જમીન સંપાદન વળતરના કેસોનો ઝડપી ઉકેલ થશે

કેસનો નિકાલ કરવા ત્રણ નિવૃત્ત ન્યાયાધીશની નિમણૂક
અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા. 31 જુલાઈ 
રાજ્યમાં જમીન સંપાદનના વળતર સંબંધી રેફરન્સ કેસોનો ઝડપી નિકાલ લાવવા માટે અમદાવાદ, સુરત, રાજકોટ ખાતે ત્રણ નિવૃત્ત જજની નિમણૂંક કરવામાં આવી છે. શહેરી જમીન ટોચ મર્યાદા હેઠળ વધારાની ફાજલ જાહેર કરવામાં આવેલી જમીનો સંબંધિત સત્તાનુંહવે વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે. કલેક્ટરને `ના વાંધા પ્રમાણપત્ર' આપવા વધુ સત્તા આપવામાં આવી છે. મહેસુલ પ્રધાન કૌશિક પટેલે જણાવ્યું છેકે, રાજ્યમાં જમીન સંપાદનના વળતરના પ્રશ્નો સંદર્ભેની પ્રક્રિયા વધુ સરળ બને તે માટે આ નિર્ણય મહત્વનો પુરવાર સાબિત થશે. સંપાદન થતી જમીનોના ખેડૂતોના વળતર સંબંધી પ્રશ્નોનો ત્રણ નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં ઝડપથી નિકાલ થશે. 
કૌશિક પટેલે જણાવ્યું હતુ 
કે, રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓની સેવા વિષયક બાબતોમાં સરળ અને ઝડપી કાર્યવાહી માટે તા.17 જુલાઈથી લોકઅદાલત જેવું તંત્રની શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જે અન્વયે મહેસૂલ વિભાગના 33 જિલ્લા કલેકટર કક્ષાએ, સેટલમેન્ટ કમિશ્નર અને જમીન દફતર નિયામક, સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ તથા નોંધણી સર નિરીક્ષકની ખાતાના વડાઓની કક્ષાએ એમ કુલ 36 ઉચ્ચકક્ષાની સમિતિની રચના કરવામાં આવી છે. 
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, જિલ્લા કક્ષાની સમિતિઓમાં જે તે જિલ્લાના કલેકટર તથા નજીકના અન્ય બે જિલ્લાના કલેકટર એમ કુલ 3 સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે. સેટલમેન્ટ કમિશ્નર અને જમીન દફતર નિયામકના ખાતાની સમિતિમાં સેટલમેન્ટ કમિશ્નર અને જમીન દફતર નિયામક, સુપ્રી.ઓફ સ્ટેમ્પસ તથા જિલ્લા કલેકટર ગાંધીનગર એમ કુલ 3 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ ખાતાની સમિતિમાં સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ, જિલ્લા કલેકટર અરવલ્લી તથા જિલ્લા કલેકટર ગાંધીનગરનો એમ કુલ 3નો સમાવેશ સમિતિમાં કરવામાં આવ્યો છે. નોંધણી સર નિરીક્ષકની ખાતાની સમિતિમાં નોંધણી સર નિરીક્ષક, જિલ્લા કલેકટર અરવલ્લી તથા જિલ્લા કલેકટર ગાંધીનગરનો એમ કુલ 3નો સમાવેશ કરવામાં આવ્યો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer