વડોદરા જિલ્લામાં શરૂ થઇ ડ્રેગન ફ્રૂટની સફળ ખેતી

વડોદરા જિલ્લામાં શરૂ થઇ ડ્રેગન ફ્રૂટની સફળ ખેતી
ખેડૂત હરમાનભાઇએ પામની ખેતીમાં નિષ્ફળતા પછી ડ્રેગન ફ્રૂટ ઉગાડવામાં સફળતા મેળવી
અમારા પ્રતિનિધિ તરફથી 
વડોદરા, તા. 31 જુલાઈ 
પાછલા રવિવારના મનકી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડ્રેગન ફ્રૂટની સફળ ખેતી કરવાના કરછના ખેડૂતોના પ્રયાસોની સરાહના કરી.જોકે આવા પ્રયોગો કચ્છ ઉપરાંત હવે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ થઇ રહ્યા છે.વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના મોટા હબીપુરા ગામના પ્રયોગશીલ ખેડૂત હરમાનભાઈ ડાહ્યાભાઈ પટેલ સન 2016થી, બાગાયતના એક નવા અખતરાના રૂપમાં આ વિદેશી ફળની દેશી ખેતી કરી રહ્યાં છે.તેઓ ઓર્ગેનિક ખાતર,અને વનસ્પતિમાં થી બનાવેલા જીવામૃત નો ઉપયોગ કરીને લગભગ સંપૂર્ણ સાત્વિક કહી શકાય એવી ખેતી કરે છે. 
હરમાનભાઇના ડ્રેગન ફ્રૂટ ઘેરબેઠાં જ વેંચાઇ જાય છે. પ્રયોગમાંથી પ્રેરણા લઈને ડભોઇ તાલુકાના જ ભિલાપુર અને બેરામપુરાના ખેડૂતો એ એક પ્રયોગ રૂપે ડ્રેગન ફ્રૂટનો ઉછેર શરૂ કર્યો છે. 
મનમાં સંકલ્પ હોય તો આ પ્રકારના ખેત પ્રયોગો થઈ શકે અને સફળતા મળે એવી લાગણી વ્યક્ત કરતા હરમાન ભાઈએ જણાવ્યું કે, મેં ઓઇલ પામની ખેતી કરી જોઈ અને એમાં નિષ્ફળતા મળી. તેનાથી હતાશ થયાં વગર એક નવા સાહસ તરીકે ડ્રેગન ફ્રૂટની ખેતીનો પ્રયોગ કર્યો. એના વિવિધ વિડિયો જોયા, મહારાષ્ટ્રના નંદુરબારના ખેડૂતની 
ખેતી જોઈ અને આ ખેતી કરી અને સફળતા પણ મળી. 
ખેડૂતમાં ખેતીને સફળ બનાવવાના વિવિધ અખતરા કરવાની ભારે કોઠા સૂઝ હોય છે. એનો પુરાવો આપતાં એમણે જણાવ્યું કે, આ ફળપાક 40થી વધુ તાપમાન સહન કરતો નથી અને એને નુકશાન થાય છે. કચ્છ અને જામનગરમાં તાપમાન ઊંચું રહે છે પરંતુ આ વિસ્તારોમાં પવનચક્કી ચાલે એટલે તેજ પવનો ફૂંકાતા હોવાથી છોડને જરૂરી ઠંડક મળી રહે છે. 
આપણા વિસ્તારમાં આવી અનુકૂળતા ન હોવાથી મૂંઝવણ હતી. જેના ઉકેલના રૂપમાં મેં ઊંચા તાપમાન વાળા વાતાવરણમાં છોડને ઠંડા રાખવા એના મૂળમાં ખાટી છાશ સિંચવાનો પ્રયોગ કર્યો અને છોડવાને  અનાયાસે રક્ષણ મળી ગયું. તેઓ મહદઅંશે ગાયના પંચગવ્યમાંથી બનાવેલા જીવામૃત જે ખાતર અને જંતુનાશક બંનેની ગરજ સારે છે એનો અને સેન્દ્રીય ખાતરનો જ ઉપયોગ કરે છે.  
તેઓ કહે છે કે લાલ, પીળા અને સફેદ એમ ત્રણ પ્રકારના ડ્રેગન ફૂટમાં લાલ ફળની મીઠાશ વધુ હોવાથી એની માંગ ઊંચી રહે છે. તેમણે 6 વિઘા એટલે કે સાડા ત્રણ એકર જમીનમાં 2,000 થાંભલા એટલે કે છોડ ઉછેર્યા છે. જુલાઇ થી ડિસેમ્બર આ ફળપાકની મોસમ છે. સારી માવજત કરવામાં આવે તો એક છોડ વર્ષે 15 થી 20 કિલોગ્રામ ફળ આપે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer