શૅરબજાર અને સોના- ચાંદી વાયદામાં તેજીવાળાની ફટકાબાજી

શૅરબજાર અને સોના- ચાંદી વાયદામાં તેજીવાળાની ફટકાબાજી
સેન્સેક્ષ 748, નિફટીમાં 211 પૉઈન્ટ્સનો ઉછાળો, સોનુ રૂ.54,000, ચાંદી રૂ.66,000 નજીક  
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા.4 અૉગ.
તેજીનો ચાબુક આજે  ફરીથી લાગતા શેરબજારોના સૂચકાંકો અને સોનાચાંદી વાયદા દોડ્યા હતા. વિદેશમાં  હાજર સોનુ ગઈ કાલની પ્રતિ ઔંસ 1,976.36 ડોલરની વિક્રમ ઉંચાઈએથી  આજે થોડું નરમ હતું, પણ અહીં એમસીએક્સ ઓક્ટોબર વાયદામાં ભાવ 0.2 ટકા વધી 10 ગ્રામ દીઠ રૂ.53,865 થયો હતો. ચાંદી વાયદો પણ 0.18 ટકા વધી પ્રતિ કિલોના રૂ. 65,865 થયો હતો.  
શેર બજારમાં ગઈકાલે ભારે વેચવાલી  આવ્યા પછી તેજીવાળા બમણા જોરથી ત્રાટક્યા હતા. તેમણે ઇન્ડેક્સના હેવીવેઈટ- રિલાયન્સ તેમજ એચડીએફસી જેવા બ્લ્યુ ચિપ શેર્સમાં ધૂમ લેવાલી કરતા સેન્સેક્સ 748 પોઇન્ટ્સ અને નિફટી 211 પોઇન્ટ્સનો ઉછાળો આવ્યો હતો. પરિણામે, સેન્સેક્સ વધીને 37,688 અને નિફટી 11,103ના સ્તરે બંધ થયા હતા.  
નિફટી મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ તેજીની જ્વાળા ફેલાતા આ બન્ને સૂચકાંક એક ટકો વધ્યા હતા. આજના સત્રના અંતે રોકાણકારો રૂ. 2 લાખ કરોડથી વધુ કમાયા હતા. તેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 7.05 ટકા અને એચડીએફસી 3.96 ટકા વધ્યા હતા. મારુતિ સુઝુકી, બજાજ ટ્વીન્સ, એક્સીસ બેન્ક અને આઇસીઆઇસીઆઇ બેંકમાં જોરદાર ખરીદી રહેતાં તેજી નક્કર બની હતી.  
રેલીગેર બ્રાકિંગના વાઇસ પ્રેસિડેન્ટ અજિત મિશ્રાએ કહ્યું કે રોકણકારોએ વૈશ્વિક પરિબળોના સકારાત્મક સંકેત ઓળખ્યા બાદ આવતા ગુરુવારે જાહેર થનારી આરબીઆઈની મોનેટરી પોલિસીમાં માર્કેટ માટે પોઝોટિવ સિગ્નલ મળશે એવી આશાએ આજે નક્કર ખરીદી કરી હતી.  
આગામી દિવસોમાં અનેક કંપનીઓના પહેલા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર થવાના હોવાથી આગામી દિવસોમાં સ્ટોક સ્પેસિફિક ખરીદી આગળ વધશે અને શેર બજારોમાં તેજી રહેશે, એમ મિશ્રાએ ઉમેર્યું હતું.  
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ફ્યુચર ગ્રૂપ સાથે રિટેલ વેપાર ખરીદવા માટે સોદાને અંતિમ સ્વરૂપ આપશે તેવી શકયતાએ આજે રિલાયન્સમાં ભારે ખરીદી થઈ હતી, તો એચડીએફસીની નવા સીઈઓ મળ્યા હોવાના સમાચારે શેર 4 ટકા જેટલો વધ્યો હતો.  ઓટો શેર્સમાં પણ તેજી જોવા મળી હતી. જુલાઈમાં ઓટો કંપનીઓની પ્રોત્સાહક કામગીરીથી મારુતિ 3 ટકા વધ્યો હતો જ્યારે હીરો મોટો, બજાજ ઓટો, બાલકૃષ્ણ ઇન્ડ., મધરસન સુમી અને આઈશર મોટર્સમાં રોકાણકારોએ ખરીદી કરી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer