આજથી રાત્રિકર્ફ્યુ નહીં જીમ અને યોગ સેન્ટર બુધવારથી ખોલી શકાશે

અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા. 31 જુલાઈ 
ગુજરાત સરકારે જાહેર કરેલી  ગાઇડ લાઇન મુજબ 1 ઓગસ્ટથી રાત્રિ કર્ફ્યુ સંપૂર્ણપણે હટાવી લેવામાં આવ્યો છે. બીજી તરફ હોટલ અને રેસ્ટોરન્ટની સમયમર્યાદામાં એક કલાકનો વધારો કરવામાં આવ્યો છે. આથી હવે હોટલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. આ ઉપરાંત પાંચમી ઓગસ્ટથી કેન્દ્રની એસઓપી અનુસાર જીમ અને યોગ સેન્ટરને ખોલવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે.સિનેમાગૃહોને મંજૂરી મળી નથી. ગુજરાતના અર્થતંત્રમાં હવે ધીરે ધીરે વેગ આવે તેવી શક્યતા છે. અલબત્ત કોરોનાના વધતા કેસને લીધએ હોટેલ ઉદ્યોગને કેટલો ફાયદો થશે તે આવનારો સમય કહેશે. 
અનલૉક-3 સંદર્ભમાં ભારત સરકારે જાહેર કરેલી ગાઈડલાઇન્સ ના અનુસંધાને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની ઉપસ્થિતિમાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઉપરોક્ત નિર્ણયો લેવામાં આવ્યા હતા.  
શૈક્ષણિક સંસ્થાઓ, રાજકીય સમારંભો, સિનેમાગૃહો વગેરે માટેનો પ્રતિબંધ 31 ઓગષ્ટ સુધી યથાવત રાખીને આવતીકાલથી છૂટછાટ આપવામાં આવી છે. વાહનોમાં મુસાફરોની સંખ્યા બાબતે સરકારે હજુ સ્પષ્ટતા કરી નથી. પણ તેમાં છૂટછાટ મળે તેવી શક્યતા સેવાઇ રહી છે. જોકે ખાણીપીણી સિવાયના વેપારીઓના ધંધાના સમયમાં વધુ છૂટછાટ મળવાની આશા ફળી નથી. સિનેમાગૃહોએ હજુ પણ એકાદ મહિના સુધી રાહ જોવી પડશે. જોકે આ બાબતે સરકારે સ્પષ્ટતા કરી છે કે પરિસ્થિતિ અનુસાર નિર્ણય કરાશે.  
ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના જયેન્દ્ર તન્નાએ જણાવ્યું હતું કે અનલોક-3માં રેસ્ટોરન્ટ અને હોટેલોને બાદ કરતા ખાણીપીણી વાળાને રાત્રિના 10.00 વાગ્યા સુધીની આપેલી મંજૂરી આવકારદાયક છે તેનાથી રોજગારીમાં ઘણો વધારો થશે. તદુપરાંત રાત્રિ કર્ફ્યુમાંથી મુક્તિ આપી છે તે પણ સારી બાબત છે. તેનાથી લોકોને કોરોનાના ડરમાંથી માનસિકતામાથી ધીમે ધીમે બહાર આવવામાં સહાય મળશે. શહેરના રેસ્ટોરન્ટ માલિકોએ અનલોક-3ના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા રેસ્ટોરન્ટ અને હોટેલને રાત્રિના 11.00 સુધીની મંજૂરી મળશે તેવી આશા હતી. તે ફળી નથી. દસ વાગ્યા સુધીની મર્યાદામાં ગ્રાહકોને આકર્ષવા મુશ્કેલ બનશે. થિયેટરો અને મલ્ટીપ્લેક્સને કોઇ રાહત આપવામાં ન આવતાં નિરાશા વ્યાપી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer