સોનું : આ પ્રત્યાઘાતી ઘટાડો છે કે તેજીના અંતની શરૂઆત ?

સોનું : આ પ્રત્યાઘાતી ઘટાડો છે કે તેજીના અંતની શરૂઆત ?
મુંબઈ તા. 29 સપ્ટે. 
ગત સપ્તાહે સોના અને ચાંદીમાં જબરદસ્ત વેચવાલી જોવા મળી. ચાંદીમાં તો માત્ર ચાર દિવસમાં ભાવ વીસ ટકા ગગડીને ઔંસ દીઠ 22 ડોલર બોલાઈ ગયો. સોનુ પણ પ્રત્યાઘાતી ઘટાડામાં 1850 ડોલરે બે મહિનાના તળિયે જઈને બેઠું. માર્ચથી ઓગસ્ટ સુધી સળંગ વધીને 2000 ડોલરનો માનસશાસ્ત્રીય અવરોધ પાર કર્યા બાદ હવે સોનામાં ચાર દિવસમાં 100 ડોલરનો ઘટાડો જોવાયો છે. મંદીના મારથી પ્લેટિનમ અને પેલેડિયમ ન બચી શક્યાં.  
પ્લેટિનમમાં ઔંસ દીઠ 100 ડોલરનો અને પેલેડિયમમાં 200 ડોલરનો ઘટાડો જોવાયો. કિંમતી ધાતુઓની `તર્કહીન` વર્તણૂકથી ઘણા રોકાણકારો અસ્વસ્થ છે. આ ઘટાડો અસામાન્ય ગણાય, કેમ કે ભારે અનિશ્ચિતતા અને અતિ ઉદાર નાણાનીતિના એકંદર વાતાવરણમાં કશો ફેરફાર થયો નથી. એમ કહેવાય છે કે રોકાણકારોએ રોકડા નાણાં પ્રાપ્ત કરવા માટે વેચવાલી કાઢવી પડી.    
સોનામાં એક્સચેન્જ ટ્રેડેડ ફંડોની લેવાલી ચાલુ રહી છે, જયારે ચાંદીમાં તેમણે આશરે 750 ટનનું વેચાણ કર્યું છે જેણે છેલ્લા બે મહિનાની બધી લેવાલી પર પાણી ફેરવી દીધું છે. આવી વેચવાલીથી ચાંદીના ભાવ પર દબાણ આવશે એવું મનાય છે. 
સોનાની નબળાઈનું એક મહત્ત્વનું કારણ છે ડોલરની મજબૂતી. અમેરિકાનું અર્થતંત્ર અનિશ્ચિતતાથી ઘેરાયેલું છે ત્યારે ડોલર ક્યા કારણથી મજબૂત થયો એ વિષે નિષ્ણાતોમાં મતભેદ છે. આમ બનવા માટે યુરોપમાં કોરોનાના કેસ વધવાથી ફરી લોકડાઉનની શક્યતા અને યુરો પર તેની સંભવિત અસર,  અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી સંબંધી અનિશ્ચિતતા અને અમેરિકા દ્વારા નવું પ્રોત્સાહન પેકેજ જાહેર થવાની સંભાવનામાં થયેલા ઘટાડા જેવા જાતજાતના ખુલાસા અપાય છે.     
હાલના ઘટાડા છતાં સોનામાં હજી ફરીથી સુધારો આવવાની શક્યતા છે કેમ કે એકંદર આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ જોખમી અને અનિશ્ચિતતાભરી જ રહી છે. કોરોનાનો  ભય હજી ઓસર્યો નથી. આર્થિક પ્રવૃત્તિને પગભર થતા સમય લાગશે. વધુ મહત્ત્વની વાત એ છેકે ધનિક દેશોની, ખાસ કરીને અમેરિકાની નાણાનીતિ 2021માં અને કદાચ 2022માં પણ અત્યંત ઉદાર રહેવાના પ્રબળ સંકેતો છે. 
એ ખરું કે સોનુ કોઈ આવક રળી આપતું નથી. પરંતુ તેનું આકર્ષણ તેની સાથે સ્પર્ધા કરનારી અન્ય અસ્ક્યામતો (દા.ત. અમેરિકન ટ્રેઝરી બોન્ડ્ઝ) 
પરના વળતરના આધારે નક્કી થાય છે. અમેરિકન ટ્રેઝરી બોન્ડ પરનું વાસ્તવિક વળતર ઘટશે તો ડોલર ઉપર પણ દબાણ આવશે અને એટલે કિંમતી ધાતુઓને, ખાસ કરીને સોનાને લાભ થશે.  
એ અલગ વાત છે કે ભૌતિક અથવા પ્રત્યક્ષ સોનાની માગ સાવ ઘટી ગઈ છે. સોનાના બે સૌથી મોટા વપરાશકારો ભારત અને ચીનમાં સોનાની આયાત ખૂબ ઓછી થઇ ગઈ છે. આજે સોનાની બજાર ભૌતિક માગને જોરે નહિ પરંતુ નાણાકીય રોકાણકારોના સહારાથી ચાલે છે.  
આંતરરાષ્ટ્રીય પ્રવાહોને અનુસરીને ભારતમાં પણ સોનુ દસ ગ્રામ દીઠ રૂ. 50,000ની માનસશાસ્ત્રીય સપાટીથી નીચે ઉતરી ગયું છે; પરંતુ પ્રત્યક્ષ સોનાના ગ્રાહકોને તેનાથી કોઈ ફરક પડતો નથી. અત્યારના ભાવે સોનુ ખરીદવાનો વિચાર પણ તેમને પોસાય એમ નથી. ખાસ કરીને વેપારઉદ્યોગ અને ધંધારોજગાર સાવ ઠંડા છે અને માધ્યમ વર્ગના હજારો કુટુંબો આવક અને નોકરી ગુમાવીને બેહાલ થઇ ગયા છે ત્યારે સોનુ ખરીદવાના તેમને હોંશહવાસ નથી.   
સોનુ હાલના પ્રત્યાઘાતી ઘટાડામાંથી બહાર આવીને વર્ષના અંત સુધીમાં ફરીથી 2000 ડોલર નજીક પહોંચે એવી શક્યતા છે. આ સુધારો રોકાણ માટેની માગને આભારી હશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer