નિકાસ પ્રોત્સાહનો પાછા ખેંચાતાં ડાયસ્ટફ-કેમિકલ્સ ઉદ્યોગ મુશ્કેલીમાં

નિકાસ પ્રોત્સાહનો પાછા ખેંચાતાં ડાયસ્ટફ-કેમિકલ્સ ઉદ્યોગ મુશ્કેલીમાં
ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશને કેન્દ્ર સમક્ષ રજૂઆત કરી 
અનિલ પાઠક 
અમદાવાદ. તા. 4 અૉગ. 
એક તરફ કેન્દ્ર સરકાર નિકાસવૃદ્ધિ માટે અનેક પ્રોત્સાહન આપે છે જ્યારે બીજી તરફ તાજેતરમાં ગુજરાતના ડાયસ્ટફ અને કેમિકલ્સ યુનિટ્સને નિકાસ માટે અપાતી 2.5 ટકાની છૂટ ઓચિંતી બંધ કરી દેવામાં આવતા 26,000 કરોડની નિકાસ ધરાવતા ઉદ્યોગો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.  
ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશને (ઋજઉખઅ) આ અંગે કેન્દ્ર સરકાર સમક્ષ જોરદાર રજૂઆત કરી જણાવ્યું છે કે જો આ છૂટછાટ પુન: અમલમાં નહીં મુકાય તો આ ઉદ્યોગોને મોટો ફટકો પડશે. એસોસિયેશનના અગ્રણીઓએ કેન્દ્રનાં નાણાપ્રધાન નિર્મલા સીતારામન અને વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ સમક્ષ તાત્કાલિક અસરથી અક્સપોર્ટ યુનિટ્સને આપાતી 2.5 ટકાની છૂટ પુન: શરૂ કરવી જોઇએ તેવી રજૂઆત કરી છે. તેઓના જણાવ્યા અનુસાર ઉદ્યોગોને છૂટછાટ પાછી ખેંચાવાના લીધે રુ.60 કરોડની ખોટ સહન કરવાના વારો આવ્યો છે. 
ગુજરાત ડાયસ્ટફ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશનનના પ્રમુખ યોગેશ પરીખે જણાવ્યું હતું કે આ નિર્ણયથી અમદાવાદ, વલસાડ, વાપી, અંકલેશ્વર ખાતે આવેલા અંદાજે 1,000 યુનિટ્સને અણધારી મુશ્કેલી આવી ગઈ છે. 
અમદાવાદના વટવા, નારોલ, પીપલજ વગેરે ઔદ્યોગિક વિસ્તારોમાં કોરોનાના લોકડાઉન બાદ પુન: શરૂ થયેલાં આ એકમોને નિકાસ છૂટછાટ પાછી ખેંચાતા આ પરિસ્થિતિમાં ઉદ્યોગો કેમ ચલાવવા તે પ્રશ્ન થયો છે. 
કેન્દ્ર સરકારે એક પરિપત્ર દ્વારા એપ્રિલ મહિનામાં આવી જાહેરાત કરી હતી અને તાત્કાલિક અસરથી અમલ કરાતા ડાયસ્ટફ્સ અને ટેક્સટાઇલ્સ માટે જરૂરી ડાઇઝ બનાવતા ઉદ્યોગોને આંચકો લાગ્યો છે. પરીખે જણાવ્યું હતું કે જો છૂટછાટ પુન: શરૂ કરવામાં નહીં આવે તો ના છૂટકે ઘણાં યુનિટ્સને તાળાં મારવા પડશે. એવું મનાય છે કે એસોસિયેશન જરૂર પડે દિલ્હી જઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ પણ આ રજૂઆતો કરવાના છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer