તેલના ભાવ ડિસેમ્બર સુધી $45 આસપાસ અથડાતા રહેશે : એસએન્ડપી પ્લૅટ્સ

તેલના ભાવ ડિસેમ્બર સુધી $45 આસપાસ અથડાતા રહેશે : એસએન્ડપી પ્લૅટ્સ
લંડન, તા. 15 સપ્ટે. 
ક્રૂડ તેલના આંતરરાષ્ટ્રીય ભાવ આ વર્ષના અંત સુધી 45 ડોલર આસપાસ અથડાતા રહેશે અને વર્ષ 2021ના અંત સુધીમાં ધીમે ધીમે વધીને 50 ડોલર સુધી જશે એવી આગાહી સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર્સ ગ્લોબલ પ્લૅટ્સ એનાલિટિક્સ દ્વારા કરવામાં આવી છે.   
પ્લેટ્સના વિશ્લેષકોના મતે તેલ બજારે સુધારા માટે ચીન પર રાખેલો મદાર બોદો નીકળવાની સંભાવના છે. ચીનમાં તેલની માગમાં થોડો વધારો જણાયો હતો, પરંતુ સ્થાનિક રિફાઇનરીઓના ભરચક ભંડારો અને વણવેચાયેલા માલના ભરાવાથી ભાવની નબળાઈ ઉઘાડી પડી ગઈ છે.   
ચીનનાં બંદરો પર નજર કરવાથી આ મુદ્દો સ્પષ્ટ થશે. શાનડોન્ગ બંદરમાં તેલવાહક જહાજોની  ભીડ જામી છે. ચીનની રિફાઇનરીઓએ ગત ત્રિમાસિકમાં તેલના ભાવઘટાડાનો લાભ લેવા ભરપટ્ટે ખરીદી કરી હતી, પરંતુ તેલપેદાશોનું વેચાણ નિસ્તેજ રહેવાથી ચીનનાં બંદરો પર જહાજમાંથી ખાલી થવાની રાહ જોતાં તેલનો જથ્થો છેલ્લા એક સપ્તાહમાં સામાન્ય કરતાં ચારગણો થઇ ગયો છે. ઓગષ્ટ મહિનામાં ચીનની તેલની આયાત જુલાઈના મુકાબલે 7.4 ટકા ઘટીને 112.3 લાખ બેરલ થઇ ગઈ હતી. સપ્ટેમ્બરમાં તે વધુ ઘટવાની ધારણા છે.  
ચીનની તેલની આયાત જુલાઈ મહિનાથી ઘટી રહી છે, જયારે એ દૈનિક 130 લાખ બેરલની ટોચ પર પહોંચી હતી. તેલ અને તેલ પેદાશોનો સંગ્રહ વધતો જાય છે. તેલની હેરફેરમાં ચીનમાં પ્રથમ નંબરે આવતા કિંગદાઓ બંદરે જૂન-અૉગષ્ટની સરખામણીમાં સટેમ્બર મહિનામાં તેલની આયાત 25 ટકા ઘટીને 2.3 કરોડ ટન થઇ ગઈ હોવાનું બંદરના એક અધિકારીએ જણાવ્યું હતું. 
ચીન પાસેથી ઝાઝી આશા રખાય તેમ નથી એવું સમજાતાં તેલ બજારે ભારત તરફ નજર દોડાવી છે. ભારતમાં બળતણનો વપરાશ વધવાથી સરકારી રિફાઇનરીઓમાં કામકાજ વધી રહ્યું છે. પરંતુ નિકાસકાર રિફાઇનરીઓ, જે મોટેભાગે ખાનગી ક્ષેત્રમાં છે, તેઓ માગનો અભાવ અને શૂન્યથી ઓછા વળતરને કારણે કામકાજ ઘટાડી રહી છે. ભારતમાં તેલની માગ વધે છે તો ખરી પણ કોરોનાના વધતા જતા ફેલાવાને કારણે અને યુરોપમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો હોવાના સમાચારોને પગલે તે પ્રમાણમાં હજી દબાયેલી જ રહી છે. જો ઉત્તર ગોળાર્ધમાં શિયાળામાં ફરીથી લોકડાઉન નાખવામાં આવશે તો મોસમી પરિબળો પણ તેલની માગને અસર કરશે.    
આ સંજોગોમાં એસ એન્ડ પી ગ્લોબલ પ્લૅટ્સ એનાલિટિક્સે આગાહી કરી છે કે તેલની દૈનિક આંતરરાષ્ટ્રીય માગ 2020માં 81 લાખ બેરલ ઘટશે અને પછી 2021માં 63 લાખ બેરલ વધશે. આનો અર્થ એ કે આવતે વર્ષે પણ તેલની માગ સુધરવા વિષે શંકા છે. જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય યાતાયાત અને પરિવહન સામાન્ય નહિ થાય ત્યાં સુધી તેલની માગ પણ પૂરેપૂરી સામાન્ય થઇ શકે એમ નથી.     
આવી દબાયેલી બજારમાં ભાવ ટકી રહેવા માટે મથામણ કરી રહ્યા છે. બ્રેન્ટ ક્રૂડ 45 ડોલરની આસપાસ અથડાઈ ગયું છે. દરમિયાન ઓપેક અને સાથી દેશોએ પણ ઓગષ્ટ મહિનાથી બજારમાં રોજનો 20 લાખ બેરલનો વધારાનો પુરવઠો ઠાલવવાનું ચાલુ કર્યું છે. આ દેશોએ વર્ષના પ્રારંભના મહિનાઓમાં કોરોનાને કારણે તેલની માગમાં થયેલા ઘટાડાને ધ્યાનમાં લઈને દૈનિક ઉત્પાદનમાં એક કરોડ બેરલનો કાપ મૂક્યો હતો. હવે તેઓ માગ સુધરવાની આશાએ વ્યક્તિગત દેશોના ક્વોટામાં વધારો કરી રહ્યા છે.   
પરિણામે પ્લૅટ્સ એનાલિટિકસે આગાહી કરી છે કે તેલના ભાવ 2020ના અંત સુધી 45 ડોલરની આસપાસ અથડાતા રહેશે અને 2021ના અંત સુધીમાં ધીમે ધીમે સુધરીને 50 ડોલર સુધી પહોંચશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer