ગરીબોને 30 નવે. સુધી મફત અનાજ મળશે વડાપ્રધાન મોદી

ગરીબોને 30 નવે. સુધી મફત અનાજ મળશે વડાપ્રધાન મોદી
તહેવારોમાં વધનારી માંગ અને ચોમાસામાં વધનારા કામને અનુલક્ષી યોજના લંબાવાઈ
નવી દિલ્હી  તા. 30 જૂન 
ગરીબ પરિવારોને અપાતી અન્ન સહાય નવેમ્બરના અંત સુધી ચાલુ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક રાષ્ટ્રજોગ પ્રવચનમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને 30 નવેમ્બર સુધી લંબાવવાની જાહેરાત કરી છે. આ યોજનાની મુદ્દત આજે પૂરી થતી હતી. આ નિર્ણયથી દેશના 80 કરોડ ગરીબોને  લાભ થશે.  
આ યોજના હેઠળ રેશન કાર્ડ ધરાવનાર પ્રત્યેક ગરીબ પરિવારને રેશન કરતાં બમણું અનાજ અને એક કિલો દાળ મળે છે. વધારાનું અનાજ અને દાળ મફત અપાય છે. જેમની પાસે રેશન કાર્ડ ન હોય તેવા ગરીબ પરિવારના પ્રત્યેક સભ્યને દર મહિને પાંચ કિલો ઘઉં/ચોખા અને એક કિલો ચણા મફત અપાય છે. 
ગ્રામીણ વિસ્તારોમાં ચોમાસામાં વધુ કામ રહે છે અને તહેવારોની મોસમ શરૂ થઇ રહી છે ત્યારે ગરીબોને મુશ્કેલી ન પડે તે હેતુથી યોજના લંબાવવામાં આવી છે એમ વડાપ્રધાને કહ્યું હતું. 
તે ઉપરાંત વડાપ્રધાને તમામ પ્રજાજનોને કોરોનાસંબંધી શિસ્તનું કડકાઈથી પાલન કરવાનો અનુરોધ કર્યો હતો. લોકડાઉન હળવો કરાવાની સાથોસાથ જ માસ્ક પહેરવો, સોશિયલ ડિસ્ટર્ન્સિગ અને દિવસમાં બે વાર હાથ ધોવા જેવી સાવચેતીઓમાં શિથિલતા પ્રવેશી હોવાની વડાપ્રધાને નોંધ લીધી અને કહ્યું કે આર્થિક અને સામાજિક પ્રવૃત્તિઓ ધીમેધીમે ફરી શરૂ કરાઈ રહી છે ત્યારે આવી સાવચેતી પહેલાં જેટલી જ જરૂરી છે. લોકડાઉનના પ્રારંભમાં જેટલી ચોક્સાઈથી તેનું પાલન થતું હતું તે જ રીતે અત્યારે પણ થવું જોઈએ. 
કોરોનાના મામલે અન્ય દેશોના મુકાબલે ભારતની સ્થિતિ બહેતર છે. લોકડાઉનને લીધે રોગનો ફેલાવો રોકવામાં સફળતા મળી છે એમ તેમણે  કહ્યું હતું.  
જે લોકો આમાં બેદરકારી દાખવે તેમને રોકવા, ટોકવા અને સમજાવવા પડશે એમ કહીને તેમણે  ઉમેર્યું હતું કે પ્રશાસને આ બાબતે સતર્ક રહેવું જરૂરી છે. તાજેતરમાં એક દેશના પ્રધાનમંત્રીને જાહેરમાં માસ્ક ન પહેરવા બદલ રૂ. 13,000નો દંડ કરાયો હતો એનો ઉલ્લેખ કરીને વડાપ્રધાને કહ્યું કે આપણે ત્યાં પણ આવી જ કડકાઈ આવશ્યક છે.  
`રૂ.31,000 કરોડ લોકોના જનધન ખાતાંઓમાં જમા કરાયા છે. નવ કરોડ ખેડૂતોના ખાતામાં કુલ રૂ. 18000 કરોડ જમા કરાયા છે. પ્રધાનમંત્રી ગરીબ રોજગાર કલ્યાણ યોજનાનો રૂ. 50,000 કરોડના ખર્ચે અમલ કરાઈ રહ્યો છે. તે ઉપરાંત આપણે 80 કરોડ લોકો--અમેરિકાની વસ્તી કરતાં અઢીગણા અને બ્રિટનની વસ્તી કરતાં બારગણા લોકોને અન્નસહાય આપીને દુનિયાને આશ્ચર્યમાં નાખી દીધી છે,` એમ વડાપ્રધાને કહ્યું હતું. આ સિદ્ધિનું શ્રેય દેશના ખેડૂતો અને કરદાતાઓને જાય છે એમ તેમણે  ઉમેર્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer