કેશોદમાં દેશી પારંપરિક બીજની હરતી ફરતી બીજ બેન્ક

કેશોદમાં દેશી પારંપરિક બીજની હરતી ફરતી બીજ બેન્ક
ભરતભાઈ નસીત ભારત ભ્રમણ કરી લુપ્ત થતાં 400 જેટલાં બિયારણની જાળવણી કરે છે
અમારા પ્રતિનિધિ તરફથી 
કેશોદ, તા. 29 સપ્ટે. 
વર્ષો પહેલાં કુદરતી ક્રમ સાથે સ્વયંભૂ ઉગતાં અને ઉછરતા ફળ ફળાદિ, શાકભાજી, દેશી ઓસડિયાં લુપ્ત થતાં જાય છે.  કુદરતી વાતાવરણમાં પાકતાં અનાજ અને શાકભાજી ચૂલે ચડાવ્યાં હોય તો એની ફોરમ ત્રીજા ઘરે પહોંચી જતી હતી. વ્યાપારીકરણનાં અને વધુ ઉત્પાદન મેળવવાની લ્હાયમાં બીટી બિયારણ અને વધુ પડતાં જંતુનાશક દવાઓ તથા રાસાયણિક ખાતરનાં ઉપયોગથી અસ્સલ સ્વાદ અને સોડમ લુપ્ત થઈ ગઈ છે.  
કેશોદના ભરતભાઈ નસીત વીસેક વર્ષ પહેલાં ટીટોડી ગામે ઓર્ગેનિક ખેતી કરતાં ખેડૂત ભીમશીભાઈ બારીઆનાં સંપર્કમાં આવવાથી કાશ્મીરથી કન્યાકુમારી સુધી થતી અનેક પ્રકારની વનસ્પતિ ઉછેર કરતાં જોયા, ત્યારે ભરતભાઈ નસીતને ઘેલું લાગ્યું કે આપણાં પૂર્વજોની જેમ કુદરતી અનાજ શાકભાજી અને ફળને જાળવી રાખવા હશે તો અસ્સલ બિયારણ પણ જાળવવું પડશે. બાદમાં શરૂ થઈ સંઘર્ષ યાત્રા. 
 અમદાવાદ ખાતે આવી જ પ્રવૃતિઓ કરતી સંસ્થા સૃષ્ટિ સેવા કેન્દ્ર કે જે ત્રણ વિસ્તારોમાં શાખા ચલાવી લુપ્ત થતાં બિયારણ જાળવી વાવેતર કરી ઉછેર કરવાનું અભિયાન ચલાવે છે. ભરતભાઈ નસીતે સમગ્ર ભારતભ્રમણ કરીને 26 રાજ્યોમાં પ્રવાસ ખેડીને ડુંગરાળ વિસ્તારમાં જુદા-જુદા વિસ્તારોમાં આદિવાસી વિસ્તારોમાં પહોંચી વનસ્પતિઓ, ફૂલ છોડ અને વૃક્ષોની ઉપયોગીતા વિશે માહિતી એકઠી કરવા ઉપરાંત ઉછેર માટે જરૂરી માવજતની માહિતી એકઠી કરી. ચારસો જેટલા લુપ્ત થતાં વૃક્ષો, શાકભાજી, ફળ ફળાદિની દેશી પારંપરિક બીજ એકઠાં કરી બીજ બેન્ક શરૂ કરી છે.  
સમગ્ર સોરઠમાં મેળા મેળાવડો જામે ત્યાં ભરતભાઈ નસીતની ટીમે પહોંચી જઈ મુલાકાતીઓને જાગૃત કરી બિયારણનું વિતરણ કરવા અને દેશી પારંપરિક બીજનું વાવેતર કરવા પ્રોત્સાહિત કરવાનું અભિયાન શરૂ કર્યું છે. આજથી વીસેક વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલી દેશી પારંપરિક બીજ બચાવવાની ઝુંબેશ આજે ખૂબ જ વિસ્તરણ પામી છે. બીટી બિયારણ અને જંતુનાશક દવાઓ રાસાયણિક ખાતરથી ઉત્પાદન થયેલા અનાજ શાકભાજી થી થતી શારીરિક નુકસાનીની લોકોમાં સમજ આવવા લાગી છે.  
ભરતભાઈ દ્વારા ચલાવવામાં આવતી પ્રવૃતિઓમાં તેમના પત્ની મીતાબેન સહિત પરિવારજનો બિયારણની સાફ સફાઈ, જાળવણી અને પાકિંગ કરવામાં મદદરૂપ થવા ઉપરાંત તમામ પ્રકારનો સહકાર આપે છે. બે દસકાથી શરૂ કરવામાં આવેલ પ્રવૃત્તિમાં શરૂઆતમાં દેશી પારંપરિક બીજ આપવામાં આવતાં અને ઉછેર કરી બીજ પરત આપવાની પદ્ધતિ અપનાવવામાં આવી હતી. પરંતુ વ્યવસ્થા ન જળવાતા અને દુરુપયોગ થતાં પડતર કિંમત થી વિતરણ કરવામાં આવે છે. કેશોદમાં સૃષ્ટિ સેવા કેન્દ્ર સાથે જોડાયેલાં પર્યાવરણ પ્રેમીઓ દ્વારા ચકલીનાં માળા વિતરણ ઉપરાંત પર્યાવરણને જાળવવા વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોને જાગૃત કરવામાં આવે છે. સમગ્ર ભારતભ્રમણ કરીને એકઠાં કરેલાં લુપ્ત થતાં દેશી પારંપરિક બીજો બચાવવાની ઝુંબેશમાં સૃષ્ટિ સેવા કેન્દ્ર સાથે જોડાઈને પ્રવૃત્તિ કરનારાં ભરતભાઈ નસીતનો સંપર્ક કરી આ ઝુંબેશ આગળ ધપાવી શકાશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer