બાસમતી ચોખાના વેપારમાં કાર્યકારી નફાકારકતા વધશે : ક્રિસિલ

બાસમતી ચોખાના વેપારમાં કાર્યકારી નફાકારકતા વધશે : ક્રિસિલ
કોવિડ-19ને પગલે નિકાસ માગ વધતાં ઉદ્યોગનું ભાવિ ઉજળું 
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 31 જુલાઈ 
આ નાણાં વર્ષે ડાંગરના નીચા ભાવ અને વિદેશની માગની સતત હોવાને કારણે બાસમતિ ચોખાનો વેપાર કરતી કંપનીઓનાં ઓપરાટિંગ માર્જિનમાં 100થી 150 બેસિસ પોઈન્ટ્સનો વધારો જોવા મળે તેવી સંભાવના ટોચની રાટિંગ એજન્સી ક્રિસિલે વ્યક્ત કરી છે. ક્રિસિલે જણાવ્યું છે કે કોવિડ-19નો ફટકો તેમજ વૈશ્વિક મંદીની ઓથાર હોવા છતાં વિકાસની રફતાર ચાલુ રાખનારા ભારતનાં કેટલાંક ક્ષેત્રોમાં બાસમતિ ચોખાનો વેપાર સામેલ છે. 
ચોમાસું સારું જઈ રહ્યું છે અને વાવેતર પણ યથાવત્ રહ્યું છે એટલે પાછલા વર્ષની સરખામણીએ ડાંગરના ભાવ આ વર્ષે હાલના કિલોગ્રામ દીઠ સરેરાશ રૂા. 36થી 17 ટકા ઘટવાનું અનુમાન છે. બીજી તરફ, નિકાસ દ્વારા મળતી આવક ડાંગરના ભાવ જેટલી નહીં ઘટે કેમકે વિદેશનાં મુખ્ય બજારોમાંથી મજબૂત ઓર્ડર્સ છે. ભારત દર વર્ષે લગભગ 44 લાખ ટન બાસમતિની નિકાસ કરે છે, તેમાંથી અમેરિકા, યુકે અને મધ્ય પૂર્વ (ઈરાન સિવાય)ના દેશોમાંથી અડધા કરતાંયે વધુ માગ હોય છે. આ દેશોની માગ વધી છે કેમકે આ દેશો કોવિડ-19ને ધ્યાનમાં રાખીને ખાદ્ય સુરક્ષા માટે બફર સ્ટોક ભરી રહ્યા છે. 
ઈરાન દર વર્ષે લગભગ 13 લાખ ટન બાસમતિ આયાત કરે છે, તેની ચૂકવણી સંબંધિત સમસ્યાઓ અમેરિકાનાં આયાત પ્રતિબંધોને કારણે પાછલા વર્ષથી ચાલુ છે. જેના પગલે તેની બાસમતિ ચોખાની આયાતમાં 20 ટકા ઘટાડો થવાનું અનુમાન છે. જોકે, વિદેશનાં અન્ય બજારોની માગ ઊંચી હોવાને કારણે આ ઘટાડો સરભર થઈ જશે. એકંદરે નિકાસનું વળતર પાછલા નાણાં વર્ષે કિલોગ્રામ દીઠ રૂા. 69ની સામે આ વર્ષે કિલોગ્રામ દીઠ રૂા. 63 જેટલું વળતર મળવાની ધારણા છે. 
ઘરઆંગણે દર વર્ષે 20 લાખ ટન બાસમતિ ચોખા વેચાય છે અને મજબૂત છૂટક માગને પગલે ભાવ કિલો દીઠ રૂા. 52 જેટલો સ્થિર જોવા મળે છે. ખોરાકની બદલી નહીં શકાતી ટેવો તેમજ બાસમતિ ચોખા માટેના આગ્રહને કારણે બાસમતિ સિવાયના ચોખાની જાતોમાં આ વર્ષે વેપાર આ વર્ષે બાસમતિનો ભોગ નહીં લે. પરંતુ લાંબા લોકડાઉનને કારણે હોટેલ્સ, રેસ્ટોરન્ટ અને કાફે સેગ્મેન્ટની માગ ઉપર અસર પડી હોવાથી ઘરઆંગણે વોલ્યુમમાં 20 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે. 
ક્રિસિલ રાટિંગ્સના સીનિયર ડાયરેક્ટર અને એનાલિટિક્સ વિભાગના વડા સુબોધ રાયે જણાવ્યું કે નિકાસ વળતર અને ચોખાના ભાવ વચ્ચેનો તફાવત પાછલા વર્ષે કિલોગ્રામ દીઠ રૂા. 29થી વધીને રૂા. 31 થવાનું અનુમાન છે. તેના પગલે બાસમતિ ચોખાનો વેપાર કરતી કંપનીઓની કાર્યકારી નફાકારકતા પાછલા વર્ષે 4.5થી 6 ટકાથી વધીને 5.5થી 7.5 ટકા જેટલી થશે. લોકડાઉન દરમ્યાન માગ મજબૂત રહી હોવાથી તેમજ ચોખા કંપનીઓએ આગોતરા ઊંચા પેમેન્ટ અથવા લેટર્સ ઓફ ક્રેડિટ માગીને ઓર્ડર્સ સ્વીકારવાનું શરૂ કર્યું છે. આ કંપનીઓ આગોતરા મળેલાં નાણાંનો ઉપયોગ કાર્યકારી મૂડીનાં દેવાંની પતાવટ માટે કરવા વિચારી રહી છે. 
ક્રિસિલ રાટિંગ્સના ડાયરેક્ટર નીતિન કંસલે જણાવ્યું કે કુલ દેવાંમાં લગભગ 94 ટકા દેવાં કાર્યકારી મૂડીની જરૂરિયાતો પૂરી કરવા માટે હોય છે. આગોતરાં પેમેન્ટ મળવાથી દેવાં ઘટશે અને કંપનીઓની પ્રવાહિતા નોંધપાત્ર રીતે સુધરશે, જે ચોખા ઉદ્યોગ માટે મહત્ત્વની છે. પાછલા નાણાં વર્ષની સરખામણીએ બાસમતિ ચોખાની કંપનીઓનું વ્યાજનું કવરેજ (વ્યાજ, વેરા, ઘસારો અને એમોર્ટાઈઝેશન પહેલાંની કમાણી ભાગ્યા વ્યાજ અને ધિરાણ ખર્ચ) 2.4 ગણું સુધરશે અને લીવરેજ રેશિયો (કુલ નેટવર્થ સામે કુલ બાહ્ય જવાબદારી) 2.2 ગણાથી સુધરીને 1.9 ગણો થશે. આ બાબત ધિરાણ બાબતે સકારાત્મક નીવડશે. 
આને કારણે, ક્રિસિલ દ્વારા ધ્યાન ઉપર લેવાયેલી બાસમતિ ચોખાની કંપનીઓનો ક્રેડિટ રેશિયો (અપગ્રેડ્સથી ડાઉનગ્રેડ્સ રાટિંગ) ક્રિસિલના રેટેડ પોર્ટફોલિયો કરતાં ઊંચો રહેશે. લોકડાઉન કેટલું લંબાય છે અને ડાંગરનું સમયસર વાવેતર થાય છે, તેના ઉપર મુખ્ય નજર રહેશે, જેની ચોખા અને ડાંગર બંનેના ભાવ ઉપર અસર પડી શકે છે. જેના પગલે કંપનીઓની ધિરાણની ક્ષમતા ઉપર પણ અસર થઈ શકે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer