ઓગષ્ટમાં હીરા-ઝવેરાતની નિકાસ વધીને $ 176.40 કરોડની થઇ

ઓગષ્ટમાં હીરા-ઝવેરાતની નિકાસ વધીને $ 176.40 કરોડની થઇ
અમારા પ્રતિનિધિ તરફથી 
સુરત તા. 15 સપ્ટે.,  
માર્ચથી જૂન માસ દરમ્યાન વિશ્વભરમાં અલગ-અલગ સમયે લોકડાઉન થયું હતું. જેના કારણે દુનિયાભરના દેશોની નિકાસ અટકી પડી હતી. પરંતુ ફરીથી વેપારની ગાડી પાટે ચઢી રહી છે. ગત મહિને દેશમાંથી હીરા અને ઝવેરાતની નિકાસ 1764 મિલિયન ડોલર થઇ છે. દુનિયાના દેશોમાં અનલોક થતાં હીરા-ઝવેરાતની માગમાં વૃદ્ધિ નોંધાઇ છે. જેની અસર દેશના હીરા-ઝવેરાતના નિકાસના આંક પર થઇ જોઇ શકાય છે.  
જીજેઇપીસીના ચેરમેન કોલિન શાહે કહ્યું હતું કે, દેશનો હીરા-ઝવેરાત ઉદ્યોગ આગામી સમયમાં સારા વેપાર માટે આશાવાદી છે. દુનિયાના દેશો ખાસ કરીને દેશના હીરા-ઝવેરાત માટે મોટું માર્કેટ ધરાવે છે તે અમેરિકા, યુરોપની બજારમાં સુધારાના સંકેતો બાદ વેપાર સારો થશે. પ્રારંભિક સુધારા બાદ ગત મહિનાથી અમેરિકા, યુરોપના દેશો ઉપરાંત અન્ય દેશોમાં પણ વેપારના સારા સંકેતા જોવા મળ્યા છે. ગત વર્ષે ઓગષ્ટ માસમાં નિકાસ 3018.22 મિલિયન યુ.એસ. ડોલર જેટલી હતી. જો કે, ચાલુ વર્ષે નિકાસમાં 41.55 ટકા જેટલો ઘટાડો થયો હોવા છતાં જે પ્રકારે કોરોના મહામારીનો લીધે સમીકરણો બન્યા છે તે જોતાં ગત મહિને થયેલી નિકાસનો આંકડો સંતોષકારક છે. આગામી પાંચેક મહિનામાં બજાર સ્થિર થવાના સંકેત છે. વેપારમાં ઝડપથી સુધારો થશે અને નાણાકિય વર્ષના અંત સુધીમાં સ્થિતિ રાબેતામુજબ થશે તેવું માનવામાં આવે છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer