વૈશ્વિક સોનામાં નજીવો ઘટાડો

અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ. તા.4 
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં નજીવો ઘટાડો થયો હતો. ગઇકાલે રેકર્ડબ્રેક ઉંચાઇ જોવાયા પછી સોનું 1972 ડોલરની સપાટીએ સ્થિર હતુ. અમેરિકામાં ઔદ્યોગિક ઉત્પાદનના આંકડાઓમાં થોડો સુધારો દેખાવા લાગ્યો હોવાથી સોનાની તેજીને બ્રેક લાગી હતી. ચાંદી પણ 24.18 ડોલર ડોલરની સપાટીએ સાધારણ ઘટાડા સાથે રનીંગ હતી. 
ક્વાન્ટિટિવ કોમોડિટી રિસર્ચના પીટર ફેર્ટીગ કહે છે, સોનામાં થોભો અને રાહ જૂઓની નીતિ અપનાવાઇ રહી છે. ઉત્પાદકિય ક્ષેત્રના આંકડાઓ જાહેર થયા છે તે હકારાત્મક આવ્યા છે. હવે લોકડાઉન ખૂલી રહ્યા હોવાથી ઉત્પાદન વધવાની ગણતરી માંડવામાં આવી રહી છે. એ સોનાને દબાણ હેઠળ રાખશે. 
ઇક્વિટી માર્કેટમાં એ જ કારણથી તેજી આવી હતી. અમેરિકામાં ઔદ્યોગિક વિકાસ જુલાઇ દરમિયાન સારો રહેવાના સંકેતો મળવાને લીધે સોનામાં થોડી વેચવાલી હતી. હવે આર્થિક વિકાસ પાટે ચડે તેવી શક્યતા દેખાય રહી છે. યુરોપમાં પણ ઔદ્યોગિક ઉત્પાદન ગયા મહિનામાં સુધર્યું છે એટલુ  જ નહીં ઔદ્યોગિક ચીજોની માગમાં પણ વધારો થયો છે. 
ટેકનિકલ રીતે સોનામાં 2000 પ્રતિકારક સપાટી દેખાય છે. 1948 ડોલરની સપાટીએ સોનાને ટેકો મળશે તેમ વિશ્લેષકો કહે છે. ફુગાવો સર્જાવાના પરિબળો હજુ ઉભા જ છે એ કારણે સોનું આગળ ધપવાની સંભાવના ધરાવે છે.  દરમિયાન રાજકોટની ઝવેરી બજારમાં સોનાનો ભાવ રુ.50ના મામૂલી સુધારા સાથે રુ. 55,550 હતો. મુંબઇમાં રુ.28 વધી રુ. 54004 હતો. રાજકોટમાં ચાંદી રુ. 63000 ના મથાળે સ્થિર હતી. મુંબઇ ચાંદી રુ. 35 ઘટતા રુ. 64735 રહી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer