સુરત હીરા-કાપડ માર્કેટોમાં 246થી વધુ કોરોના સંક્રમિતો મળ્યા

સુરત હીરા-કાપડ માર્કેટોમાં 246થી વધુ કોરોના સંક્રમિતો મળ્યા
અમારા પ્રતિનિધિ તરફથી 
સુરત, તા. 29 સપ્ટે. 
રાજ્યમાં કોરોનાનું એપીસેન્ટર એવા સુરત શહેરમાં પણ સંક્રમિતોન સંખ્યામાં ઘટાડો થયો નથી. પાછલા સપ્તાહ દરમ્યાન સુરત મનપાના આરોગ્ય વિભાગની ટીમે રેપીડ ટેસ્ટીંગમાં હીરા અને કાપડમાર્કેટોમાંથી 246થી વધુ કોરોના સંક્રમિતોને શોધી કાઢ્યા છે. માર્કેટોમાં કોરોના કેસો વધતા તંત્ર ચિંતામાં મૂકાયું છે.  
શહેરના માર્કેટ વિસ્તારોમાં સેન્ટ્રલ ઝોન, લિંબાયત ઝોન, વરાછા ઝોન દ્વારા જુદી-જુદી ટીમો બનાવી કોરોના સંક્રમણ અટકાવવા ચેંકિગ પોઇન્ટ બનાવી રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ચેકીંગ દરમ્યાન કાપડ માર્કેટોમાંથી 182 પોઝિટીવ કેસ મળ્યા હતા. જયારે સેન્ટ્રલ ઝોનના મહિધરપુરા હિરા બજાર અને વરાછા ઝોનના મિની બજારમાં 58 પોઝિટીવ મળી કેસ આવ્યા હતા. કતારગામ ઝોન વિસ્તારમાં નંદુદોશી વાડી, કુબેરનગર, મગન-નગર ખાતે 12 પોઝિટીવ કેસ મળી કુલ 70 હિરા વ્યવસાયકારોના રેપિડ ટેસ્ટ પોઝિટીવ આવ્યા છે.  
ઉપરાંત જુદા-જુદા ઝોન વિસ્તારોમાં ચાલતી બાંધકામ સાઇટો પર પણ કામ કરતાં કામદારોનાં કોવિડ રેપિડ ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. બાંધકામની સાઇટો પર કામ કરતાં કામદારોમાં પણ કોરોના ફેલાયો હોવાથી શહેર વિકાસ ખાતાને બાંધકામ સાઇટો પર નિયમોના પાલન અંગ કડક કાર્યવાહી કરવા પણ સુચના કમિશ્નરે આપી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer