ભારતે ચાઇનિઝ ઍપ બ્લોક કર્યા બાદ ચીને ગંભીર ચિંતા વ્યક્ત કરી

ભારતે ચાઇનિઝ ઍપ બ્લોક કર્યા બાદ ચીને ગંભીર ચિંતા વ્યક્ત કરી
સરકારી પૅનલ ચીની ઍપ્સનું ભાવી નક્કી કરશે
નવી દિલ્હી , તા.30 જુન
સરકારે ટિક ટોક અને વી ચૅટ સહિત વિવિધ 59 ચીની ઍપ્લિકેશન બ્લોક કરતાં તેના વિશે ચીને ગંભીર પ્રત્યાઘાતો આપ્યા છે. ચીન આ વિશે ગંભીર અને ચિંતિત છે, એમ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લીજીયાને આજે કહ્યું હતું.
`ચીની વેપારના અધિકારોનું સન્માન કરવું એ ભારતની જવાબદારી છે' એમ લીજીયાને મીડિયાને સંબોધતાં કહ્યું હતું.ભારતે લોકપ્રિય ઍપ ટિક ટોક અને ટેન્સેન્ટના વી ચૅટ સાથે અલીબાબાના યુસી બ્રાઉઝર અને શાઓમીના બે ઍપને બ્લોક કર્યા છે. 
ભારતના સાર્વ ભૌમત્વ, અખંડિતતા માટે આ ઍપ્સ જોખમી છે, દેશની સુરક્ષા અને નાગરિકોના સ્વાતંત્ર્ય સામે પણ જોખમ ઊભું થવાની શક્યતા હોવાનું આઇટી મંત્રાલયે જણાવ્યું છે. ગૂગલ અને ઍપલે તેમના પ્લે સ્ટોર અને ઍપ સ્ટોરમાંથી આ ઍપ્સને દૂર કર્યા છે.
સરકારી પૅનલ સમક્ષ આ ઍપ્સના માલિકોને સ્પષ્ટતા કરવા બોલાવવામાં આવ્યા છે અને આ પૅનલ નક્કી કરશે કે પ્રતિબંધ ચાલુ રાખવો કે ઊઠાવી લેવો. 
ટિક ટોકના પ્રવક્તાએ જણાવ્યું છે કે તેઓ સરકારના આદેશનું સન્માન કરશે અને ભારતીય કાયદા મુજબ ડેટા પ્રાઇવસી અને સુરક્ષાની આવશ્યકતાઓનું પાલન કરશે. 
ટિક ટોકએ આજે કહ્યુ કે તેમણે ભારતના કોઇ પણ ગ્રાહકોની માહિતી ચીન અથવા કાઇ પણ વિદેશ સરકારને આપી નથી અને આદેશ મળશે તો અમે ભવિષ્યમાં પણ કોઇને માહિતી નહીં આપીએ.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer