એચડીએફસી બૅન્કના એમડી તરીકે શશિ જગદીશનના નામને ફક્ત આરબીઆઇની મંજૂરીની પ્રતીક્ષા

એચડીએફસી બૅન્કના એમડી તરીકે શશિ જગદીશનના નામને ફક્ત આરબીઆઇની મંજૂરીની પ્રતીક્ષા
મુંબઈ, તા. 4 અૉગ.
એચડીએફસી બેન્કના નવા મેનેજીંગ ડિરેક્ટર માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ શશીધર જગદીશનના નામને મંજૂરી આપી હોવાનું જાણવા મળે છે. વર્તમાન મેનેજીંગ ડિરેક્ટર આદિત્ય પુરી ઓક્ટોબરમાં નિવૃત્ત થઇ રહ્યાછે. 
જગદીશન ની નિમણૂકની જાહેરાત આજકાલમાં જ થાય એવી શક્યતા છે એમ સૂત્રોએ  જણાવ્યું હતું. 
આદિત્ય પુરીના અનુગામી તરીકે એચડીએફસી બેંકે ત્રણ ઉમેદવારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.  શશી જગદીશન અને કૈઝાદ ભરૂચા બંને બેન્કના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે જયારે સીટી કમર્શિયલ બેન્કના ગ્લોબલ હેડ સુનિલ ગર્ગ પણ રેસમાં હતા એમ માહિતગાર વર્તુળોનું કહેવું છે. 
ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં બેંકે તેના ઉચ્ચ અધિકારીઓની જવાબદારીઓમાં પરિવર્તન કર્યું હતું અને જગદીશનને અનેક મહત્વની જવાબદારીઓ આપવામાં આવી હતી. ત્યારે જ મનાતું હતું કે તે પુરીના અનુગામી માટે ઉમેદવાર બનશે.
કેટલાક અધિકારીઓ બહુ જ કાબેલ છે અને તેમનો આ હોદ્દા માટે વિચાર થવો જોઈએ એમ બેન્કના બોર્ડે સ્વીકાર્યું હતું પણ સાથે બહારની કોઈ તેજસ્વી વ્યક્તિને પણ નજર અંદાજ ન કરવી જોઈએ એવો તેનો અભિપ્રાય હતો. 
જગદીશન 1996માં બેંકમાં જોડાયા હતા અને ફાયનાન્સ, બિઝનેસ સ્ટ્રેટેજી અને સ્ટ્રેટેજિક ઇનિશિએટિવ જેવા મહત્વના ખાતા સંભાળી ચુક્યા છે. ફિઝિક્સમાં બી. એસસી કર્યા બાદ જગદીશને ઇકોનોમિક્સમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી હતી. સાથે એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer