રાજકોટની સોની બજારમાં સ્વૈચ્છિક લોકડાઉનની પ્રબળ બનતી જતી માગ

સારા-માઠાં સામાજિક પ્રસંગોમાં બેદરકારીથી વકરતો જતો રોગ : ઝવેરીઓમાં ચિંતાનું મોજું
અમારા પ્રતિનિધિ તરફથી         રાજકોટ, તા. 4 અૉગ.
રાજકોટ શહેરમાં કોરોનાનું વધી રહેલું સંક્રમણ ચિંતાનો વિષય બની ચૂક્યું છે. જોકે ગીચતા ધરાવતી બજારો વધુ સંક્રમિત થઇ રહી છે. રાજકોટની સોની બજારમાં ફેલાતી મહામારી હવે ચરમસીમાઅ છે. ઝવેરીઓની સાથે કારીગરોમાં પણ કોરોના આવવા લાગતા હવે સ્વૈચ્છિક લોકડાઉનની આવશ્યકતા ઘણા વેપારીઓને જણાય છે. તો અમુક શોરુમ ધારકો સારાં-માઠાં પ્રસંગોમાં એકઠાં ન થવા, કામકાજ વિના બજારમાં ન આવીને  ઘેર રહેવા ઉપરાંત બજારમાં સામાજીક અંતર જાળવવામાં જાગૃતિ કેળવવાની સલાહ દઇ રહ્યા છે.  
પેલેસ રોડ અને જૂની ઝવેરી બજારના અમુક શો રુમ ધારકોએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું કે, કોઇ ઔદ્યોગિક વિસ્તાર કે બજાર કરતા વધારે સંક્રમિત સોની બજારના વેપારીઓ થઇ રહ્યા છે. ભલે એ બજારમાં કે બહાર સામાજિક પ્રસંગોમાં સંક્રમિત થયા હોઇ શકે.  સરવાળે બજારમાં રોગનો ફેલાવો વધતો જાય છે. પરિણામે હવે જોખમ વધી ગયું છે. જો ઝવેરીઓ કે આગેવાનો જાગૃતિ નહીં ફેલાવીને નક્કર પગલાં નહીં લે તો બજાર કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ફેરવાઇ જવાનો ભય છે. 
એક ઝવેરી કહે છે, બજારમાં તાજેતરમાં અઠવાડિયાનું લોકડાઉન જાહેર કરાયું હતુ પરંતુ એકતાના અભાવે મોટાંભાગની બજાર ખૂલ્લી હતી. હવે બધાએ એક થઇને ફરી લોકડાઉન કરીને કોરોનાની સાઇકલને તોડવી જરુરી છે. તેમણે ગુંદાવાડીથી દરબાર ગઢ અને વર્ધમાન નગરથી પ્રહલાદનગર સુધીના વિસ્તારોમાં લોકડાઉનની વાત ઉચ્ચારી હતી. આ વિસ્તારોમાં ગીચતા વધારે છે એટલે સંક્રમણ ઝડપથી ફેલાય છે. કોરોનામાં માસ્કનો ઉપયોગ અને સામાજિક અંતર પાયાની તકેદારી છે. પરંતુ મોટાંભાગે આ મુદ્દાનો છેદ ઉડી રહ્યો છે એ પણ એક કારણ ગણાવવામાં આવે છે. કોરોનાની સ્થિતિ ગંભીર છે પણ સોની બજારના વેપારીઓ અને આસપાસના લોકો કે કારીગરો ગંભીરતાથી લઇ રહ્યા નથી એવી ચર્ચા ઠેર ઠેર થઇ રહી છે. 
રાજકોટ ગોલ્ડ ડિલર્સ એસોસીએશનના પ્રમુખ ભાયાભાઇ સહોલીયા કહે છે, ત્રણેક મહિના અગાઉના લોકડાઉનમાં બજાર બંધ રહી, એ પછી ફરી આઠ દિવસ લોકડાઉન રાખ્યા પછી પણ મુશ્કેલી ઓછી થઇ નથી. પણ લોકડાઉન આખરી ઉપાય નથી. ખરેખર તો લોકોએ હવે જાગૃત થઇને કોરોના ન થાય તેની તકેદારી રાખવી જરુરી છે. જૂની-નવી બજારમાં આવેલા કોમ્પલેક્સમાં સફાઇ-ચોખ્ખાઇ, સામાજિક અંતર ઉપરાંત લગ્નો કે માઠાં પ્રસંગોમાં સામાજિક અંતર જાળવીને જ હાજરી આપવી જરુરી હોવાનું તેમણે કહ્યું હતુ. માસ્ક અને સેનીટાઇઝરનો ચુસ્તપણે ઉપયોગ કરવો જ જોઇએ એનાથી જ કોરોનાને હરાવી શકાય તેમ છે. 
પેલેસ રોડ પરના એક આગેવાન ઝવેરી કહે છે, બજારમાં સોશ્યલ ડિસ્ટન્સ ઉપરાંત માસ્ક પ્રત્યે ગંભીરતા ઘણી ઓછી છે. કોરોનાના લક્ષણો દેખાય તો પણ ઘણા કિસ્સાઓમાં છૂપાવવામાં આવી રહ્યા છે એ કારણે ઇન્ફેક્શન વધી ગયું છે. અનેક કોમ્પલેક્સમાં કામ ન હોવા છતાં પાંચથી છ લોકો નાની દુકાનોમાં એકઠાં થાય છે તેના બદલે ઘેર રહીને પરિવારની સલામતી જાળવવી જોઇએ. તેમણે સોની બજારનો સમય ઘટાડીને કે જરુર લાગે તો લોકડાઉન પણ આપીને પણ કોરોના સાઇકલ તોડવાની ભલામણ કરી હતી. જેમ એન્ડ જ્વેલરી એસોસીએશન રાજકોટના પ્રમુખ દિવ્યેશ પાટડીયા કહે છે, અમે એસએમએસ મોકલીને જાગૃતિ કેળવી રહ્યા છીએ છતાં હવે રોગ પ્રતિકારક શક્તિ વધે તે હેતુથી હોમિયોપેથિક દવા ઉપરાંત ઉકાળા કેન્દ્ર પણ તત્કાળ શરું કરવાના છીએ.  તેમણે જણાવ્યું કે, ડિસ્ટન્સ જળવાતું નથી એ મોટી સમસ્યા છે. લોકડાઉન જરુરી છે પણ હવે આર્થિક રીતે કોઇને પોસાય તેમ નથી. એના લીધે અમે હવે વેપારીઓને માસ્ક વિના બજારમાં પ્રવેશ ન મળવો જોઇએ તેવી ભલામણ કરી રહ્યા છીએ. એ ઉપરાંત સેનીટાઇઝેશન કરવું પણ આવશ્યક જણાવાયું છે. જરુરિયાત ન હોય કે કામકાજ ન હોય ત્યાં સુધી બજારમાં આવવું પણ નહીં તેવી વિનંતી કરીએ છીએ. સોની બજારમાં અમુક શેરીઓ ખૂબ જ સાંકડી છે ત્યારે શોરુમ વચ્ચે પણ સામાજિક અંતર જળવાય એટલી જગ્યા નથી. પરિણામે પરિવારની સલામતી માટે સ્વૈચ્છિક લોકડાઉન પાળવું પડે તો પાડવું જોઇએ. 
સામાજિક પ્રસંગો બન્યા નિમિત ? 
સમાજમાં બનેલા બે-ત્રણ જેટલા શુભ અને માઠાં પ્રસંગો ઝવેરી બજારના વેપારીઓને સંક્રમિત કરવા નિમિત બન્યા હોવાનો બજારમાં ગણગણાટ છે. પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ રહેતા સામાજિક અંતર જળવાયું ન હતુ. માસ્ક પણ મોટાંભાગના લોકોએ ત્યાગી દીધાં જેટલી હળવાશ વર્તતા કોરોના ફેલાઇ ગયો છે. જે હવે કાબૂમાં લેવો અતિ આવશ્યક બની ગયો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer