કૈટનો ચીની માલના બહિષ્કારનો અનુરોધ રંગ લાવ્યો

કૈટનો ચીની માલના બહિષ્કારનો અનુરોધ રંગ લાવ્યો
કોરોનાના કપરા કાળમાં રાખડી ઉત્પાદકોના હિત સચવાયા  
અમારા પ્રતિનિધિ તરફથી  
મુંબઈ, તા. 31 જુલાઈ
આ વર્ષની રક્ષાબંધન આગલીના કરતા ઘણી રીતે જુદી પડે છે. કોરોનાના કારણે લોકડાઉનના પગલે ગ્રામીણ ક્ષેત્રે રોજગારીની જે સમસ્યા ઉભી થઇ તેની વિપરીત અસરમાંથી રાખડીનો કુટિર અને ગૃહ ઉદ્યોગ ઘણે અંશે બચી શક્યો છે કારણ કે આ વર્ષે બજારમાં વેચાઈ રહેલી એક પણ રાખડી ચીનમાં બનેલી નથી.  
આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર સ્વદેશી રાખડીથી ઉજવવાના રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગત કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ)એ ચીની ચીજોનો બહિષ્કાર કરવાના તેના વિશાળ અભિયાનના ભાગ રૂપે રફાલ રાખડી રજૂ કરી છે. જેમાં રાફેલની અને વડા પ્રધાન મોદીની તસવીર છે તથા રાફેલ-``ભારત કા રક્ષક''  સૂત્ર લખ્યું છે. 
કૈટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી.ભરતીયા અને મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે, સ્વદેશી રાખડીમાં, મોદી રાખી અને ``અક્સાઈ ચીન હમારા હૈ'', ``જય હિન્દ કી સેના'', ``વંદે માતરમ'' જેવા સૂત્રો સાથે રાફેલ રાખી સંપૂર્ણ સ્વદેશી છે. તેને કૈટના સભ્યો અને મહિલા ઉદ્યમીઓ દ્વારા વેચવામાં આવે છે.' 
ભરતીયા અને ખંડેલવાલે જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસથી કૈટના સ્ટેટ ચેપ્ટર્સ અને સંબંધિત વેપાર સંગઠનો દેશના 200 થી વધુ શહેરોમાં હિન્દુસ્તાની રાખી બનાવી રહ્યા છે. મકાનોમાં ઘરકામ કરતી મહિલાઓ, ઝૂંપડપટ્ટીઓ, આંગણવાડી કાર્યકરો દ્વારા અને કોરોના રોગચાળાને કારણે નોકરી ગુમાવનારા લોકો દ્વારા આ રાખડીઓ બનાવવામાં આવી છે. હિન્દુસ્તાની રાખડીને મોટી સંખ્યામાં સામાજિક સંસ્થાઓએ સમર્થન આપ્યું છે. 
ગોંદિયાના ગૌશાળા સંચાલક પ્રિતી આર. ટેંભારેએ ગાયના છાણમાંથી ઈકો-ફ્રેન્ડલી રાખડીઓ બનાવી છે. ગયા વર્ષે ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશની કેટલીક મહિલાઓએ આ પ્રયોગ કર્યો હતો તેના ઉપરથી પ્રિતીએ આ વર્ષે આ કામ શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે લોકડાઉન દરમિયાન આ વિસ્તારની અનેક મહિલાઓ રોજગાર વગરની થઈ ગઈ હતી તેમના માટે કાંઈક નક્કર કરવાના અને સ્વદેશી ચીજ બનાવી તેમને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસરૂપે ગાયના છાણમાંથી રાખડી બનાવી વેચવાનો વિચાર કર્યો હતો. 
કોરોનાની મહામારીને પ્રસંગોચિત બનાવવા બજારમાં સર્જનાત્મક સંદેશવાળી રાખડી વેચાવા આવી છે. અનેક ઈ-કોમર્સ વેબસાઈટ્સ ઉપર ``સ્ટે સેફ ભાઈ'', ``ક્વોરન્ટાઈ બ્રો'' અને ``સ્ટે સેફ એટ હોમ''  સંદેશવાળી રાખડીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. પ્રોપશોપ24.કોમના ડિરેક્ટર અમતોષ સિંહે કહ્યું કે કોરોના યોદ્ધાઓ માટે અમે  મેટલ સ્ટેથોસ્કોપવાળી ડોક્ટર રાખડી વેચવા મૂકી છે. 
અમદાવાદના એક શાપિંગ મોલમાં શોપ ધરાવતા જૈસિકા ધાનેતવાલે કહ્યું કે બોર્ડ ગેમમાં લુડો કિંગ લોકપ્રિય છે. અમારી પાસે 100થી વધુ કોન્સેપ્ચ્યુઅલ થીમની જે રાખડીઓ છે તેમાંની એક લુડો કિંગ છે. લોકડાઉન દરમિયાન આ ગેમની લોકપ્રિયતા વધી હોવાથી તે થીમની રાખડી મૂકી તો તેનું સારું વેચાણ મળી રહ્યું છે. 
કટકમાં ડિજીટલ પ્રિન્ટવાળી રાખડીઓની માગ છે. ચૌલીગંજના સેશાદેવ સાહુએ ડિજીટલ ફોટો પ્રિન્ટની રાખડી બનાવી છે. જે કોવિડ કિટ રાખડી  વેચવા મૂકી તેમાં સેનિટાઈઝર, માસ્ક, કાર્ડ, ક્યુઆર અંકિત કરેલા સંદેશ સાથેની કિચેઈન, રાખડી અને જરૂરી પૂજા સામગ્રીનો સમાવેશ છે. 
લખનઉની જનરલ પોસ્ટ ઓફિસે બહેનોને રાખડીની સાથે માસ્ક અને સેનિટાઈઝર મોકલવાનો વિકલ્પ આપ્યો છે. આ પેકેજમાં રોગપ્રતિકારક વધારવામાં ઉપયોગી આયુર્વેદિક ઔષધિ ગિલોય પણ ઉમેરી શકાશે. કર્ણાટક પોસ્ટલ સર્કલે ``રાખી પોસ્ટ'' નામે એક ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું છે. આ પોર્ટલ મારફતે સરહદે દેશની સુરક્ષા કરતા જવાનોને રાખડી મોકલી શકાશે. લોજાસ્ટિક્સ સર્વિસ પ્રોવાઈડર બ્લુ ડાર્ટે આ તહેવારમાં દેશભરમાં 34,000થી વધુ સ્થળે રાખડી પહોંચાડવાના લક્ષ્ય સાથે રાખી એક્સપ્રેસ સર્વિસ શરૂ કરી છે.  
ફનસ્કૂલ ઈન્ડિયાએ હેન્ડીક્રાફ્ટ શ્રેણીમાં જે ડીઆઈવાય બ્રેઈડીંગ કિટ અને ટેસલ જ્વેલરી કિટ્સ  મૂકી છે તેના દ્વારા પોતાની મેળે રાખડી બનાવી શકશે. કંપની પ્રવક્તાએ કહ્યું કે ડીઆઈવાય કિટ્સથી વ્યક્તિની સર્જનાત્મતાને બહાર આવશે. કોરોના કાળમાં આરોગ્ય સુરક્ષાનો મુદ્દો મહત્વનો બન્યો છે ત્યારે ઘણી કંપનીઓ ભેટ માટેના સુરક્ષા પેક લઈને આવી છે જેમાં માસ્ક, મલ્ટીપર્પસ સર્ફેસ ડિસઈન્ફેક્ટન્ટ, પ્રોટેક્ટન્ટ, હેન્ડ સેનિટાઈઝર, ફેસ ગાર્ડ અને હેન્ડ વોશનો સમાવેશ છે. ડાયરેક્ટ સાલિંગ સ્વિડીશ બ્યુટી બ્રાન્ડ ઓરિફ્લેમે ગિફ્ટિગ માટે `ચીલ આઉટ' અને `બી હેપ્પી'  ફિલ ગુડ શાવર જેલ શ્રેણી તથા બાથ એન્ડ બોડી રેન્જ રજૂ કરી છે. પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)એ વિશેષ કેશલેસ પ્રિપેઈડ એટીએમ ડેબિટ કાર્ડ `સુવિધા'  રજૂ કર્યું છે. બેન્કના પ્રવક્તાનો દાવો છે કે છ થી 36 મહિનાની વેલિડીટીવાળા આ કાર્ડનો ઉપયોગ સુરક્ષિત રીતે કોઈ પણ સ્થળે કરી શકાશે. કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ અને મોબાઈલ એક્સેસરી બ્રાન્ડ પીટ્રોનએ વાયરલેસ ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને ટીડબલ્યુએસ શ્રેણીના કલરફૂલ ઈઅર પોડ અને સ્ટાઈલીશ નેક બેન્ડ રજૂ કર્યા છે. મીઠાઈ અને ફરસાણનું ઓનલાઈન વેચાણ કરતી મિર્ચી.કોમએ પર્સનલાઈઝ્ડ સંદેશાઓ અને ફોટા સાથેની રાખડી મોકલવાનો પ્રબંધ કર્યો છે. 
તાતા ટ્રસ્ટનો આર્થિક ટેકો મેળવનારી વુમન્સ કો-ઓપરેટીવ હિમ વિકાસ સેલ્ફ-રિલાયન્ટ કો-ઓપ (એચવીએસઆરસી)ની મહિલાઓએ પાઈન વૃક્ષની ડાળીઓ, મૌલી, ગઢવાલમાં ઉપલબ્ધ સ્થાનિક મસૂરના બિયારણ, ચોખા અને ગઢવાલી ધાનના સંયોજવાળી રાખડી બનાવી છે. આ રાખડીમાંના બિયારણનું વાવેતર કરી શકાશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer