ખજૂરનો પાક સારો, ભાવ વાજબી રહેશે

અમારા પ્રતિનિધિ તરફથી  
મુંબઈ, તા. 4 અૉગસ્ટ  
ખજૂરના ઉત્પાદક મથકોએ અનુકૂળ હવામાનથી ખજૂરનો પાક સારો આવ્યો છે. અૉગસ્ટમાં થનાર ખજૂરની આયાત સંપૂર્ણપણે લોકડાઉન પર આધારિત હોવાનું સ્થાનિક એપીએમસી બજારના ખજૂરના આયાતકાર વેપારીઓનું કહેવું છે.  
મથકોએ પાક સારો હોવાથી નવા માલના ભાવ વાજબી ખુલવાની સંભાવના છે. દેશમાં લોકડાઉન લંબાશે તો તેની અસર સ્થાનિક તેમ જ દેશાવરોની ઘરાકી પર થઈ શકે છે. માર્ચના અંતથી લૉકડાઉન હોવાથી મથકોએથી માલની આયાતમાં વિલંબ થયો હતો. સ્થાનિકમાં લૉકડાઉનના લીધે દેશાવરોથી વેપારીઓ આવી શકતા નથી અને સ્થાનિક માગ પણ મંદ રહી છે. પરિણામે ખજૂરની અછત સર્જાઈ નહોતી.  
મથકોએ સારા પાકના અહેવાલથી વેપારીઓ ઘટયા ભાવે માલ હળવો કરી રહ્યાં છે. બજારમાં માલપૂરાંત પણ નહિ હોવાનું વેપારીઓનું જણાવવું છે.  
સ્થાનિક બજારમાં ખજૂરની વિવિધ વેરાયટીમાં જાયદીના પ્રતિકિલો જથ્થાબંધ ભાવ રૂા. 80 અને પૌષ્ટિક ગુણધર્મ ધરાવતી આજવાના પ્રતિકિલો જથ્થાબંધ ભાવ રૂા. 1600થી ઘટીને રૂા. 1000 જેવાં થયા છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer