કોપર વાયદામાં ઊંધા બદલા: તેજી ટકી રહેશે

કોપર વાયદામાં ઊંધા બદલા: તેજી ટકી રહેશે
એલએમઈ વેરહાઉસીઝમાં ઓન વોરંટ સ્ટોક ઘટીને માત્ર 44,850 ટન 
ઇબ્રાહિમ પટેલ 
મુંબઈ, તા. 31 જુલાઈ 
કોરોના મહામારી સંદર્ભે લેવાયેલાં પગલાંને લીધે કોપરની સપ્લાય બાબતે ચિંતાઓ વધી છે. સૌથી મોટા કોપર ઉત્પાદક દેશ ચીલીમાં વધતા કોરોના કેસ, સૌથી મોટા વપરાશકાર દેશ ચીનમાં વધી રહેલી માંગ અને બજારમાં ફરતા માલની ઘટી રહેલી પ્રવાહિતાને સરવાળે ભાવને બે વર્ષની ઊંચાઈ નજીક ટકી રહેવામાં મદદ કરી છે. લંડન મેટલ એક્સચેન્જમાં ઘટેલા સ્ટોકની અસર, ચીનના હકારાત્મક ઔદ્યોગિક ડેટા અને સરકારો દ્વારા અપાતા રાહત પેકેજોએ માંગમાં ટેકો પુરાવ્યાના અહેવાલે કોપર વાયદો સતત ચોથા સત્રમાં ગુરુવારે વધ્યો હતો. 
એલએમઈ ત્રિમાસિક વાયદો 19 માર્ચે ત્રણ વર્ષની બોટમે ટન દીઠ 4371 ડોલર થયા પછી, 13 જુલાઈએ 6633 ડોલર, બે વર્ષની ઉંચાઈએ પહોચ્યો હતો. આમ 6500 ડોલરે વર્તમાન ભાવ 40 ટકા બોટમઅપ થયો છે. શાંઘાઈ ફ્યુચર્સ એક્સચેન્જ પર સપ્ટેમ્બર વાયદો 51750 યુઆન (7392.33 ડોલર) બોલાયો હતો. વિઝડમ ટ્રીનાં એનાલીસ્ટ નીલેશ શાહ કહે છે કે મહામારી શરુ થવા પહેલાની ઉંચાઈએ ભાવ બોલાઈ રહ્યા છે, કોરોના વાયરસ નિયંત્રિત ઉત્પાદન કાપ અને માંગ વૃદ્ધિ ભાવને ઉપર જવામાં મદદગાર સાબિત થશે. 
તેઓ કહે છે કે આગામી સમયમાં માંગ વૃદ્ધિમાં વધઘટ થવાની છે, ત્યારે વર્તમાન ઉછળો અને ભાવ વૃદ્ધિ જળવાઈ રહેશે કે નહિ તે શંકાસ્પદ છે. એલએમઈ વેરહાઉસોમાં ઓન વોરંટ (ડીલીવરી ઓર્ડર/વોરંટ સામેનો) સ્ટોક બે મહિના અગાઉ 2.5 લાખ ટન હતો તે ઘટીને હવે 44,850 ટન રહ્યો છે. આનો અર્થ એ થાય કે વર્તમાન ફરતા માલની અછત સર્જાઈ છે, આથી ત્રિમાસિક વાયદા સામે હાજર ટ્રેડીંગ ઊંધા બદલા (પ્રીમિયમ)થી થાય છે.  
અમેરિકન ડોલર બે વર્ષના તળિયે ગોથા ખાય છે તેથી અન્ય કરન્સીમાં કોપરના ભાવ સસ્તા લાગી રહ્યા છે. અમેરિકન ફેડરલ રિઝર્વએ તેની બે દિવસીય પોલીસી મીટીંગ પછી કહ્યું હતું કે તાજેતરના મહિનાઓમાં આર્થિક પ્રવૃત્તિમાં કૈંક અંશે સુધારો જોવાયો છે. આમ જોઈએ તો, બજારને આશ્ચર્ય થાય તેવી કોઈ નવી વાત, ફેડએ નથી કરી. વેપાર સામાન્ય રીતે આગળ વધી રહ્યો છે અને આ જ પ્રકાર જળવાઈ રહેશે. 
ખાણ કંપની રિયો ટીંટોએ કહ્યું હતું કે પશ્ચિમ ઓસ્ટ્રેલીયન વીનુ કોપર ગોલ્ડ પ્રોજેકટથી બે કિલો મીટરના અંતરે એક નવી કોપર ખાણ મળી આવી છે, જે 2023મા ઉત્પાદન કરતી થઇ જશે. વૈશ્વિક ઉત્પાદન ઘટની આગાહીને પહોચી વળવાના આશયથી છેલ્લા બે વર્ષથી કંપની કોપર ખાણોમાં મોટાપાયે રોકાણ કરી રહી છે. કોરોના વાયરસથી ઉત્પન થયેલી સમસ્યાને પહોચી વળવા ચીલી સરકારની માલિકીની કંપની કોદાલ્કોનો કેટલોક હિસ્સો વેચી નાખી નવું ફંડ પ્રાપ્ત કરવાની દરખાસ્તને કામદારોએ મંજુરી આપી ન હતી. 
આ તરફ ચિલીની એન્તાફોગસ્તા કામદારોએ કંપની તરફથી આપવામાં આવેલી નવી કોન્ટ્રેક્ટ ઓફરો સ્વીકારી લીધી છે. બીજા ત્રિમાસિક પછી એન્તાફોગસ્તાએ 2020ના કોપર ઉત્પાદનનો લક્ષ્યાંક જાળવી રાખ્યો છે. કોરોના મહામારીને પગલે કંપની તેના 66 ટકા કામદારો સાથે ઉત્પાદન ટકાવવા સંઘર્ષ કરી રહી છે. પ્રથમ ત્રિમાસિકના 1.94 લાખ ટન ઉત્પાદન પછી કેન્ટીનેલા ખાણમાં કાચી કોપરની ગુણવત્તા નબળી આવતા બીજા ત્રિમાસિકમાં ઉત્પાદન 1,77,700 ટન થયું હતું, કંપની આખા વર્ષના ઉત્પાદનનો લક્ષ્યાંક 7.25થી 7.50 લાખ ટન જાળવી રાખવાનો ઈરાદો ધરાવે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer