હરિયાણા સરકાર ખેડૂતોનો માલ વેચવા 2000 કેન્દ્ર શરૂ કરશે

શહેરો તથા ગામડાંમાં `હરિત' બ્રાન્ડની દુકાનો શરૂ કરાશે
આ આઉટલેટ્સ મીની-સુપરમાર્કેટ જેવું કામ કરશે. જેમાં યુવાનોને રોજગાર આપવામાં આવશે
કલ્પેશ શેઠ 
મુંબઇ, તા. 31 જુલાઈ 
ખેડૂતોની આવક વધારવાના અને તેમને માર્કેટ યાર્ડની લક્ષ્મણ રેખામાંથી મુક્તિ આપવા કેન્દ્ર સરકારે તાજેતરમાં કરેલા કાનૂની સુધારા બાદ હવે હરિયાણા સરકારે એક કદમ આગળ વધીને ખેડૂતોને સીધી માર્કાટિંગની સુવિધા આપવાની પહેલ કરી છે. જે અંતર્ગત સરકાર રાજ્યમાં 2000 જેટલા આઉટલેટ શરૂ કરશે જ્યાં ખેડૂતો પોતાની નિપજ સીધી ગ્રાહકોના વેચાણ માટે લાવી શકશે.  આ મલ્ટીબ્રાન્ડ આઉટલેટસ ખેડૂતોની પરંપરાગત આડતિયાઓ પરની નિર્ભરતા માંથી પણ મુક્તિ આપશે. આ આઉટલેટસને `હરિત' નામ આપવામાં આવશે. આ ઉપરાંત સરકારે પોતાની મિલ્ક બ્રાન્ડ `િવટા'નું ઓનલાઇન સેલ ચાલુ કરવાની પણ રણનીતિ બનાવી છે. સરકારના આ પ્રયાસ ગ્રામ્ય વિસ્તારોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં મહત્વનું પગલું ગણાય છે.   
હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરે જણાવ્યું હતું કે તેમની સરકાર ખેડૂતોને માર્કાટિંગના પાઠ ભણાવીને સંપૂર્ણપણે આત્મનિર્ભર બનાવવા માગે છે. સરકાર રાજ્યમાં 2000 મલ્ટી બ્રાન્ડ આઉટલેટ શરૂ કરશે જ્યાં ખેડૂતો આવશે અને એક વેપારી તરીકે પોતાના માલનું વેચાણ કરી શકશે.  રાજ્ય સરકારનું સહકાર ખાતું રાજ્યભરમાં શહેરો તથા ગામડાં એમ બન્ને સ્તરે `હરિત' બ્રાન્ડ નામ સાથે રિટેલ આઉટલેટ શરૂ કરશે. આ આઉટલેટ્સમાં ખેડૂતોની કૃષિપેદાશો, વિટા મિલ્ક બ્રાન્ડના ઉત્પાદનો ઉપરાંત અન્ય રાજ્યોના ફ્રુટ જ્યુસ, પાણીની બોટલ તથા સેલ્ફ હેલ્પ ગ્રુપો દ્વારા તૈયાર કરાયેલા ખાદ્યપદાર્થોનું પણ વેચાણ કરવામાં આવશે.   
એકરીતે જોઇએ તો આ આઉટલેટ્સ મીની-સુપરમાર્કેટ જેવું કામ કરશે. જેમાં ગામડાંનાં તથા શહેરોના યુવાનોને તેમની કાર્યક્ષમતા પ્રમાણે રોજગાર આપવામાં આવશે. આ ઉપરાંત હરયાણા સરકાર `હરિયાણા ફ્રૈશ'ના નામે મિનરલ વોટર પણ બજારમાં મુકવાની તૈયારીમાં છે.  ખટ્ટરે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે હાલમાં જે ક?ષિ ક્ષેત્રે સુધારા જાહેર કર્યા છે તેનો મહત્તમ લાભ ખેડૂતોને મળે તેવા પ્રયાસ કરવામાં આવશે.   
મિલ્ક બ્રાન્ડ વિટાના પ્રમોશન માટે હવે સરકારે ચંડીગઢ અને એનસીઆરમાં નવા આઉટલેટ શરૂ કરવા ઉપરાંત દિલ્હીમાં ઓનલાઇન સેલ ચાલુ કરવાનો નિર્ણય કર્યો છે. હાલમાં વિટાનાં 87 બુથ છે જે ટૂંક સમયમાં 200 જેટલા કરવામાં આવશે. આગામી દિવસોમાં વિટા બ્રાન્ડ અને હાફેડની પ્રોડક્ટ ઇન્ડિયન રેલ્વેમાં મળતી થાય તેવા પણ પ્રયાસ કરવામાં આવ્યા છે. વિટા મિલ્ક પ્રોડક્ટસના ઓનલાઇન સેલ્સના પાયલોટ પ્રોજેક્ટ શરૂ થયા છે જે આગામી દિવસોમાં એનસીઆરમાં મોટાપાયે માર્કેટ કવર કરશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer