વાસણ-કટલરીની અમેરિકા માટેની નિકાસ માગ વધી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 29 સપ્ટે.
સ્ટેનલેસ સ્ટીલ વાસણ-કટલરીની નિકાસને લોકડાઉનથી ભારે અસર થઈ હતી. લોકડાઉન ખૂલ્યા પછી હવે પ્રથમવાર નિકાસ મોરચે સકારાત્મક અહેવાલ મળે છે. અગ્રણી વાસણ-કટલરી નિકાસકાર ઉદ્યોજકોએ જણાવ્યું કે ઘણા મહિના પછી અમેરિકાના કટલરીના ઓર્ડરોમાં સારો એવો વધારો થયો છે.
નિકાસકારોના કહેવા મુજબ વ્યક્તિગત ધોરણે જુદા જુદા દેશોમાં વાસણ-કટલરીની નિકાસના આંકડા જુદા જુદા છે. મુંબઈસ્થિત અન્ય અગ્રણી નિકાસકાર-ઉદ્યોજકે જણાવ્યું છે કે વર્ષોથી યુએઈ-લેટિન અમેરિકા-યુરોપ ખાતે લોકડાઉન હળવું થયા પછી મોલ શરૂ થયા છે, તેને લીધે ભારતના નિકાસકારોને સ્થિરપણે નિકાસ ઓર્ડર મળવા શરૂ થયા છે. અલબત્ત, વોલ્યુમ અગાઉની સરખામણીએ ઓછું-વત્તુ રહે છે, પરંતુ નિકાસ ચાલુ થઈ છે.
અમેરિકાએ ચીનના માલ સામે અતિ કડક વલણ અપનાવ્યું છે, તેને પગલે સંભવત: ત્યાંના મોલ-શોપિંગ માલિકોએ ચીનને સ્થાને ભારત જેવા નિકાસકાર દેશોને ઓર્ડર વધાર્યા હોવાનું એક અનુમાન છે.
દરમિયાન કેન્દ્ર સરકારના વાર્ષિક સબસિડી રૂા. 5000 કરોડ સુધી સીમિત રાખવાના નિર્ણય સામે નિકાસકારોનો અસંતોષ યથાવત્ છે. દેશની અર્થવ્યવસ્થાની કથળેલ સ્થિતિને ધ્યાને લઈને નિકાસ પ્રોત્સાહન વધારવા જોઈએ, એમ એક સ્થાનિક નિકાસકારે જણાવ્યું હતું. અન્ય નિકાસકારે કહ્યું કે બિહાર-યુપી પલાયન થયેલ કટલરી ઉદ્યોગના કામદારોની અછત અને પરિવહન સહિતના તમામ સ્થાયી ખર્ચા વધવાથી ઉદ્યોજકોની પડતર ઊંચી ગઈ હોવાથી પણ સરકારે પ્રોત્સાહન વધારવા વિચારણા કરવી જોઈએ.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer