આંતર રાષ્ટ્રીય બજારમાં સ્ટીલના ભાવમાં ઉછાળો

આંતર રાષ્ટ્રીય બજારમાં સ્ટીલના ભાવમાં ઉછાળો
અમારા પ્રતિનિધિ દ્વારા  
મુંબઈ, તા. 15 સપ્ટે.  
આંતરરાષ્ટ્રીય બજારોમાં લોખંડના ભાવ પાછલા અઠવાડિયે નજીકની ટોચે ગયા હતા. આયાતકાર સૂત્રોએ જણાવ્યું હતું કે એચઆર કોઈલ્સનો ભાવ વધીને ટન દીઠ 580 ડૉલરે કવોટ થઈને આજે 570 ડૉલર આસપાસ ફરી રહ્યો છે. ચીનમાં કોરોનાની રસીનું પરીક્ષણ મહત્ત્વના તબક્કે પહોંચી જવા સાથે ત્યાં લોકડાઉન લગભગ સમાપ્ત થઇ ગયો છે અને લોખંડની નિકાસ વધી છે. સાથે મેન્યુફેકચારિંગ ક્ષેત્રે ઉત્પાદન હવે 80થી 90 ટકાએ હોવાથી વૈશ્વિક બજારોમાં સ્ટીલ અને અન્ય ધાતુઓના લોખંડના ભાવમાં મજબૂતી જળવાઈ રહેવાના પ્રબળ સંકેત છે.  
ચીન સાથે વેપારી સંપર્ક ધરાવતાં સૂત્રોએ જણાવ્યું છે કે અમેરિકા-ચીન વચ્ચેનો સંઘર્ષ થોડો નરમ પડવાથી અને પશ્ચિમના દેશોમાં મુખ્યત્વે યુરોપના દેશોમાં લોકડાઉન હળવો થતા ચીનને લોખંડની નિકાસ વધારવા પ્રોત્સાહન મળ્યું છે. બીજી તરફ લાંબા વિરામ પછી લોખંડ ઉત્પાદન શરૂ થવા છતાં ચીનની માગ સામે પુરવઠો તંગ હોવાથી ભાવમાં મજબૂતી ચાલુ રહી છે. તેને લીધે જપાન, કોરિયા, બ્રાઝિલ સહિતના દેશોમાં મુખ્ય લોખંડના ભાવ સતત મજબૂત ચાલી રહ્યા છે. એનો લાભ લઈને ચીન સાથે ભારતના લોખંડ ઉત્પાદકોએ પણ ઊંચા ભાવ જાળવી રાખ્યા છે.'  
બીજી તરફ ભારત-ચીનના સંબંધો સરહદી વિવાદને લીધે તંગ બન્યા  હોવાથી ભારતથી થતી ખનિજ લોખંડની નિકાસ તદ્દન ઘટી ગઈ છે. હવે ચીને દૂરના દેશો પાસેથી મોંઘા ભાવે ખનીજ લોખંડની આયાત કરવી પડતી હોવાથી ચીનમાં ઉત્પન્ન થતા સ્ટીલનો ભાવ થોડો ઊંચો જ રહેશે, એમ સ્થાનિક બજાર અનુભવીઓનું કહેવું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer