કરાવવાની ભૂમિકા નિભાવતા હોય છે. ભાવ તફાવત શૂન્ય ન થાય ત્યાં સુધી તેઓ (ઓટીસી લંડનમાં) સ્પોટ ખરીદવાનું અને (ન્યુયોર્કમાં) વાયદો વેચવાનું ચાલુ રાખતા હોય છે. જો આવશ્યકતા જણાય તો આવા આર્બીટ્રેજરો વાયદો મેચ્યોરીટીમાં ન જાય ત્યાં સુધી પોતાની પોઝિશન પકડી રાખે છે, અને નફો હાથવગો ન થાય ત્યાં સુધી ડીલીવરી કરવા તત્પર નથી થતા. પરંતુ કોરોનાને કારણે ગોલ્ડ રિફાઈનરીઓ અને હવાઈ જહાજો ઉડવાના બંધ થઇ જતાં આર્બીટ્રાજ જોખમી બની ગયું અને ભાવ તફાવત (પ્રેડ) શૂન્ય નહિ કરાવી શક્યા. 
સ્વિત્ઝર્લેન્ડની રિફાઈનરીઓ 400 ઔંસની મોટી લગડી બનાવીને લંડનની બુલિયન બેન્કને વેચે નાખે છે, ત્યારે બેંક તેનું વળતું હાજિંગ (સોદાની સલામતી) કોમેકસ વાયદામાં કરી નાખે છે. આમ બેંકો હાજરમાં તેજી અને વાયદામાં મંદી કરે છે. આમ કરવા માટે બેંકો લંડન ઓટીસી ઓક્સ્ચેન્જનો એક્સચેન્જ ફોર ફિઝિકલ સ્વેપ તરીકે ઉપયોગ કરે છે.  
કોમેકસ પર 100 ઔંસ વાયદા કોન્ટ્રેક્ટ ચાલે છે, સાથે જ લંડન ઓટીસી પર પણ કામકાજો થાય છે. સોનાના ભાવ સંશોધનમાં આ બન્ને એકસચેન્જની આખા વિશ્વમાં ઈજારાશાહી જેવી પકડ છે. 23 અને 24 માર્ચ વચ્ચે હાજર અને વાયદાનાં ભાવમાં ઉછાળો આવ્યો ત્યાર પછીના એક સપ્તાહ બાદ 31 માર્ચે એપ્રિલ કોમેકસ વાયદાનો ફર્સ્ટ નોટીસ ડે હતો અને એજ દિવસે 17302 કોન્ટ્રેક્ટ (17,30,200 ઔંસ અથવા 53.81 ટન)ની ડિલિવરી લેવાની, નોટીસ બોર્ડ પર ઝબૂકવા લાગી, આખી દુનિયાના બુલિયન ટ્રેડરો આશ્ચર્યમાં મુકાઈ ગયા.  
આ જ દિવસે ક્લિયરીંગ હાઉસમાં પડેલા કુલ સોનાનો 56 ટકા સ્ટોક, ડિલિવરી નોટીસમાં માંગવામાં આવ્યો હતો. ત્યાર પછીના બીજા જ દિવસે એપ્રિલમાં ડિલિવરી ડીમાંડ નોટીસ વિસ્તરીને 31,666 કોન્ટ્રેક્ટ (98.5 ટન) થઇ, જે એક નવો અને ઐતિહાસિક વિક્રમ હતો. જાન્યુઆરીથી માર્ચ 2020ના ત્રણ મહિનાના કુલ મળીને 13864 કોન્ટ્રેક્ટની જ ડિલિવરી માંગવામાં આવી હતી અર્થતા માસિક સરેરાશ 4621 કોન્ટ્રેક્ટની ડીલીવરી ઉતરી હતી. પણ એપ્રિલમાં આ ડિલિવરી 700 ટકા વધી ગઈ હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer