મહારાષ્ટ્રના કૃષિ વિભાગે 11 બિયારણ કંપનીઓને રદ્દ કરી

સોયાબીનના પાકમાં બીજ અંકુરણ નિષ્ફળ જતાં 
પૂણે, તા. 29 સપ્ટે. 
મહારાષ્ટ્રના એગ્રિકલ્ચર કમિશ્નરે આ ખરીફ સિઝનમાં ખેડૂતોને હલકી ગુણવત્તા ધરાવતું બિયારણ પૂરું પાડવામાં કથિત ભૂમિકા ભજવનારી 11 કંપનીઓના પરવાના રદ્દ કર્યા છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ખેડૂતોએ બીજ અંકુરણમાં નિષ્ફળતાની કરેલી ફરિયાદોને પગલે આ આદેશ આપવામાં આવ્યો છે. 
ચોમાસાના પ્રારંભિક તબક્કામાં રાજ્યના ખેડૂતો વાવેતરનાં કામકાજમાં રોકાયેલા હતા. ખેડૂતોએ પાછલા વર્ષે 40.11 લાખ હેક્ટરને બદલે આ વર્ષે 43.23 લાખ હેક્ટરમાં સોયાબીનનું વાવેતર કર્યું હતું. પરંતુ વાવેતર કર્યા પછી તરત જ બીજ અંકુરિત નહીં થઈ રહ્યા હોવાના અહેવાલો આવવા લાગ્યા હતા, જેને પગલે ખેડૂતોએ પુન?વાવેતર કરવું પડ્યું હતું. સામાન્ય રીતે, હલકી ગુણવત્તાનું બિયારણ વાપરવાને કારણે, જમીનમાં પૂરતો ભેજ નહીં હોવાથી તેમજ જમીનમાં ખૂબ ઊંડે બીજ રોપીએ તો બીજ અંકુરણ નિષ્ફળ જતું હોય છે. સોયાબીન પ્રોસેસર્સ એસોસીએશન ઓફ ઈન્ડિયા (સોપા)ના અનુમાન મુજબ આશરે 20 ટકા જમીનમાં પુન:વાવેતર કરવું પડ્યું હતું. 
બોમ્બે હાઈ કોર્ટની ઔરાંગાબાદ બેન્ચ પાસે આ કેસ પહોંચ્યો તે પછી તે સમાચારો ચમકવા લાગ્યા. અદાલતે સુઓ મોટો ધોરણે કેસની કાર્યવાહી હાથ ધરી અને રાજ્યના કૃષિ વિભાગને તપાસને વેગ આપવા આદેશ કર્યો. રાજ્ય સરકારે બિયારણ કંપનીઓ સામે ગુનાહિત એફઆઈઆર નોંધવાનું શરુ કર્યું, જેને સર્વોચ્ચ અદાલતે દરમ્યાનગીરી કરીને અટકાવી. ત્યાં સુધીમાં 83 એફઆઈઆર નોંધાઈ હતી, જ્યારે 1.60 લાખ ખેડૂતોએ બિયારણ નિષ્ફળ ગયું હોવાની ફરિયાદો નોંધાવી હતી. 
એફઆઈઆર નોંધવાનું બંધ થયું હોવા છતાં કૃષિ કમિશ્નરેટના અધિકારીઓએ સીડ એક્ટ હેઠળ સુનાવણી હાથ ધરી હતી અને કંપનીઓ વિરુદ્ધ આદેશ ફરમાવ્યો હતો. આજ સુધીમાં 77 સુનાવણીઓ થઈ ચૂકી છે અને 11 કંપનીઓના પરવાના સસ્પેન્ડ કરાયા છે. હજુ વધુ 40 સુનાવણી થનાર છે. 
રાજ્ય સરકારનાં પગલાંથી બિયારણ કંપનીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. આ કંપનીઓ તેલીબિયાં બજાર ઉપર 70 ટકાથી વધુ અંકુશ ધરાવે છે. બિયારણ ઉદ્યોગના કેટલાક આગેવાનો માને છે કે બિયારણ નિષ્ફળ જવાનું સાચું કારણ ખેતીની અયોગ્ય પદ્ધતિઓ છે. તેમાં કંપનીઓને ટાર્ગેટ બનાવવાથી ખોટો સંદેશ જાય છે. 
સમગ્ર સમસ્યાનું મૂળભૂત કારણ એ હતું કે રાજ્ય સરકારે બિયારણને 
માન્ય ઠેરવવા માટેનો જાર્મિનેશન રેટ (અંકુરણ આંક) 70 ટકાથી ઘટાડીને 60 ટકા કર્યો હોવાથી બિયારણ નિષ્ફળ ગયું છે. રાજ્યમાં લણણીની સિઝન દરમ્યાન ભારે વરસાદને કારણે આમ બન્યું છે. જો આ વર્ષે વાવેતર ધરાવતા વિસ્તારોમાં ગયા વર્ષની માફક ભારે વરસાદ પડશે તો કેવી બેહાલી સર્જાશે તે અંગે બિયારણ ઉત્પાદકોએ ચેતવણી આપી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer