મહારાષ્ટ્રમાં શેરડીનું વાવેતર 30 ટકા વધીને 10.66 લાખ હેક્ટર થયું

મહારાષ્ટ્રમાં શેરડીનું વાવેતર 30 ટકા વધીને 10.66 લાખ હેક્ટર થયું
સળંગ બે વર્ષથી સારા વરસાદને પગલે બમ્પર પાકની અપેક્ષા 
મુંબઈ, તા. 15 સપ્ટે. 
સુગર વર્ષ 2020-21 માટે મહારાષ્ટ્રમાં શેરડીનો વાવેતર વિસ્તાર 29 ટકા વધીને 10.66 લાખ હેક્ટર થયો હોવાનું અનુમાન છે. ગયા વર્ષે 8.22 લાખ હેક્ટરમાં શેરડીનું વાવેતર થયું હોવાનો અંદાજ સ્ટેટ સુગર કમિશનરે જણાવ્યો હતો. અૉક્ટોબરથી સપ્ટેમ્બરના સુગર વર્ષમાં દર વર્ષે દશેરાના તહેવારની આસપાસના ગાળામાં સુગર મિલો શેરડીની ખરીદી અને પિલાણ શરૂ કરે છે. આ વર્ષે દશેરા 25મી અૉક્ટોબરના રોજ છે, પરંતુ વાવેતર વિસ્તાર વધ્યોહોવાથી અૉક્ટોબરના બીજા વર્ષમાં જ મિલો સિઝનનાં કામકાજ શરૂ કરી દેશે તેવી ધારણા છે. મહારાષ્ટ્રના સુગર કમિશ્નર શેખર ગાયકવાડે જણાવ્યું કે 2019માં તેમજ આ વર્ષે પણ સારો વરસાદ થયો હોવાથી શેરડીનો બમ્પર પાક થશે તેવી ધારણા છે. પિલાણ માટે પાછલા વર્ષમાં 545 લાખ ટનની સામે આ વર્ષે 815.50 લાખ ટન શેરડી ઉપલબ્ધ બનશે તેવું અનુમાન છે. પ્રત્યેક હેક્ટરમાં સારા પાણીને કારણે યિલ્ડ (ઉપજ) પ્રતિ હેક્ટર પાંચથી દસ ટન વધશે. ખેતરોમાં શેરડીનો વધુ પાક થવાથી મિલોમાં પણ ખાંડનું ઉત્પાદન વધશે. 
શેરડીના વાવેતર વિસ્તારના અંદાજ માટે કમિશ્નરની કચેરીએ જણાવ્યું છે કે ઉત્પાદકતા વધીને પ્રતિ હેક્ટર 85 લાખ ટન થશે. સરેરાશ રિકવરી રેટ 11.30 ટકા અને ખાંડનું ઉત્પાદન 92.15 લાખ ટન રહેવાનું અનુમાન છે. શેરડીનું ઉત્પાદન 906.1 લાખ ટન થવાની ધારણા છતાં પિલાણ માટે મિલોને 815.50 લાખ ટન શેરડી ઉપલબ્ધ બનશે. પશુચારા તેમજ ગોળ બનાવતાં એકમો તરફથી પણ શેરડીની સારી માંગ છે. પરંપરાગત મિઠાઈઓ બનાવવામાં હજુ પણ ગોળ વપરાય છે અને સફેદ ખાંડના વિકલ્પ તરીકે તેને સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે. રોકડિયા પાક હેઠળ કોલ્હાપુર વિસ્તારમાં સૌથી વધુ 2.69 લાખ હેક્ટરમાં વવોતર છે. કોલ્હાપુર અને સાંગલી જિલ્લા પરંરપરાગત રીતે રાજ્યમાં શેરડીનાં મુખ્ય ઉત્પાદક મથકો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer