ભાવનગરને મળશે વિશ્વનું સૌપ્રથમ સીએનજી ટર્મિનલ

મુખ્યપ્રધાનની જાહેરાત : પ્રથમ તબક્કામાં $ 1300 કરોડનું રોકાણ
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 15 સપ્ટે. 
દુનિયાનું સર્વપ્રથમ ગણાય એવુ સી.એન.જી. ટર્મિનલ ભાવનગર બંદર પર સ્થાપવા માટે રાજ્ય સરકારે  મંજૂરી આપી છે.  આ અંગેની જાહેરાત મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી હતી. તેમણે કહ્યું કે, યુ.કે.સ્થિત ફોરસાઇટ જુથ અને મુંબઇ સ્થિત પદમનાભ મફતલાલ ગૃપના સહયોગમાં 1900 કરોડના મૂડીરોકાણથી સી.એન.જી. (કોપ્રેસ્ડ નેચરલ ગેસ) પોર્ટ ટર્મિનલ ભાવનગર બંદરે નિર્માણ પામશે.  
રૂપાણીએ જી.આઈ.ડી.બીના અધ્યક્ષ તરીકે આ દરખાસ્તને ગુજરાત સરકાર તેમજ ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર બોર્ડની મંજૂરી આપી છે. વાર્ષિક  1.5. મિલિયન  ટન ક્ષમતાવાળા ટર્મિનલ માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને લંડન સ્થિત ફોરસાઇટ ગૃપ વચ્ચે 2019ની વાયબ્રન્ટ ગુજરાત દરમિયાન એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. 
ભાવનગર બંદરનું સંચાલન ગુજરાત મેરીટાઇમ બોર્ડ હસ્તક છે અને વાર્ષિક ત્રણ મિલિયન મેટ્રીક ટન કાર્ગોનું પરિવહન થાય છે. ટર્મિનલ માટે  બંદરની ઉત્તરની બાજુએ હાલની  સુવિધાઓમાં મોટાં ફેરફાર કરવામાં આવશે જેમાં પોર્ટ બેઝીન માટેની ચેનલ, ડ્રેજીંગ, ઉપરાંત બે લોકગેટસ, કિનારા ઉપર સી.એન.જી.ના પરિવહન માટેનું આંતર માળખું સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવશે. કંપની દ્વારા ભાવનગર બંદરે કાર્ગો વહન માટે રો-રો ટર્મિનલ, લિકવીડ ટર્મિનલ અને કન્ટેનર ટર્મિનલ વિકસાવવાનું આયોજન છે. આ ટર્મિનલ કાર્યાન્વિત થતાં ભાવનગર બંદરની  કાર્ગો વહન ક્ષમતા વાર્ષિક 9  મિલિયન મેટ્રીક ટન થશે, જેમાંથી 6 મિલિયન આ પ્રોજેકટની હશે. 
રૂપાણીએ ઉમેર્યું હતું કે યુ.કે. તેમજ ગુજરાત સ્થિત પદમનાભ મફતલાલ ગુપના બનેલા કોન્સોર્ટિયમ દ્વારા પ્રથમ તબક્કામાં રુ. 1300 કરોડ અને બીજા તબક્કામાં રુ. 600 કરોડ મળી સ્વીસ ચેલેન્જ રુટ મારફત કુલ રુ.1900 કરોડનું મૂડી રોકાણ કરશે.આ દરખાસ્તને રાજય સરકારે મંજૂરી આપી દીધી છે.  
આ પ્રોજેકટમાં રુ.500 કરોડનું વિદેશી રોકાણ કરવામાં આવનાર છે. પોર્ટ સુધી બ્રોડગેજ રેલ્વે અને  નેશનલ હાઇવે જોડાયેલા છે જેથી હાલ વિકસાવવામાં આવી રહેલા ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન (ધોલેરા એસ.આઇ.આર.)ની સાથોસાથ આ ટર્મિનલનો ફાયદો દેશના ઉત્તર અને પશ્ચિમ છેડાઓના માલ પરિવહનને મળશે.  રાજાશાહી સમયમાં કાર્ગો પરિવહનથી ધમધમતા ભાવનગર બંદરની જાહોજલાલી આ પ્રોજેકટ આવતા ફરી દેખાશે. 
ટૂંકમાં અલંગ શિપ બ્રેકીંગ યાર્ડના કારણે સમગ્ર એશિયામાં ખ્યાતિ પ્રાપ્ત ભાવનગર હવે સી.એન.જી. ટર્મિનલના આ સૂચિત પ્રોજેકટથી વિશ્વના નકશા ઉપર અંકિત થવા જઇ રહ્યું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer