લોકડાઉનમાં બાસમતી ચોખાની નિકાસમાં પાંચ ટકા વધારો

લોકડાઉનમાં બાસમતી ચોખાની નિકાસમાં પાંચ ટકા વધારો
કેન્દ્ર સરકારની 15 ટકા કેશ સબસીડી પ્રોત્સાહક નીવડી
કલ્પેશ શેઠ 
મુંબઇ, તા. 10 જુલાઈ 
મંદી તથા લોકડાઉનનાં માહોલ વચ્ચે પણ ભારતીય બાસમતી વિશ્વભરમાં પોતાની સુવાસ ફેલાવી રહ્યા છે. વિશ્વભરમાં એપ્રિલ-20 થી જૂન-20ના સમયગાળામાં કામકાજ ઠપ્પ હતાં ત્યારે પણ ભારતના બાસમતી ચોખાની નિકાસમાં પાંચ ટકાનો વધારો જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારમાં ભારતીય બાસમતીની માગ વધી રહી હોવાથી સ્થાનિક સ્તરે સ્ટોક ઘટી રહ્યો હોવાના અહેવાલ છે. 
વ્યવસાયિક સૂત્રો પાસેથી ઉપલબ્ધ આંકડા પ્રમાણે 15 મી માર્ચ-20 થી 22 મી જૂન-20 સુધીના સમયગાળામાં ભારતીય બાસમતી ચોખાની નિકાસ ગત વર્ષે આજ સમયગાળામાં થયેલ. નિકાસ કરતા પાંચ ટકા વધી છે. બાસમતી ચોખાની નિકાસમા વૈશ્વિક બજારમાં 35 ટકા જેટલા ઉંચા હિસ્સા સાથે ભારત ટોચના સ્થાને છે. કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી-20 માં બાસમતીના નિકાસકારો માટે 15 ટકાની કેશ સબસીડી પણ જાહેર કરી હતી તેના કારણે નિકાસકારો પ્રોત્સાહિત થઇને ભારતનાં ચોખા વૈશ્વિક બજારમાં ઉતારી રહ્યા છે. 
સ્ટોકિસ્ટો અને દલાલો  કહે છે કે આપણી બાસમતીની નિકાસ સતત વધી રહી હોવાથી સ્થાનિક સ્તરે સ્ટોક ઘટી રહ્યો છે. આગામી નવો પાક ઓક્ટોબર-20 પહેલા આવવાની સંભાવના નથી તેથી આગામી દિવસોમાં ભારતમાં પણ બાસમતી ચોખાના ભાવમાં ઉછાળો જોવા મળશે. જો કે ઇન્ડસ્ટ્રીના દિગ્ગજો અને સરકારી સૂત્રો કહે છે કે દેશમાં બાસમતી ચોખાની માસિક ખપત 80 લાખ ટનની છે. હાલમાં ભારત પાસે એક વર્ષ ચાલે તેટલા ચોખા ઉપલબ્ધ છે તેથી ઉપભોક્તાઓએ ચિંતા કરવાની જરૂર નથી. 
ભારત સરકારના ક?ષિ વિભાગના આંકડા પ્રમાણે આ વખતે ઉનાળુ ચોખાનાં વાવેતર 34.92 લાખ હેક્ટરમાં થયાં છે જે ગત વર્ષના 25.59 લાખ હેક્ટર કરતાં વધારે છે. જે નિપજ વહેલી આપશે.  જૂન-20માં બહાર પડેલા આંકડા પ્રમાણે માર્કાટિંગ વર્ષ 2019-20 (ઓક્ટો-19 થી સપ્ટે-20) દરમિયાન અત્યાર સુધીમાં 59 લાખ ટન બાસમતી ચોખાની આવકો થઇ ચૂકી છે. ખાસ કરીને ઉત્તરપ્રદેશ તથા મધ્યપ્રદેશ બન્ને રાજ્યોમાં 17 લાખ ટન બાસમતી બજારમાં આવી ગયા છે. આમ આ બે રાજ્યોના જ 34 લાખ ટન જેટલા ચોખા વેચાઇ ગયા છે. આ ઉપરાંત હરિયાણાના 13.50 લાખ ટન અને પંજાબમાં 11 લાખ ટન ચોખાની આવકો થઇ છે.  રાજસ્થાનમાં માંડ 25000 ટન ચોખાની આવકો નોંધાઇ છે. ભારતનાં ચોખા મુખ્યત્વે ઇરાક, ઇરાન, યુ.એ.ઇ, કુવૈત, અમેરિકા તથા ઓમાન જેવા દેશોમાં થાય છે.  સામાન્ય રીતે વૈશ્વિક બજારમાં ભારતની સ્પર્ધા પાકિસ્તાન સાથે સાથે થતી હોય છે. પરંતુ સરકારી કેશ સબસીડીના કારણે ભારતીય નિકાસ કારોને રાહત મળી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer