સુરત ડાયમંડ બુર્સનું નિર્માણ થતાં 50 હજાર નોકરીની તકો ઉભી થશે

સુરત ડાયમંડ બુર્સનું નિર્માણ થતાં 50 હજાર નોકરીની તકો ઉભી થશે
કોવિડ-19ને કારણે પ્રોજેક્ટમાં ત્રણથી ચાર માસ વિલંબ થશે  
અમારા પ્રતિનિધિ તરફથી  
સુરત તા. 31 જુલાઇ  
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સુરત સ્માર્ટ સિટી – વિઝન 2030 અંતર્ગત વેબીનારમાં સુરત ડાયમંડ બુર્સના વિષયમાં વિવિધ ચર્ચા થઇ હતી. ઉપસ્થિત નિષ્ણાંતોએ ટાંક્યું હતું કે, સુરત ડાયમંડ બુર્સનાં નિર્માણની સાથે સુરતમાં 50 હજાર નોકરીની તકોનું નિર્માણ થશે. લોકડાઉનમાં કામકાજને થોડી અસર પહોંચી હતી હાલમાં બુર્સનું કામકાજ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. 
વેબીનારમાં જેજીઇપીસીનાં ગુજરાત રીજનનાં ચેરમેને દિનેશ નાવડીયાએ જણાવ્યુ હતુ કે, મુંબઇમાં ભારત ડાયમંડ બુર્સ ખાતે ઓફિસ રાખવી ખૂબ જ ખર્ચાળ હોઇ નાના વેપારીઓ ત્યાં ધંધો કરી શકે તેમ ન હોવાથી સુરતને ડાયમંડ ટ્રેડીંગ હબ બનાવવાનું નકકી કર્યુ હતું. મોટા વેપારીઓ મુંબઇ અને સુરત ખાતે ઓફિસ રાખીને ડાયમંડનું ટ્રેડીંગ કરતા હોવાથી તેઓને બે જગ્યાએ ખર્ચ કરવો પડે છે. આથી સુરત ડાયમંડ બુર્સ બન્યા બાદ વેપારીઓ સુરતમાં એક જ સ્થળે ઓફિસ રાખીને ટ્રેડીંગ કરશે તો પ્રોડકશન કોસ્ટ ઘટશે અને સુરતના હીરા વેપારીઓને ફાયદો થશે.  
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, આ પ્રોજેકટને કારણે સુરતમાં 50 હજારથી વધુ લોકોને રોજગારીની નવી તકો ઉભી થશે. કોવડિ- 19ને કારણે આ પ્રોજેકટ પૂર્ણ કરવા માટે થોડુ મોડુ થશે પણ સુરતના વિકાસ માટે સુરત ડાયમંડ બુર્સ ગ્રોથ એન્જીન બની રહેશે.   
સુરત ડાયમંડ બુર્સના આર્કિટેક્ટ તેમજ મોર્ફોજીનિસિસના પ્રોજેકટ્સ ડાયરેક્ટર નિતિન બંસલે આ પ્રોજેકટને સાકાર કરવા માટે ધ્યાને લીધેલી ટ્રાફિક મેનેજમેન્ટ અને પીપલ મેનેજમેન્ટના કોન્સેપ્ટ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, સુરત ડાયમંડ બુર્સમાં 4500 ઓફિસ રહેશે. આ બિલ્ડીંગમાં 65 હજાર લોકોને તથા ટ્રાફિકને મેનેજ કરવાના પડકારોને ધ્યાને લઇને બિલ્ડીંગની ડિઝાઇન બનાવવામાં આવી છે. આ બિલ્ડીંગમાં જુદા-જુદા ટાવરમાં 300 સ્કવેર ફૂટ, 1 હજાર સ્કવેર ફૂટ અને 75 હજાર સ્કવેર ફૂટની ઓફિસ બનાવવામાં આવી રહી છે. કોવિડ-19ને કારણે સમગ્ર પ્રોજેક્ટને પૂર્ણ થતાં ત્રણથી ચાર મહિનાનો સમય વધારે લાગશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer