જામનગર બ્રાસ પાર્ટસ ઉદ્યોગના ઉત્પાદનમાં જંગી ઘટાડો

જામનગર બ્રાસ પાર્ટસ ઉદ્યોગના ઉત્પાદનમાં જંગી ઘટાડો
અમારા પ્રતિનિધિ દ્વારા 
મુંબઈ, તા. 31 જુલાઈ 
દેશના બ્રાસપાર્ટ ઉદ્યોગના કેન્દ્ર સમાન જામનગરમાં વાહનોના પૂરજા અને ધાતુની અન્ય ચીજવસ્તુઓ બનાવતાં એકમો પૈકી 50-55 ટકા એકમો અત્યારે કાર્યરત છે. દિલ્હી, મુંબઇ, ચેન્નાઇ અને કોલકાતા જેવાં મહાનગરોમાં કોરોનાના પ્રકોપને લીધે બ્રાસ પાર્ટસનું વેચાણ-વિતરણ કરતાં જથ્થાબંધ બજારો કાં તો સાવ બંધ છે અથવા માત્ર આંશિક જ ખૂલ્યાં છે. અહીંનાં યુનિટો પાસે પણ દેશાવરના ઓર્ડર નથી. જામનગરનાં તાંબા-પિત્તળની ચીજો બનાવતાં એકમોને દેશાવરમાંથી મળતા ઓર્ડરોમાં ઘટાડો થયો હોવાથી સંખ્યાબંધ યુનિટો ઓછી ક્ષમતાએ કામ કરી રહ્યા છે એમ ઉદ્યોગકારોએ જણાવ્યું છે. 
વાહન ઉદ્યોગની માગ સુધારવાની સંભાવના નથી એટલે સમગ્ર રીતે અતિ નાનાં, નાનાં અને મધ્યમ એકમોને ઘણું સહન કરવાનું આવ્યું છે. મુખ્યત્વે હાર્ડવેર, વાહન પૂરજા અને એકસેસરીઝનાં એકમોની માગ તદ્દન તળિયે જવાથી ઉત્પાદક એકમોમાં કામકાજ તદ્દન ઘટી ચૂકયું છે. બીજી તરફ યુરોપમાં  અને અન્યત્ર કોરોનાનો પ્રકોપ વત્તોઓછો ચાલુ હોવાથી વિદેશથી વાહન પૂરજાના ઓર્ડર પણ ઘટયા છે. આમ જામનગરના બ્રાસ પાર્ટસ એકમોને ઘરાકીમાં બેવડો ફટકો પડયો હોવાનું ઉદ્યોગ સૂત્રોએ જણાવ્યું હતું. અધૂરામાં પૂરું લંડન ખાતે તાંબાનો ભાવ પુન: વધી જતાં અહીં કાચામાલની કિંમત વધી હોવાથી ફિનિશ્ડ પ્રોડકટ પરનો નફાનો ગાળો ઘટશે. 
જામનગર એકઝીમ મર્ચન્ટસ એસોસિએશનના પ્રમુખ અને પીઢ વેપારી અગ્રણી કાંતિભાઇ જોશીએ  જણાવ્યું હતું કે દેશનાં મહાનગરોની જથ્થાબંધ બજારોમાં પૂર્વવત કામકાજો શરૂ ન થાય ત્યાં સુધી જામનગરનાં બિનલોહ ધાતુ એકમોની માગ વધવાના સંયોગો ઘણા ધૂંધળા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer