આર્થિક કૌભાંડીઓને સીધી રાહત નહીં આપો, પ્લીઝ!

આર્થિક કૌભાંડીઓને સીધી રાહત નહીં આપો, પ્લીઝ!
``આના કારણે એજન્સીઓને તપાસમાં અવરોધ નડે છે''  
44 કેસમાં સુપ્રીમ કોર્ટે સીધી રાહત આપતા સરકારની વિનંતી 
નવી  દિલ્હી,તા. 10 જૂલાઈ
આર્થિક કૌભાંડોના આરોપીઓને સીધી રાહત નહીં આપવાની કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે. આના વિકલ્પે  સરકારે સૂચવ્યું છે કે સુપ્રીમ કોર્ટ આ બાબતની ફક્ત નોંધ  લે, વચગાળાના રાહતકારી આદેશો રદ કરે અને અરજદારોને નિયત કાનૂની પ્રવિધિ અનુસાર  નીચલી અદાલતોમાં જવાનું કહે. 
કેન્દ્ર સરકારે 6 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ કરીને તેનું ધ્યાન દોર્યું છે કે છેલ્લા કેટલાક વખતથી મોટી રકમનાં કૌભાંડોમાં સંડોવાયેલા લોકો ધરપકડથી બચવા માટે યોગ્ય અદાલતને બદલે સીધા સુપ્રીમ કોર્ટમાં પહોંચી જાય છે અને આવા 44 કેસોમાં સુપીમ કોર્ટે તેમને રાહત આપી છે, જેને લીધે એ કેસની  તપાસ કરવામાં તપાસસંસ્થાઓને ખૂબ અડચણ પડે છે.  
ભૂષણ સ્ટીલના ભૂતપૂર્વ સીઈઓ નીતિન જોહરીને સંડોવતા એક કેસમાં કેન્દ્ર સરકારે આ એફિડેવિટ નોંધાવી હતી. ત્રણ ન્યાયાધીશોની બનેલી બેન્ચ સમક્ષ 24 જુલાઈએ તેની સુનાવણી કરાય તેવી શક્યતા છે. 
એફિડેવિટમાં જે કેસોનો ઉલ્લેખ કરાયો છે તેમાં ભૂષણ સ્ટીલ (રૂ. 20,000 કરોડ), ગણેશ જવેલર્સના નિલેશ પારેખને સંડોવતી એક બેન્ક સાથેની રૂ. 2762 કરોડની છેતરપીંડી, રોટોમાકના વિક્રમ કોઠારીનો રૂ. 3770 કરોડનો કેસ અને અન્ય કેટલાક કેસોનો સમાવેશ થાય છે. 
 સુપ્રીમ કોર્ટમાં ગુજરાત મેરિટાઇમ બોર્ડ સાથે રૂ. 134 કરોડની ઠગાઈ કરવાના કેસમાં જેની ધરપકડ થઇ છે તે જિનોફર ભુજીવાલાના કેસમાં કેન્દ્ર સરકાર વતી હાજર થયેલા  સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ બાબતનો ઉલ્લેખ  કર્યો હતો અને આવા કિસ્સાઓમાં આરોપીઓ સીધા સુપ્રીમ કોર્ટમાં પહોંચીને રાહત મેળવી લે છે તેનાથી તપાસનીશ સંસ્થાઓની કામગીરી કઈ રીતે રૂંધાય છે તેની રજૂઆત કરી હતી.  તેમણે પ્રિવેંશન ઓફ મની લોન્ડારિંગ એક્ટ, કંપનીઝ એક્ટ, જીએસટી એક્ટ હેઠળ નોંધાયેલા કેસો તેમ જ ભૂતપૂર્વ નાણાપ્રધાન પી ચિદમ્બરમ તેમ જ ભૂષણ સ્ટીલના અગાઉના પ્રમોટરો વિરુદ્ધના કેસોનો ઉલ્લેખ કર્યો હતો. 
વડા ન્યાયાધીશ એસ એ બોબડેએ વિવિધ બેન્ચ સમક્ષ ચાલી રહેલા આવા કેસોની વિગતો માગી હતી અને બે સપ્તાહ પછી આ પ્રકારની બીજી બાબતો સાથે તેની સુનાવણી હાથ ધરવાની સૂચના આપી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer