ખરીફ કઠોળના વાવેતરમાં 19 ટકાનો વધારો

કલ્પેશ શેઠ 
મુંબઈ, તા. 4 અૉગ. 
ગામડાંને આત્મનિર્ભર બનાવવાની મોદીજીની  હિમાયતને આ વખતે ખેડૂતોએ જાણે તમામ રોગની એક જડ્ડીબુટ્ટી  હોય તે રીતે અપનાવી લીધી છે. એમાં વળી આ વખતે વરૂણદેવની મહેર સારી રહી હોવાથી ખેડૂતોએ અતિ ઉત્સાહ ભેર ખરિફ વાવેતર શરૂ કર્યા છે. જેની અસર વાવેતરના આંકડા ઉપર પણ સાફ જોવા મળે છે.  અગાઉ તેલિબીયાં અને હવે કઠોળનાં વાવેતરના સરકારી આંકડા એવા સંકેત આપે છે કે ભારતમાં આ વખતે ખરિફ સિઝનના કઠોળનાં વાવેતરમાં ગત વર્ષની સરખામણીઐ 19.26 ટકા જેટલો વધારો નોંધાયો છે. 
ઓગસ્ટ મહિનાનો પ્રારંભ થઇ ગયો છે અને ખરિફ સિઝનનાં કઠોળનાં વાવેતર હવે છેલ્લા તબક્કામાં છે એવું પણ કહી શકાય. કારણકે સામાન્ય રીતે 15 મી ઓગસ્ટ બાદ ખેડૂતો કઠોળના વાવેતર કરતા નથી. હાલના આંકડા પ્રમાણે  ભારતના ખેડૂતે આ વખતે 111.91 લાખ હેક્ટરમાં કઠોળનું વાવેતર કર્યુ છે. જે ગત વર્ષે 93.84 લાખ હેક્ટરમાં નોંધાયું હતું. દેશમાં કઠોળનું સરેરાશ વાવેતર 128.88 લાખ હેક્ટર ગણાય છે.  ખેડૂતોએ આ વખતે 31 મી જુલાઇ-20 સુધીમાં કરેલા વાવેતરનાં આંકડા બોલે છે કે કઠોળનું વાવેતર ગત વર્ષ કરતા 19.26 ટકા વધારે છે અને સામાન્ય વાવેતરનાં 93 ટકાએ પહોંચી ગયું છે. 
દેશમાં ખરિફ સિઝનમાં ખાસ કરીને તુવેર, અડદ, મગ તથા કળથીનો સમાવેશ થાય છે. આ વખતે તુવેરનું વાવેતર 40.05 લાખ હેક્ટરે પહોંચ્યું છે જે ગત વર્ષે માંડ 37.09 લાખ હેક્ટરમાં નોંધાયું હતું. આમ તુવેરના વાવેતરમાં આઠ ટકા જેટલો વધારો જોવા મળ્યો છે.  આજ રીતે અડદનું વાવેતર 33.38 લાખ હેક્ટરમાં નોંધાયું છે જે ગત સિઝનમાં 27.64 લાખ હેક્ટરમાં હતું આમ આ વખતે અડદના વાવેતરમાં 21 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે. આ વખતે મગનાં વાવેતરમાં સૌથી વધારે એટલે કે 38 ટકાનો ઉછાળો જોવા મળે છૈ. જેનો વાવેતરનો સામાન્ય વિસ્તાર 30.49 લાખ હેક્ટર મનાય છૈ. સામાપક્ષે આ વખતે અત્યાર સુધીમાં 29.57 લાખ હેક્ટરમાં મગનું વાવેતર થયું છે જે ગત સિઝનનાં 21.52 લાખ હેક્ટરની સરખામણીએ 8.05 લાખ હેક્ટર વધારે જણાય છે. સામાન્ય રીતે આપણે ત્યાં કળથીનું  2.13 લાખ હેક્ટરમાં વાવેતર થતું હોય છે પરંતુ છેલ્લા બે વર્ષથી  વાવેતર ઘટી ને માંડ પાંચ હજાર હેક્ટર ગણવામાં આવે છે. આમ કળથીનું વાવેતર ઉત્તરોતર ઘટતું જાય છે. અન્ય ખરિફ કઠોળનું વાવેતર 8.87 લાખ હેક્ટરમાં થયું છે જે ગત વર્ષના 7.54 લાખ હેક્ટરનાં વાવેતર કરતાં 18 ટકા જેટલો વધારો સુચવે છે.    
પરંપરાગત રીતે ભારતને પોતાની કઠોળની જરૂરિયાત પુરી કરવા માટે મોટા પ્રમાણમાં કઠોળની આયાત કરવી પડતી હતી. પરંતુ છેલ્લા પાંચેક વર્ષથી સરકારે કઠોળનું ઉત્પાદન વધારીને દેશને સ્વાવલંબી બનાવવાનું અભિયાન છેડ્યું છે.  ખેડૂતોને આ માટે પ્રોત્સાહિત કરાયા હોવાથી બે વર્ષમાં ભારતના કઠોળના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer