સવિનય કાનૂન ભંગ મુંબઈના ગાર્મેન્ટ એકમોએ ઉત્પાદન શરૂ કરી દીધું

સવિનય કાનૂન ભંગ મુંબઈના ગાર્મેન્ટ એકમોએ ઉત્પાદન શરૂ કરી દીધું
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 31 જુલાઈ
મુંબઈના ગાર્મેન્ટ એકમો શરૂ કરવાની છૂટ આપવા મહારાષ્ટ્ર સરકાર અને બીએમસીને સીએમએઆઈએ અનેકવાર રજૂઆતો કરી હોવા છતાંય સત્તાવાળાઓ તરફથી કશો પ્રતિભાવ મળતો નહીં હોવાથી અકળાયલા ગાર્મેન્ટ કારખાનાએ હવે ઉત્પાદન શરૂ કરી દીધું છે. ઉપર તહેવારોની સિઝન અને તા. 2થી 12 સપ્ટેમ્બરના અૉનલાઇન નેશનલ ગાર્મેન્ટ ફેર હોવાથી ગાર્મેન્ટરો હવે વધુ રાહ જોઈ શકે તેમ નથી.
કાપડ બજારો 33 ટકા ફોર્મ્યુલા પ્રમાણે ખૂલે છે પણ માંડ 5થી 10 ટકા દુકાનો જ ખૂલે છે. સપ્તાહમાં દરેક વેપારીને 2 દિવસ જ દુકાન ખોલવા મળે છે. માર્કેટ ખોલવાનો સમય સવારના 9થી 5 વાગ્યા સુધીનો જ છે. હવે બહાર મૉલ અને શૉપિંગ કૉમ્પ્લેક્સમાંની દુકાનો સવારના 9થી સાંજે 7 વાગ્યા સુધી ખોલવાની છૂટ અપાઈ છે પણ કાપડ બજારો માટે તે છૂટ નથી.
ન્યૂ પીસગુડ્સ બજાર કંપની લિ.ના ચૅરમૅન મુકેશ દેસાઈએ જણાવ્યું હતું કે સી વૉર્ડના સહાયક મ્યુનિસિપલ કમિશનર ચક્રપાણી એલેએ સ્પષ્ટતા કરી છે કે કાપડ બજારો માટે જૂની ફોર્મ્યુલા જ હજી ચાલુ રહેશે. પરિસ્થિતિ પ્રમાણે અમે ફેરફાર કરશું. મૂળજી જેઠા ક્લોથ માર્કેટમાં હવે 14માંથી 2 ગેટ ખુલ્લા રાખવામાં આવે છે. હવે થોડા થોડા ઘરાકો આવવાની અને માલની હેરફેર શરૂ થઈ છે.
મંગલદાસ ક્લોથ માર્કેટના પ્રમુખ સુરેન્દ્ર વોરાણીએ જણાવ્યું હતું કે આ રિટેલ માર્કેટ હોવાથી અને તહેવારોની સ્થાનિક ઘરાકી દેખાય છે. આથી માર્કેટના 17 ગેટમાંથી હવે 4 ગેટ ખુલ્લા રાખવામાં આવે છે.
સ્વદેશી માર્કેટ બોર્ડના ચૅરમૅન ગીતેશ ઉણટકરે જણાવ્યું હતું કે અત્યારે જૂની 33 ટકાની જ ફોર્મ્યુલા છે પણ તા. 5 અૉગસ્ટથી સપ્તાહના છ દિવસ દુકાનો સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ અપાશે એવી શક્યતા છે. બીએમસીની લેખિત માર્ગદર્શિકા મળ્યા બાદ જ આવી પાકી ખબર પડશે.
ભીવંડીમાં લૂમો અને સાઇઝીંગ હજી 25થી 30 ટકા જ ચાલુ થયું છે. કામદારોની ભારે ખેંચ વર્તાય છે. લૉકડાઉન હવે પતી ગયું છે. આથી ધીમે ધીમે કામકાજો વધશે, એમ પીડીક્સીલના ભૂતપૂર્વ ડાયરેક્ટર ઉત્તમ જૈનએ જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer