નેચરલ અને લેબગ્રોન હીરાની માગમાં વધારો થતા ઉદ્યોગમાં કામનો ભરાવો

નેચરલ અને લેબગ્રોન હીરાની માગમાં વધારો થતા ઉદ્યોગમાં કામનો ભરાવો
કારખાનાં ફરી ધમધમતાં કારીગરો અને માલિકોમાં ખુશી  
ખ્યાતિ જોશી  
સુરત તા. 29 સપ્ટે. 
પાછલા મહિનાઓમાં કોરોના મહામારીના કારણે હીરાઉદ્યોગનું કામકાજ લગભગ ઠપ્પ થયું હતું. અમેરિકા સહિતના દેશોની માગમાં ઘટાડો નોંધાતા હીરાના કારીગરો બેકાર બન્યાનું પ્રકાશમાં આવ્યું હતું. જો કે, ગયા મહિનાથી પશ્ચિમના દેશોની પોલીશ્ડ હીરાની માગમાં વધારો નોંધાતા સ્થાનિક હીરાના કારખાનાઓ ધમધમતા થયા છે. હીરાના કારીગરો અને માલિકોમાં કામને લીધે ખુશીની લહેર જોવા મળી છે.  
સુરતમાં કારીગરોને કામ મળી રહે તે માટે અનેક હીરાના કારખાનાઓએ પાછલા મહિનાઓમાં લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન વધાર્યું છે. અમેરિકા સહિતના દેશોમાં સિન્થેટીક હીરાની માગ વધી છે. ઓછી કિંમતની જ્વેલરીની માગ વધતા ઘરઆંગણે હીરાનું કટીંગ-પોલીશ્ડનું કામકાજ વઘ્યું છે. ગત વર્ષે દેશમાં લેબગ્રોન હીરાની આયત રૂા. 196.02 કરોડ હતી જે ચાલુ વર્ષે વધીને રૂા. 413.22 કરોડ પર પહોંચી છે. આ જ પ્રકારે લેબગ્રોન હીરાની નિકાસ ગત વર્ષે ઓગષ્ટ માસમાં રૂા 266.50 કરોડ હતી જે ચાલુ વર્ષ ઓગષ્ટ માસમાં વધીને રૂા. 373.22 કરોડ થઇ છે.  
હીરાના નિકાસકાર નિલેશ બોડકી કહે છે કે, પોલીશ્ડ હીરાની માગમાં સુધારો થતાં ઘરઆંગણે હીરાની કંપનીઓમાં કામકાજ વઘ્યું છે. અમારી પાસે અગાઉ જે પ્રકારે હીરાના કારીગરોમાં બેરોજગારીના આંકડા આવ્યા હતા તેની સરખામણી પાછલા પંદર દિવસમાં ચિત્ર બદલ્યું છે. વૈશ્વિકસ્તરે નેચરલ અને લેબગ્રોન બન્ને હીરાની માગ સુધરી છે. જેની અસર ઘરઆંગણે જોવા મળી રહ્યો છે. બબ્બે પાળીમાં હીરાની ફેક્ટરીઓમાં કામકાજ ચાલી રહ્યું છે. કામ સુધરતા હીરાના કારીગરો અને માલિકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.  
જો કે આંતરરાષ્ટ્રીય એરકનેક્ટીવીટી રાબેતા મુજબ થાય તો હીરાના કામકાજને વેગ મળી શકે છે. રફની ખરીદી માટે ઓનલાઇનના પ્લેટફોર્મ કરતા જોઇ-ચકાસીને ખરીદી કરવાનો ઉત્સાહ કંઇક અલગ છે. હીરાનો વેપાર વધારવા માટે આંતરરાષ્ટ્રીય કનેક્ટીવીટી સુધરે તેવી માગ છે.  
સુરત ડાયમંડ એસોસીએશનનાં નવા વરાયેલા પ્રમુખ નાનુભાઇ વેકરિયા કહે છે કે, ચાલુ મહિનાથી હીરાના કામકાજમાં સુધારો જોવા મળ્યો છે. હીરાના કારીગરોનાં રોજગારીનાં પ્રશ્ને ઉભી થયેલી સમસ્યાનો ઘણાખરા અંશે સમાધાન થયું છે. જેના કારણે આ વર્ષે પ્રથમ વખત હીરાઉદ્યોગમાં દિવાળી વેકેશન ટૂંકું થાય તેવું બની શકે છે. દર વર્ષે સામાન્યત: 18 થી 25 દિવસનું દિવાળી વેકેશન હીરાના કારખાનાઓમાં પડતું હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે કામકાજ ઠપ્પ થયા બાદ ગત મહિનાથી વેપાર વેગીલો બનતા વેકેશન લાંબું રાખવાના મતમાં કોઇ માલિકો જણાતા નથી. પાંચ દિવસથી લઇને એકાદ સપ્તાહનું દિવાળી વેકેશન પડે તેવી સંભાવના છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer