એમપીસીની દ્વિધા : નીચો વિકાસ અને વધતો ફુગાવો-કોને મહત્વ વધુ આપવું?

વ્યાજ દર માટે રિઝર્વ બેન્ક કાલે કેવો નિર્ણય જાહેર કરશે? 
અભિજિત દોશી  
મુંબઈ, તા. 4 અૉગ.
રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટીની ત્રણ દિવસની બેઠક આવતી કાલે ગુરુવારે પુરી થશે અને વ્યાજ દર વિશેનો તેનો નિર્ણય બપોરે જાહેર કરવામાં આવશે. રેપો દરમાં ઘટાડો કરાશે કે નહિ એ એક કુતૂહલનો વિષય બની ગયો છે. 
દેશની જે આર્થિક પરિસ્થિતિ છે એ જોતા રિઝર્વ બેંકે વ્યાજ દરમાં ઘટાડો કરવો જરૂરી જણાય છે. આર્થિક વિકાસ ઘટી રહ્યો છે અને ટૂંક સમયમાં નેગેટિવ ઝોનમાં સરી પડે એવી પ્રબળ શક્યતા નિષ્ણાતો જોઈ રહયા છે. કોરોના વાઇરસ અને લાંબા લોક ડાઉન ને કારણે આર્થિક ચક્રો અટકી ગયા તેને લીધે વિકાસ મંદ પડી ગયો છે અને તેને ઇંધણ પૂરું પાડવાની જરૂર છે. સરકારે અત્યાર સુધીમાં અર્થવ્યવસ્થાને ઉત્તેજન આપવા માટે બે પેકેજ જાહેર કર્યા છે અને રિઝર્વ બેન્ક તેમાં સહકાર કરીને વ્યાજ દર ઘટાડે એવી અપેક્ષા રખાય છે.  
પણ મોનિટરી પોલિસી કમિટીનું કામ આ વખતે આસાન નથી. તેનું મુખ્ય કારણ વધી રહેલો ફુગાવો છે. રિટેલ ભાવનો ફુગાવો થોડા મહિનાઓમાં રિઝર્વ બેન્કના લક્ષ્યાંકથી ઉપર રહ્યો છે. જૂનમાં આ આંક 6.09 ટકા હતો જે એપ્રિલ અને મેમાં અનુક્રમે 7.22 ટકા અને 6.27 ટકા હતો. 
સરકાર સાથે થયેલી સમજૂતી અનુસાર રિઝર્વ બેંકે રિટેલ ફુગાવાને ચાર ટકાની આસપાસ રાખવાનો છે. તેનો વ્યાપ બે થી છ ટકાનો છે. જયારે ફુગાવો સ્વીકાર્ય મર્યાદાની ઉપર જઈ રહ્યો હોય ત્યારે વ્યાજ દર ઘટાડવાનું પગલું અતાર્કિક છે. 
આ વર્ષે અત્યાર સુધી તો ચોમાસુ સારું રહ્યું છે અને પાકપાણીનો માહોલ સારો જણાય છે. આગળ જતા કૃષિ પેદાશનું ઉત્પાદન વધશે એટલે ભાવ નીચે આવશે એવી દલીલ થઇ શકે. વ્યાપક અર્થતંત્રમાં પણ પ્રવૃત્તિઓ ક્યારેક વધતી જણાય છે. પણ તેના પર આધાર રાખીને કોઈ પગલું લેવું સલાહભર્યું નથી કેમ કે પરિસ્થિતિ હજુ નાજુક છે એમ કેટલાક નિષ્ણાતોનું માનવું છે. 
બીજી બાજુ રિઝર્વ બેન્ક અત્યારના સંજોગોમાં વ્યાજ દર વધારવાનું પગલું પણ લઇ શકે એમ નથી કેમ કે તેને કારણે તો આર્થિક વિકાસ વધુ રૂંધાઇ જાય. 
આવા સંજોગોમાં મોનિટરી પોલિસી કમિટીનું કામ મુશ્કેલ બન્યું છે. શક્ય છે કે આવતી કાલે વ્યાજ દર યથાવત રાખવાનો નિર્ણય લેવાય. અથવા એમ પણ બને કે તેમાં મામૂલી ટોકન ઘટાડો કરાય. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer