સુરત એરપોર્ટ ફરીથી ધમધમ્યું

અમારા પ્રતિનિધિ તરફથી 
સુરત, તા. 29 સપ્ટે. 
કોરાના મહામારીના કારણે સુરત એરપોર્ટ પર ફ્લાઇટની અવરજવર બંધ થઇ હતી. અનલોકમાં ડોમેસ્ટીક ફ્લાઇટની અવરજવર શરૂ થતાં ફરી એક વખત સુરત એરપોર્ટ ધમધમતું થયું છે. ગત સપ્તાહે એક જ દિવસમાં બાવન જેટલી ફ્લાઇટની અવર-જવર નોંધાઇ હતી.  
ફ્લાઇટ અવર-જવરને લઇને સુરતના એરપોર્ટ ડાયરેકટર અમન સૈનીએ ટિવટ કરી વિગત જાહેર કરી છે. તે પ્રમાણે માર્ચના અંતિમ સપ્તાહથી શરૂ થયેલા કોવિડ-19 સંક્રમણના કારણે ફ્લાઇટની અવરજવર પર અસર થઇ છે. જો કે, કોરોના અગાઉ સુરત એરપોર્ટ પરથી એક જ દિવસમાં 250થી વધુ મુસાફર ફ્લાઇટની અવર-જવર એક દિવસમાં નોંધાઇ હતી.  
અનલોકમાં વેપારી ગતિવિધિ શરૂ થયા બાદ મુસાફરો હાલમાં સુરત એરપોર્ટથી એર ઇન્ડિયા, ઇન્ડિગો અને સ્પાઇસ જેટની ફલાઇટ ફરી સિડ્યુલમાં આવી રહી છે. ગત 27મીએ ઇન્ડિગોની 10, સ્પાઇસ જેટની 8 અને એર ઇન્ડિયાની 8 ફલાઇટ આવીને ગઇ હતી. જ્યારે 1010 જેટલા મુસાફરો સુરતથી અન્ય શહેરો તરફ પહોંચ્યા હતા. 1504 મુસાફરો વિવિધ ફ્લાઇટ મારફત સુરત આવ્યા હતા. કુલ 2515 પેસેંજર અવર-જવર નોધાઇ છે.  
સુરત એરપોર્ટ પર મુસાફરો અને ફ્લાઇટની સંખ્યામાં વધારો નોંધાતો સુરત એરપોર્ટની રોનક પાછી ફરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer