આઠ ચાવીરૂપ ઉદ્યોગોના જૂન ઉત્પાદનમાં માસિક ધોરણે સુધારો

એપ્રિલ અને મેની સરખામણીમાં કામગીરી સુધરી 
નવી દિલ્હી, તા. 31 જુલાઈ
ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના આઠ મહત્ત્વના ઉદ્યોગોના ઉત્પાદનમાં જૂન 2020માં ઘટાડો ચાલુ રહ્યો હતો. પરંતુ મે મહિનાની સરખામણીમાં ચિત્ર થોડું સારું હતું, એમ સરકારે શુક્રવારે જાહેર કરેલા આંકડા પરથી જણાતું હતું.   
આ આઠ ઉદ્યોગોને કોર સેક્ટર કહેવામાં આવે છે.   
જૂન 2020માં આઠ ઉદ્યોગોમાંથી સાત ઉદ્યોગોના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો હતો. માત્ર ખાતરના ઉત્પાદનમાં વધારો થયો હતો. બૃહદ ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ ઘટાડો થવાના સંકેત મળે છે, એમ વિશ્લેષકોએ કહ્યું હતું.   
આઠ ચાવીરૂપ ઉદ્યોગોના ઉત્પાદન ઇન્ડેક્સમાં જૂન મહિનામાં 15 ટકા ઘટાડો નોંધાયો હતો. એપ્રિલમાં 37 ટકા અને મે મહિનામાં 22 ટકા ઘટાડો  નોંધાયો હતો, જેની સામે જૂનનો આંકડો સુધારો દેખાડે છે. લોકડાઉનમાં જે છૂટછાટ અપાઈ તેને કારણે ઔદ્યોગિક ગતિવિધિમાં સુધારો થયો હોવાની સામાન્ય માન્યતા છે.   
એપ્રિલથી જૂનની કામગીરી જોઈએ તો ઇન્ડેક્સમાં 24.6 ટકા ઘટાડો થયો છે, એમ ઉદ્યોગ મંત્રાલયે માહિતી આપતા કહ્યું હતું. 
ચાવીરૂપ આઠ ઉદ્યોગોમાં કોલસો, ક્રૂડ અૉઇલ, કુદરતી વાયુ, રિફાઇનરી પ્રોડક્ટ્સ, ખાતર, સ્ટીલ, સિમેન્ટ અને વીજળીનો સમાવેશ થાય છે. ઇન્ડેક્સ અૉફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનમાં આ ઉદ્યોગોનો સામટો હિસ્સો 40 ટકા છે. જૂનના ઔદ્યોગિક ઉત્પાદનમાં 20થી 22 ટકા ઘટાડો આવે એવી શક્યતા કેર રાટિંગ્સના ચીફ ઈકોનોમિસ્ટ મદન સબનાવીસે દર્શાવી હતી. ઇન્ડેક્સ અૉફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના આંકડા 11 અૉગસ્ટે જાહેર થાય એવી વકી  છે.      

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer