રેમડીસિવિર જેવી દવાઓના ઉત્પાદનમાં ગુજરાત અગ્રેસર

રેમડીસિવિર જેવી દવાઓના ઉત્પાદનમાં ગુજરાત અગ્રેસર
અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર અને વલસાડ જિલ્લામાં વિશાળ ઉત્પાદન 
અનિલ પાઠક 
અમદાવાદ, તા. 31 જુલાઈ 
ગુજરાત દેશભરમાં ફાર્મા ક્ષેત્રે અગ્રસર રહ્યું છે અને હવે એન્ટી-કોરોના ડ્રગ્સ અને ઇન્જેકશન રેમદેસિવર જેવી દવાઓના ઉત્પાદનમાં પણ ગુજરાત આગળ રહ્યું છે. રાજ્ય સરકારે સીપલા, હેટ્રો અને માયલાન જેવી અમેરિકન કંપનીઓને આ દવાઓ બનાવવાની મંજૂરી આપતા રેમડીસિવિર બ્રાન્ડની દવાઓ પૂરતા પ્રમાણમાં ગુજરાતમાં ઉપલબ્ધ છે તેવો મજબૂત દાવો રાજ્યના ફૂડ અને ડ્રગ તંત્રના વડા ડો. હેમંત કોશિયાએ કર્યો છે.  
તેવી જ રીતે હાઇડ્રોકસી કલોરોકવીન દવાઓ વિટામીન-સી અને ડી ઝીંક દવાઓના મિશ્રણ રાજ્યમાં પૂરતા પ્રમાણમાં બની રહ્યા છે અને બજારમાં ઉપલબ્ધ છે. ઝીંકમાંથી મોટા પ્રમાણમાં ઇમ્યુનિટી બુસ્ટર બને છે જે આ વાતાવારણમાં લેવાથી ઇમ્યુનિટીમાં વધારો થાય છે. આ તમામ દવાઓ માટે કોરોના વાઇરસના ફેલાવા બાદ તેને અંકુશમાં લેવા ડ્રગ કમિશનરે ઓછામાં ઓછા 80 નવા પ્લેયર્સને લાયસન્સ આપ્યા છે અને આ દવાઓનું અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર અને વલસાડ જિલ્લાઓમાં ઉત્પાદન પણ શરૂ થઇ ગયું છે.  
કોરોનાના દર્દીને જીવાડવા માટે  ખૂબ જ જરૂરી એવા મેડિકલ ઓક્સિજન બનાવવા માટે સરકારે 16 નવી કંપનીઓને મંજૂરી આપી છે અને હવે રાજ્યમાં કુલ 46 જેટલા સ્થળોએ મેડિકલ ઓક્સિજનના સીલિન્ડર ભરવામાં આવે છે અને જરૂર હોય ત્યાં સપ્લાય થાય છે આ ઓક્સિજન દર્દીઓને વિનામૂલ્યે અપાય છે. 
ગુજરાત દેશભરમાં સેનેટાઇઝર્સ અને માસ્ક બનાવવામાં પણ આગળ છે. એક અંદાજ મુજબ રાજ્યના સેનેટાઇઝર્સ પ્લાન્ટન્સમાં રોજ 2 કરોડ રૂપિયાના જુદી જુદી પ્રકારના સેનેટાઇઝર્સ બનાવવામાં આવે છે સોનેટાઇઝર્સના ઉત્પાદન માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના ડ્રગ એડમિનિસ્ટ્રેશનની મંજૂરી 
હોવી જરૂરી હોય છે. જ્યારે વેચાણ માટે નહીં. તેવી જ રીતે માસ્કના ઉત્પાદન અને વેચાણ માટે કોઇ મંજૂરીની જરૂરિયાત હોતી નથી. ગુજરાતમાં દૈનિક પાંચ કરોડ રૂપિયાના સેનેટાઇઝર્સ બને છે અને વેચાય છે ત્યારે 1 કરોડના માસ્ક બને છે આ બંને વસ્તુઓની મોટા પ્રમાણમાં નિકાસ પણ થાય છે. દુનિયાના દેશોમાં ભારતને ફાર્મસી ઓફ વર્લ્ડ કહેવાય છે. જ્યારે ગુજરાતની ઓળખ `ફાર્મસી ટુ ધ નેશન'તરીકે અપાય છે. ગુજરાતમાં હાલમાં કુલ 4500 જેટલી ડ્રગ્સની કંપનીઓ આવેલી છે અને દેશમાં આપણે ત્યાં સૌથી વધુ એટલે કે 1 લાખ કરોડનું રોકાણ થયેલું છે જેમાં મોટો હિસ્સો સન ફાર્મા, ઝાયડસ અને કેડીલા હેલ્થ કેર અને ટોરન્ટનો છે જ્યારે મધ્યમ કક્ષાની 100 કંપનીઓ છે અને નાના પાયે ચાલતી લગભગ 4,000 કંપનીઓ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer