કર્ણાક બંદર લોખંડબજારમાં કામકાજ ફરી ઠગિત

અમારા પ્રતિનિધિ દ્વારા 
મુંબઈ, તા. 10 જુલાઇ 
મુંબઈના મુખ્ય લોખંડ બજારમાં ધંધો પુન: ખોરવાયો છે. લાંબા વખત પછી શરૂ થયેલ ર્ક્ણાક બંદર ખાતેના લોખંડ બજારમાં માંડ 30 ટકા દુકાનો ખૂલ્યા પછી કલંબોલી-તળોજા ખાતે 13 જુલાઈ સુધી પુન: લોકડાઉન લાગુ થવાથી લોખંડની આવકજાવક રૂંધાઇ ગઇ છે. કલંબોલી ખાતેના મુખ્ય ગોદામકેન્દ્ર  ખાતેથી મુંબઈ બહારની લોખંડ રવાનગી અવરોધાવાથી કર્ણાક બંદરના સ્ટોકિસ્ટ વેપારી અને સપ્લાયરોમાં મુંઝવણ વધી છે. 
બજાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે ખાનગી બસ સેવા થકી શરૂ થયેલ બજારમાં પરામાંથી બજારમાં આવનાર સ્ટાફના અભાવે ત્રણ બસ રૂટમાંથી બે બંધ કરવામાં આવ્યા છે. પરિણામે બજાર સંપૂર્ણ શરૂ થવાની આશા ઠગારી નીવડી હોય તેમ જણાય છે. 
સ્થાનિક સ્ટોકિસ્ટે જણાવ્યું કે બજાર ખૂલવા છતાં અમુક સ્ટોકિસ્ટોને માંડ બે-ચાર ટન લોખંડના ઓર્ડર મળતા હતાં. ટૂંકમાં પૂરતા વોલ્યુમના અભાવ અને મજુરોની સખત અછતથી લોખંડ બજારનું ધંધાકીય વાતાવરણ ડહોળાઈ ગયું છે. ઉપરાંત નાણાભીડ સાથે રોજેરોજ વધતા વ્યાજબોજથી પણ બજારમાં અનિશ્ચિતતા અને ચિંતાની લાગણી વધી રહી છે એમ લોખંડના અગ્રણી સપ્લાયરે જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer