સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં આગામી ચાર દિવસ ભારે વરસાદ

અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 4 
દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોને બાદ કરતા સમગ્ર ગુજરાતમાં એકાદ મહિનાથી વરસાદે વિરામ લીધો છે ત્યારે હવામાન ખાતાની આગાહી સારા સમાચાર લઇને આવી છે. આગામી 4 દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળશે. આગામી દિવસોમાં વરસાદની આગાહીને લઇને ખેડૂતોમાં ફરી ખુશીની લહેર જોવા મળી રહી છે. સારો અને સાર્વત્રિક વરસાદ થઇ જાય તો ખેતી ફરીથી પુલકિત થઇ ઉઠશે. 
હવામાન ખાતાની આગાહી અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતાં રાજ્યમાં સારો વરસાદ થશે.ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સાધારણ વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  જુલાઇમાં અનેક વિસ્તારોમાં ઓછો વરસાદ જોવા મળ્યો છે. જુલાઇ મહિનામાં સિઝનનો 42.33 ટકા વરસાદ નોંધાયો છે. સૌથી વધુ કચ્છમાં 14.4 અને ઓછો ઉત્તર ગુજરાતમાં 7.8 ઇંચ વરસાદ નોંધાયો છે.  સૌરાષ્ટ્રમાં 19.2 ઇંચ અને મધ્ય ગુજરાતમાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે. 
દરમિયાનમાં આજે સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. દરિયા કાંઠા વિસ્તારમાં વરસાદની સારી શરુઆત પણ થઇ ગઇ છે. સુત્રાપાડા, કોડીનાર અને ઉનાના દરિયા કાંઠાના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૂત્રાપાડામાં 8 કલાકમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. કોડીનારમાં સારો વરસાદ વરસ્યો છે. તો સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના ગામોમાં વરસાદ ખાબક્યો છે. તો વેરાવળમાં 1.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તાલાલા અને ગીર ગઢડામાં ધીમીધારે વરસાદની શરૂઆત થઈ છે. ધોધમાર વરસાદથી દરિયા કાંઠાના મુખ્ય રસ્તાઓ પર ઢીંચણ સમા પાણી ભરાયા છે. 
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં આજે સવારથી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ જામ્યો છે. સવારે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 7 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢના માંગરોળમાં બે કલાકમાં પોણા ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તો ગીર સોમનાથના સુત્રાપાડામાં બે કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથના વેરાવળમાં બે કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ગીર સોમનાથના કોડીનારમાં પણ અડધો ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer