જીરૂના અંતિમ સ્ટોકના બોજાથી ભાવ વધુ ઘટશે

દિવાળી બાદ નવા નીચા ભાવ જોવા મળે તેવી વેપારીઓની ધારણા  
ગુજરાત તેમજ રાજસ્થાનના ઉત્પાદક વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે પરંતુ તેનું વાવેતર ઘટશે કે વધશે, વિષે હમણાં કહેવું વહેલું ગણાશે
વિશેષ પ્રતિનિધિ તરફથી 
મુંબઇ, તા. 15 સપ્ટે. 
આ વર્ષે જીરૂનો વપરાશ વધવા છતાં તેના ભાવ ઉપર દબાણ રહ્યું છે તેમજ ચાલુ માર્કાટિંગ વર્ષના અંતે ભારે ભરખમ સ્ટોક રહેવાના ભયથી ભાવ વધુ ઘટવાની શક્યતા નકારી શકાય નહીં. જીરાની હાલની સ્થિતિ જોતાં ચાલુ વર્ષે બોટમ ભાવ બનાવી શકે છે, જે આગામી બે-ત્રણ વર્ષ તૂટશે નહીં. જેવું તેણે વર્ષ 2014માં બનાવ્યા હતા.     
દેશમા ચાલુ વર્ષે જીરાનું ઉત્પાદન વેપારી અંદાજ મુજબ 95 લાખ બોરી (પ્રતિ બોરી 55 કિગ્રા) રહ્યુ જ્યારે જૂના જીરાનો સ્ટોક લગભગ 10 લાખ બોરીથી ઓછો ન હતો. આવી રીતે જીરાની કુલ ઉપલબ્ધતા ચાલુ માર્કાટિંગ વર્ષે 105 લાખ બોરીથી ઓછી નથી. તેનો વપરાશ સામાન્ય રીતે 60 લાખ બોરી રહે છે પરંતુ વધી રહેલી નિકાસના કારણે જો તે 70 લાખ બોરી પણ માની લેવામાં આવે તો પણ અંતિમ સ્ટોક 35 લાખ બોરી રહી શકે છે.   
ગુજરાત તેમજ રાજસ્થાનના જીરા ઉત્પાદક વિસ્તારોમાં ચાલુ વર્ષે સારો વરસાદ પડ્યો છે પરંતુ તેનું વાવેતર ઘટશે કે વધશે, તે અંગે હાલ કંઇ પણ કહેવુ વહેલું ગણાશે. જીરાનું વાવેતર ઓક્ટોબરથી નવેમ્બર દરમિયાન થાય છે જ્યારે તેની લણણી ફેબ્રુઆરીથી માર્ચમાં થાય છે. ગુજરાત તેમજ રાજસ્થાનમાં પડેલા સારા વરસાદ બાદ એવું માનવામાં આવી રહ્યુ છે કે રવી સીઝનમાં જીરાનું વાવેતર વધશે, અલબત તેણે અજમા, ઇસબગુલ, મેથી, સરસવ અને ચણાથી સ્પર્ધા કરવી પડશે કારણ કે ખેડૂતો ઉંચા વળતરથી આકર્ષાઇ આ પાકોની પસંદગી કરશે જેમા તેમને વધારે લાભ મળ્યો છે. આ વખતે રવી પાકના સમયે ખેડૂતોની પાસે ઘણા વિકલ્પો છે અને તેઓ જીરાનું વાવેતર ભાવ નીચા રહેવાથી ઘટાડી પણ શકે છે. 
ચાલુ વર્ષે પ્રથમ ક્વાર્ટરમાં જીરું 15850 રૂપિયાની ઉંચાઇથી 12750 રૂપિયા સુધી આવી ગયુ છે. હાલ દેશની સૌથી મોટી જીરાની મંડી ઉંઝામાં સારુ 13500 રૂપિયા અને હલ્કી ગુણવત્તાવાળુ જીરું 11000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વેચાઇ રહ્યુ છે. વેપારીઓનું કહેવુ છે કે જ્યારે જીરાનો અંતિમ સ્ટોક બેથી પાંચ લાખ બોરી રહેશે ત્યારે જ તેમાં મર્યાદિત તેજી આવે છે તો ચાલુ વર્ષે અંતિમ સ્ટોકની ગણતરી અત્યારથી જ ભયભીત કરી રહી છે.   
જો ખેડૂતો આગામી રવી પાકમાં જીરનું વાવેતર ઘટાડે તો પણ તે 60-70 લાખ બોરીથી ઓછુ રહેશે નહીં. આટલુ ઉત્પાદન ભારતમાં સામાન્ય થઇ ગયુ છે. આવી રીતે તેની સાથે અંતિમ સ્ટોકને જોડવામાં આવે તો આગામી માર્કાટિંગ વર્ષભરમાં પણ જીરાની ઉપલબ્ધતા ઓછી રહેશે નહીં જે જોરદાર માંગના અભાવે તેના ભાવ ઉપર જવા દેશે નહીં. 
વર્ષ 2014માં જીરાનો પાક 50-55 લાખ બોરી હતો પરંતુ જીરાએ 8000 – 8500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો બોટમ ભાવ બનાવ્યો હતો. જીરાના બોટમ ભાવ બનવાનું કારણ ભારે ભરખમ જૂનો માલ હતો. ચાલુ વર્ષે પણ વર્ષ 2014 જેવી સ્થિતિ સર્જાતા દેખાઇ રહી છે. નોંધનિય છે કે, ચોમાસાની સિઝનમાં સપ્ટેમ્બર સુધી જીરામાં દર વર્ષે માંગ નબળી રહે છે કારણ કે ચોમસાની સિઝનમાં ભેજ વધી જતા તેના ઓછા વેપાર થાય છે. 
જ્યારે, ઓક્ટોબર સુધી મોટાભાગના વેપારીઓ અને ખેડૂતો પોતાની પાસે રાખેલુ જીરું વેચવામાં વ્યસ્ત હોય છે. ખેડૂતો નવા વાવેતર પહેલા હવામાન અને ખેતરનું નિરિક્ષણ કર્યા બાદ જુનુ જીરું વેચી દે છે. ચાલુ વર્ષે સારો વરસાદ પડવાથી જમીનમાં ભેજનો અભાવ નથી, સાથે જ જીરા ઉત્પાદક વિસ્તારોમાં સિંચાઇની માટે પાણીની પણ અછત નથી. તે ઉપરાંત જીરાના પાકને ઓછા પાણીની જરૂર હોય છે જેની સમસ્યા ચાલુ વર્ષે પડશે નહીં. ખેડૂતો તેમજ સંગ્રહખોરો જો આગામી મહિને મંડીઓમાં આવક વધારે તો દિવાળી બાદ જીરું નવા નીચા ભાવ દેખાડી શકે છે. 
જંગી ઉત્પાદન વચ્ચે, ભારતીય જીરાની માટે નિકાસ મોરચે ચાલુ વર્ષે સારા સમાચાર છે. બીજી બાજુ દેશમાંથી ફેબ્રુઆરી 2020થી જુલાઇ 2020 દરમિયાન આખા જીરાની નિકાસ 145150 ટન રહી જે ફેબ્રુઆરીથી જુલાઇ 2019 દરમિયાન 121268 ટન હતી. નોંધનિય છે કે ભારતીય જીરાના સૌથી મોટા ગ્રાહક ચીન, વિયેતનામ, બાંગ્લાદેશ, અમેરિકા, ઇજિપ્ત, પાકિસ્તાન, સાઉદી અરબ, શ્રીલંકા, નેપાળ, બ્રાઝિલ, મલેશિયા તેમજ પેરુ વગેરે છે. 
ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસ સ્ટેકહોલ્ડર્સે દેશમાં વર્ષ 2020માં જીરાનું ઉત્પાદન 9736282 બોરી (પ્રતિ બોરી 55 કિગ્રા) થવાનો અંદાજ મૂક્યો છે. આ ઉત્પાદન પાછલી રવી સીઝન 2019માં 7574527 બોરી હતુ. આવી રીતે ઉત્પાદનમાં 29 ટકાની વૃદ્ધિ થવાની ધારણા છે. અલબત પ્રતિ હેક્ટર ઉત્પાદકતા પાછલા વર્ષની તુલનામાં 3 ટકા વધીને 522 કિગ્રા રહેવાનો અંદાજ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer