તેલની માગ વધવાનો જમાનો પૂરો થઇ ગયો : બીપી

તેલની માગ વધવાનો જમાનો પૂરો થઇ ગયો : બીપી
લંડન તા. 15 સપ્ટે.  
તેલની માગ વધવાનો જમાનો પૂરો થઇ ગયો છે. તેલનો વપરાશ કોરોના અગાઉની સપાટીએ ફરી કદી પહોંચી શકશે નહિ એમ બ્રિટિશ બહુરાષ્ટ્રીય તેલ કંપની બીપીએ જણાવ્યું છે. સૌથી વધુ તેજીતરફી સંભાવનાઓને ગણતરીમાં લઇએ તો પણ આવતા બે દાયકા સુધી તેલની માગ સપાટ રહેશે કારણ કે વિવિધ દેશો તેલ-કોલસા જેવાં અશ્મિભૂત બળતણોનો વપરાશ સભાનતાપૂર્વક ઘટાડી રહ્યા છે, એમ બીપીએ તેના અહેવાલમાં કહ્યું છે.    
બીપીનું નિવેદન અસાધારણ છે. મહાકાય તેલ કંપનીઓના મુખિયાઓથી લઈને ઓપેક દેશોના તેલપ્રધાનો સુધીના મહાનુભાવો કહેતા આવ્યા છે કે હજી કેટલાક દાયકાઓ સુધી તેલની માગ વધતી રહેશે. દુનિયાની વધતી જતી વસ્તી અને વિસ્તર્યે જતા માધ્યમ વર્ગની ઉર્જાની માગને પૂરી કરી શકે તેવી એકમાત્ર ચીજ તેલ છે એમ તેમનું કહેવું છે. બીપી તેલ ઉદ્યોગનો પ્રથમ મોટો ખેલાડી છે જેણે તેલનો વપરાશ વધવાનો જમાનો પૂરો થઇ ગયો હોવાની જાહેરાત કરી હોય.  
બીપીનો અહેવાલ કહે છે કે ભવિષ્યમાં તેલની સર્વોપરિતાને પડકાર ફેંકાશે અને આખરે તે ભૂંસાઈ જશે. તેથી બીપીએ તેના ભાવિ લક્ષ્યાંકોને પેરિસ આબોહવા સમજૂતી સાથે જોડી દેવાનું અભૂતપૂર્વ પગલું લીધું છે.   
બીપીના હાલના સીઈઓ બર્નાર્ડ લૂનીએ હોદ્દો સંભાળ્યાના માત્ર છ મહિનામાં કહ્યું છે કે આવતા એક દાયકામાં તે બીપીનું તેલ અને ગેસનું ઉત્પાદન 40 ટકા જેટલું ઘટાડશે અને દર વર્ષે પાંચ અબજ ડોલર વૈકલ્પિક ઉર્જાનો પ્લાન્ટ બાંધવામાં રોકશે.   
લૂનીના મતે કોરોના મહામારી, કડક સરકારી નીતિઓ અને ગ્રાહકોની બદલાયેલી પસંદગીને કારણે તેલની માગ કદાચ તેના સર્વોચ્ચ સ્તરે પહોંચી ચૂકી છે જ્યાંથી તે વધી શકે તેમ નથી. બીપીના વર્તારા મુજબ 2050 સુધીમાં તેલનો વપરાશ ઓછામાં ઓછો 50 ટકા અને સંભવત: 80 ટકા જેટલો ઘટી જશે. કામકાજ રાબેતા મુજબ ચાલુ થાય તો પણ આવતાં વીસ વર્ષ સુધી તેલની દૈનિક માગ 10 કરોડ બેરલ પર થંભી જશે. 
બીપીએ ગયે વર્ષે આગાહી કરી હતી કે તેલની માગ સતત વધતી રહેશે અને 2040 સુધીમાં રોજના 13 કરોડ બેરલ પર પહોંચશે. આ વર્ષે તેણે સૂર બદલ્યો છે. તેલની માગ આવતાં ત્રીસ વર્ષ સુધી ઘટતી જશે એમ કહીને તે ઉમેરે છે કે ઘટાડાની ઝડપનો આધાર માર્ગ પરના વાહન વ્યવહારની કાર્યદક્ષતા અને વીજળીકરણમાં કેટલી ઝડપથી વધારો થાય છે તેના પર હશે.  
વૈકલ્પિક ઉર્જા તરફ વળનારી બીપી એકમાત્ર તેલ કંપની નથી. રોયલ ડચ શેલ, ટોટલ એસઈ અને અન્ય યુરોપિયન કંપનીઓએ પણ ગ્રાહકો, સરકારો અને રોકાણકારોની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને પોતાની પ્રવૃત્તિઓનું કેન્દ્ર ખસેડવા માંડ્યું છે.  
આ વર્ષે કોરોના અને લોકડાઉનને કારણે તેલની માગનો કચ્ચરઘાણ નીકળી ગયો. ત્યાર પછી બળતણની માગ અને તેલના ભાવમાં થોડો સુધારો જોવાયો છે. પરંતુ વિશ્વના ઘણા દેશો હજી કોરોનાની ચુંગાલમાં તરફડી  રહ્યા છે અને રસી શોધાઈ ન હોવાથી ભાવિ સંયોગો ધૂંધળા જણાય છે.  
કોરોનાની લાંબા ગાળાની અસરો (દા.ત. ઘરેથી કામ કરવાનું વધતું જતું પ્રમાણ)થી  આર્થિક પ્રવૃત્તિમાં ઘટાડો થશે અને તેને લઈને ખાસ કરીને વિકસતા દેશોમાં પ્રવાહી બળતણોની માગ ઓછી થશે, એમ બીપીનું કહેવું છે. આનો અર્થ એ કે વિકાસશીલ દેશોની માગ વિકસિત દેશોની માગમાં થઇ રહેલા ઘટાડાને સરભર નહીં કરી શકે.   
બીપીના એક અંદાજ અનુસાર 2050 સુધીમાં પ્રવાહી બળતણની દૈનિક માગ ઘટીને 550 લાખ બેરલ થઇ જશે, જયારે બીજા એક અંદાજ અનુસાર તે 300 લાખ થઇ જશે. આ ઘટાડો મોટે ભાગે વિકસિત દેશો અને ભારત તથા ચીનમાં નોંધાશે. એશિયાના અન્ય દેશો અને આફ્રિકામાં પ્રવાહી બળતણની માગ એક અંદાજ અનુસાર 2035 બાદ સ્થગિત થઇ જશે જયારે અન્ય અંદાજ અનુસાર ઘટીને 2018ના સ્તરથી પણ નીચે જતી રહેશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer